યસ મેન – સેય યસ ટુ એવરીથિંગ
કલ્પના કરો કે તમને આજથી જીવનમાં જેટલી તક મળે તે બધામાં “યસ” કહેવાનું શરુ કરી દેશો. કોઈપણ જાતના તર્ક વગર દરેક વાત દરેક નિમંત્રણ અને દરેક તક માટે હા કહેવાનું શરુ કરી દો. બની શકે તમારા જીવનમાં ધરખમ ફેરફારો આવે. ઘણા લાંબા સમયથી તમે તમારી જાતને એક મનની માયાજાળમાં બાંધી લીધી હશે. આ સેઇંગ યસની ફોર્મ્યુલા તમને આ માયાજાળમાંથી મુક્ત કરી દેશે.
જીવનમાં ખરેખર આવું શક્ય છે? કાર્લના જીવનમાં શક્ય હતું. જીમ કેરી અભિનીત કાર્લ તેના જીવનમાં ખુબ જ નકારાત્મક બની ગયો હોય છે. તે હંમેશા લોકોને અને ભગવાનને કોશે રાખતો હતો. તેના મિત્રો પણ તેનાથી ખૂબ જ કંટાળી ગયા હતા. અચાનક જ તેના એક મિત્રએ કાર્લને એક સેમીનારમાં જવાનું સુચન કર્યું. આપણે પણ સેમીનારમાં જતા હોઈએ છીએ. ત્યાં પચાસ જાતના નુસખાઓ આપવામાં આવતા હોય છે. શું આપણે તેને અનુસરીએ છીએ? “શેઠની શિખામણ ઝાંપા સુધી.” આપણું તેવું જ વર્તન હોય છે. જયારે કાર્લ તો આ સેમીનારમાં આપેલી ફોર્મ્યુલા એકદમ ગંભીરતાથી તેના જીવનમાં ઉતારે છે. ફોર્મ્યુલા કંઇક આવી છે: “You have to say yes to everything for a year” – “એક વર્ષ માટે તમારે જીવનમાં દરેક બાબત માટે હા પાડવાની છે.” કાર્લ તેના જીવનમાં બનતી દરેક ઘટનામાં યસ કહેવાનું શરુ કરે છે. તેના કારણે તેના જીવનમાં ઘણી ઉથલપાથલ થાય છે. તેને એક નવી ગર્લફ્રેન્ડ મળે છે અને નોકરીમાં પ્રમોશન મળે છે. આ મુવી આમ તો કોમેડી મુવી છે પણ ઘણું માર્મિક જ્ઞાન આપે છે:
1 Stop living artificial life
બીજા લોકોને ગમશે કે નહિ તેવું માનીને આપણે કૃત્રિમ જીવન જીવીએ છે. સમાજની સાથે ચાલવામાં આપણે પોતાની જાતને જ ભૂલી જ જઈએ છીએ. કાર્લ બીજા લોકોનું મન રાખવા માટે જીવતો હતો. હવે તે પોતાની જાત અને પોતાની ખુશી માટે જીવવાનું શરુ કરી દે છે. ઘણીવાર એવું બની શકે કે તમે જે બાબતથી ભાગતા હોય તે બાબત જ તમને ખુશી આપી દે. કૃત્રિમ જીવન તમને લાંબાગાળા સુધી ખુશી નહિ આપી શકે. તમે જેવા છો તેવા જ રહો. “હા” કહેવાનું શરુ કરી દો.
2 You can not audit life
જીવનમાં આપણે હંમેશા હિસાબના લેખાજોખામાં ખોવાયેલ રહીએ છીએ. કોઈ વ્યક્તિએ તમારી સાથે કંઇક ખોટું કર્યું તેથી તમે તેનો બદલો વાળશો અને ગુસ્સો રાખશો.આવી અનેક ક્ષુલ્લ્ક બાબતોમાં આપણે સમયનો બગાડ કરીએ છીએ. માનવીઓને એવો ભ્રમ હોય છે કે જીવનનો હિસાબ લગાવી શકાય. આટલું સારું થયું અને આટલું ખરાબ થયું તેવું નક્કી કરી શકાય. પણ હકીકત તો એ છે કે તમારા મતે જે સારું છે તે બીજા માટે ખરાબ છે. તેથી તમે જીવનનો હિસાબ ક્યારેય ન લગાવી શકો. જો કાર્લ જીવન ખરાબ છે અને તેના હિસાબમાં માત્ર દુઃખરૂપી દેવું જ છે તેવું માનીને જીવત તો તે શું ક્યારેય ખુશ થઇ શકત?
3 World is a playground
આપણે જીવનને બહુ સીરીયસ બનાવી દઈએ છીએ. કાર્લ તેના જીવનના દરેક નાની મુશ્કેલીઓને મહાન મુશ્કેલીઓ માનતો. ત્યારે તેની ગર્લફ્રેન્ડ એલિસને તેને સમજાવ્યું. દુનિયા એક રમતનું મેદાન છે. આપણે બાળકો છીએ. આપણે મોટા થઇ જઈએ એટલે આ સત્ય ભૂલી જઈએ છીએ. કોઈવાર ફરી બાળક બની જાવ. જીવન એક તમારી ગમતી રમત છે તેવો દ્રષ્ટિકોણ વિકસાવો. રમત રમવાની મજા આવવા લાગશે.
4 At least try
માનવીનો સ્વભાવ છે કે જયારે પણ કંઇક નવું કરવાનું કહેવામાં આવે એટલે તે ભાગાભાગી કરવા લાગે. કારણ કે માનવી તેના કમ્ફર્ટ ઝોનની બહાર હોય તેવું કોઈપણ કામ કરવા માંગતો નથી. કાર્લ સેમીનારને મજાક જ માને છે. પરંતુ જયારે તે ખરેખર બધી જ બાબતમાં હા કહેવાનું શરુ કરે છે ત્યારે તેને જીવનનો મિરેકલ સમજાઈ જાય છે. કંઈપણ નવી ટેવ અપનાવવા માટે પહેલા પ્રયત્ન તો કરો. મજા આવે તો ટેવ અપનાવવાની બાકી કંઇક નવું શોધવાનું.
5 Don’t be over optimistic
જો તમે જીવનમાં દરેક બાબતોમાં હા જ કહેવા લાગશો તો બધું જ સારું થશે તેવું પણ ન માની લો. વધુ પાડતા આશાવાદી પણ ન બનો. કાર્લની આ નવી ફોર્મ્યુલા તેના જીવનમાં કેટલીક મુશ્કેલી પણ સર્જે જ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે આ ફોર્મ્યુલા અનુસરાય ખરી પરંતુ પોતાનું મગજ વાપરીને. આમ પણ કોઈપણ બાબત પ્રત્યે વધુ પડતી આશા તમને અંતમાં નિરાશા જ આપશે.
આ કોમેડી મુવી છે. જો ઘણા સમયથી હસ્યા ન હો તો આ મુવી જોવું જોઈએ. તેમજ “હા” પાડવાનો આ ક્રેઝી ફોર્મ્યુલા અપનાવા જેવો ખરો. કોને ખબર આ ફોર્મ્યુલાથી તમારું કયું સપનું સાચું પડી જાય? કયો દરવાજો ખુલી જાય. કયો ચમત્કાર થઇ જાય કોને ખબર? એક જ પ્રશ્ન તમારી જાતને પૂછો:
Are you ready to say yes to life?
આભાર
દર્શાલી સોની