તેનાલીરામના અદભુત કિસ્સાઓ

Tenaliram na adbhut kissao.jpeg

આ પુસ્તક વિષે:


તેનાલીરામનો જન્મ હાલના આંધ્રપ્રદેશના ગુન્ટૂર જિલ્લાના તેનાલી નામના ગામમાં થયો હતો. તેનાલીરામ એક સારા કવિ પણ હતા અને `વિકટ કવિ'ના ઉપનામથી જાણીતા હતા. તેનાલીરામને વિધિવત્ રીતે શિક્ષણ પ્રાપ્ત થયું નહોતું. 
તેનાલીરામ આજીવિકા માટે `ભાગવત્ મેળા મંડળ' સાથે જોડાયા. આ મંડળ ગામેગામ ફરી ભાગવત્ના પ્રસંગો પર કાર્યક્રમો આપતું. એક દિવસ આ મંડળ મહારાજ કૃષ્ણદેવરાયના દરબારમાં પહોચ્યું અને ત્યાં એક કાર્યક્રમ પ્રસ્તુત કર્યો. આ કાર્યક્રમમાં તેનાલીરામના પ્રદર્શનથી રાજા કૃષ્ણદેવરાય ખૂબ જ પ્રભાવિત થયા અને રાજાએ તેનાલીરામને પોતાના દરબારમાં આઠમાં રત્ન તરીકે સામેલ કરી લીધા. આમ તો તેનાલીરામને હાસ્ય કવિ તરીકે રાજદરબારમાં સ્થાન આપવામાં આવ્યું હતું, પરંતુ પોતાના ચાતુર્યના કારણે તેનાલીરામ ટૂંક સમયમાં જ રાજાના વિશ્વાસુ સલાહકાર બની ગયા. મહારાજ કૃષ્ણદેવરાય ઇ.સ. 1509 થી 1529 સુધી વિજયનગરની રાજગાદી પર બિરાજમાન હતા. આ સમય દરમિયાન તેનાલીરામે એમના દરબારમાં હાસ્ય કવિ અને મંત્રીની ભૂમિકા ભજવી. તેનાલીરામ રાજાના સલાહકાર ઉપરાંત એમના શ્રેષ્ઠ મિત્ર પણ હતા. ઈ.સ. 1529માં રાજા કૃષ્ણદેવરાયના અવસાન બાદ તેનાલીરામ રાજદરબાર છોડી દે છે, અને પોતાના વતન તેનાલીમાં વસી જાય છે. થોડા વર્ષો બાદ ત્યાં જ સર્પદંશથી તેમનું મૃત્યુ થયું.
ઉત્તર ભારતમાં જે સ્થાન અકબર બીરબલની વાર્તાઓનું છે, એવું જ સ્થાન દક્ષિણ ભારતમાં તેનાલીરામ અને રાજા કૃષ્ણદેવરાયની વાર્તાઓનું છે. તેનાલીરામની કથાઓ દંતકથાઓની જેમ કહેવાતી આવી છે અને સદીઓથી આબાલવૃદ્ધ સૌનું મનોરંજન કરે છે.

 

આ શ્રેણી વિષે:


``તમે તમારા બાળકોને બુદ્ધિશાળી બનાવવા ઈચ્છો છો ?  - તો એમને વાર્તાઓ સંભળાવો; અને જો તમે તમારા બાળકોને વધુ બુદ્ધિશાળી બનાવવા ઈચ્છતા હો, તો એમને વધુ વાર્તાઓ કહો.'' આ શબ્દો છે, મહાન વિજ્ઞાની આલ્બર્ટ આઈન્સ્ટાઇનના. બાળઉછેર અને શિક્ષણ માટે વાર્તાઓ અનિવાર્ય છે. આશરે 2500 વર્ષ પહેલા પંડિત વિષ્ણુ શર્માએ રાજાના મૂર્ખ રાજકુમારોને શિક્ષણ આપવા પ્રાણીઓની વાર્તાઓનો સહારો લીધો હતો; અને આ વાર્તાઓ પંચતંત્રને નામે પ્રસિદ્ધ બની. આઈન્સટાઇનના ઉપરના શબ્દોની આ 2500 વર્ષ અગાઉ અપાયેલી સાબિતી છે!
માત્ર બાળકો જ શા માટે, વાર્તાઓ તો સૌને ગમે છે. દંતકથાઓ, પૌરાણિક કથાઓ, લોકકથાઓ, પરીકથાઓ -એમ અનેક નામે ઓળખાતી વાર્તાઓ; આખરે તો આખીયે માનવજાતિનો આયનો છે. ભારત તો વાર્તાઓનું પિયર છે! રામાયણ, મહાભારત, પુરાણો, પંચતંત્ર, હિતોપદેશ, કથાસરિતસાગર, જાતક કથાઓ વગેરે પ્રાચીન ભારતીય કથાસાહિત્ય એટલું વિશાળ છે કે તેનું સાંગોપાંગ અધ્યયન કરવા એક આખું આયખું ઓછું પડે.
પ્રસ્તુત વાર્તાવિનોદ શ્રેણીમાં જ્ઞાન ઉપરાંત મનોરંજન માટે ઇતિહાસના પ્રસિદ્ધ પાત્રોની આસપાસ રચાયેલી વાર્તાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, જે બાળકો જ નહીં; પણ કોઈપણ વય કે સ્તરની વ્યક્તિને વાર્તાસાહિત્યમાં રસતરબોળ કરી દેશે. આ પુસ્તક ફક્ત બાળકો માટે નથી, પણ જેનામાં બાળક જીવંત છે, તેવા તમામ માટે છે.


Buy on Amazon