આ પુસ્તક વિષે:
હાલના તુર્કીમાં 13મી સદીમાં જન્મેલા મુલ્લા નસરૂદ્દીન તત્ત્વજ્ઞાની, ફિલોસોફર અને સૂફી વિદ્વાન હતા. મુલ્લા નસરૂદ્દીનના નામે હજારો કથાઓ પ્રસિદ્ધ છે. મોટાભાગની કથાઓ રમૂજી સ્વરૂપની છે, છતાં તેમાં હાસ્ય સાથે બોધ પણ સમાયેલો હોય છે. કેટલીક કથાઓમાં મુલ્લાનું વર્તન મૂર્ખ શિરોમણી જેવું જણાય છે, તો કેટલીક કથાઓ મુલ્લાને પોતાના સમયના સૌથી વધુ જ્ઞાની અને ડહાપણસભર વ્યક્તિ સાબિત કરે છે. મુલ્લા નસરૂદ્દીનની કથાઓની કદાચ આ જ સૌથી મોટી ખૂબી છે.
પ્રસ્તુત સંગ્રહમાં મુલ્લા નસરૂદ્દીનનાં અનોખા કિસ્સાઓ સમાવવામાં આવ્યા છે. આ સંગ્રહના મોટાભાગના કિસ્સાઓ ઈ.સ. 1571માં મળેલી મુલ્લા નસરૂદ્દીનની વાર્તાઓની સૌથી જૂની પ્રત પર આધારિત છે, તો મુલ્લાના નામે પ્રચલિત કેટલાક નવા કિસ્સાઓ અને રમૂજોને પણ આ પુસ્તકમાં સમાવવામાં આવી છે. ઓશોએ પોતાના પ્રવચનોમાં મુલ્લા નસરૂદ્દીનની કથાઓ અને રમૂજોનો ભરપૂર ઉપયોગ કર્યો છે. મુલ્લા નસરૂદ્દીન સાહિત્યમાં ઓશોએ પોતે અનેકવિધ વાર્તાઓ ઉમેરી આગવું પ્રદાન કર્યું છે. આ પુસ્તકમાં `ઓશોના મુલ્લા નસરૂદ્દીન' નામથી ઓશોએ કહેલી મુલ્લા નસરૂદ્દીનની કેટલીક વાર્તાઓ સમાવેલી છે, તો સાથે મુલ્લાના નામે રચાયેલા મોર્ડન જોક્સ પણ સમાવાયા છે.
આ શ્રેણી વિષે:
``તમે તમારા બાળકોને બુદ્ધિશાળી બનાવવા ઈચ્છો છો ? - તો એમને વાર્તાઓ સંભળાવો; અને જો તમે તમારા બાળકોને વધુ બુદ્ધિશાળી બનાવવા ઈચ્છતા હો, તો એમને વધુ વાર્તાઓ કહો.'' આ શબ્દો છે, મહાન વિજ્ઞાની આલ્બર્ટ આઈન્સ્ટાઇનના. બાળઉછેર અને શિક્ષણ માટે વાર્તાઓ અનિવાર્ય છે. આશરે 2500 વર્ષ પહેલા પંડિત વિષ્ણુ શર્માએ રાજાના મૂર્ખ રાજકુમારોને શિક્ષણ આપવા પ્રાણીઓની વાર્તાઓનો સહારો લીધો હતો; અને આ વાર્તાઓ પંચતંત્રને નામે પ્રસિદ્ધ બની. આઈન્સટાઇનના ઉપરના શબ્દોની આ 2500 વર્ષ અગાઉ અપાયેલી સાબિતી છે!
માત્ર બાળકો જ શા માટે, વાર્તાઓ તો સૌને ગમે છે. દંતકથાઓ, પૌરાણિક કથાઓ, લોકકથાઓ, પરીકથાઓ -એમ અનેક નામે ઓળખાતી વાર્તાઓ; આખરે તો આખીયે માનવજાતિનો આયનો છે. ભારત તો વાર્તાઓનું પિયર છે! રામાયણ, મહાભારત, પુરાણો, પંચતંત્ર, હિતોપદેશ, કથાસરિતસાગર, જાતક કથાઓ વગેરે પ્રાચીન ભારતીય કથાસાહિત્ય એટલું વિશાળ છે કે તેનું સાંગોપાંગ અધ્યયન કરવા એક આખું આયખું ઓછું પડે.
પ્રસ્તુત વાર્તાવિનોદ શ્રેણીમાં જ્ઞાન ઉપરાંત મનોરંજન માટે ઇતિહાસના પ્રસિદ્ધ પાત્રોની આસપાસ રચાયેલી વાર્તાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, જે બાળકો જ નહીં; પણ કોઈપણ વય કે સ્તરની વ્યક્તિને વાર્તાસાહિત્યમાં રસતરબોળ કરી દેશે. આ પુસ્તક ફક્ત બાળકો માટે નથી, પણ જેનામાં બાળક જીવંત છે, તેવા તમામ માટે છે.