વાઈન કન્ટ્રી – સહેલીઓની જુગલબંધી
જો તમને હોલીવુડ મુવીઝ જોવાનો શોખ હોય તો અત્યારસુધીમાં તમે એવા ઘણા મુવીઝ જોયા હશે જેમાં પાંચ મિત્રો, ચાર કે ત્રણ મિત્રો ભેગા થઈને એક મુસાફરી પર જાય, વર્ષો પછી મળ્યા હોય તેથી તેના જીવનના અનુભવો પણ શેર કરે, અને હેંગઓવર જેવું મુવી હશે તો જે જગ્યાએ ગયા ત્યાં કંઇક ખુરાફાતી તોફાન કરે. અથવા તો એકબીજા સાથે ઝગડે અથવા તો કોઈ અજાણ્યા શહેરમાં પહોંચી જાય અથવા તો કોઈ અજાણી સ્ત્રી સાથે સેક્સ કરી લે અથવા તો કોઇપણ સાથે લગ્ન કરી લે, આવા તો અનેક પ્રકારના કલાસિક તોફાનો કરતા હોય તેવા તમે ઘણા મુવીઝ જોયા જ હશે. આવા મુવીઝમાંથી આમ તો મનોરંજન જ માણવાનું હોય છે પણ ક્યારેક આ પ્રકારના મુવી આપણને આપણું જીવન ફરીથી જોવા માટે પ્રેરે છે, આપણા પણ મિત્રો કે સહેલીઓને ફરીથી મળવાનું શીખવે છે અને થોડું હળવાશથી જીવન જીવવાનું શીખવે છે.
આજે ૨૦૧૯માં આવેલા એક એવા મૂવીની વાત કરવી છે જેમાં ઘણા વર્ષો પછી છ સહેલીઓ ભેગી મળીને વાઈન માટેની પ્રખ્યાત જગ્યા નાપામાં જવાનું નક્કી કરે છે. તે છ સહેલીઓમાંની એક સહેલીનો ૫૦ વર્ષ થઇ જવાનો જન્મદિવસ ઉજવવાનો હોય છે. તે બહાને વર્ષોથી છૂટી પડેલી સહેલીઓ ફરીથી મળે છે. આ છ સહેલીઓ તેના યુવાનીકાળમાં એક પીઝાના રેસ્ટોરન્ટમાં વેઈટ્રેસ તરીકે કામ કરતા હોય છે. ત્યારબાદ બધી સહેલીઓ પોતપોતાના જીવનમાં આગળ વધી જાય છે.
એક સહેલીના લગ્ન થઇ ગયા હોય છે અને તેણીના ત્રણ બાળકો હોય છે, એક સહેલીએ છૂટાછેડા લઇ લીધા છે અને તેની નોકરી પણ જતી રહી છે, એક સહેલી – પોતાની પીઝા ચેઈનનો ધંધો કરતી હોય છે અને ટીવી શો શરુ શરુ કરવાની વિચારતી હોય છે, બીજી એક સ્ત્રીનો ક્રાફ્ટનો સ્ટોર હોય છે અને તેણી લેસ્બિયન હોય છે તો અન્ય એક ૫૦ વર્ષની થઇ જવાની સાથોસાથ એક સુંદર જીવન વિતાવતી હોય છે, એક સ્ત્રીને બધા લોકોથી નફરત જ હોય છે આમ છતાં તે ઘણા સમય બાદ આ મુસાફરીમાં આવવા માટે તૈયાર થાય છે.
ટૂંકમાં દરેકના જીવનમાં પોતપોતાના અનુભવો છે અને પોતાની લાગણીઓ છે જેને તેઓ સમજવાનો અને સામનો કરવાનો પ્રયત્ન કરતા હોય છે. મુવીમાં એક સીન એવો પણ આવે છે જયારે તેઓ ભેગા મળીને એક ટેરોટ કાર્ડ રીડર પાસે પોતાનું રીડીંગ કરાવે છે અને તેઓને ખબર પડે છે કે તેઓમાં શું ખામીઓ રહેલી છે અને તેઓ શેનાથી ભાગી રહ્યા છે.
શરૂઆતમાં તો બધી સહેલીઓ ઘણા સમય પછી મળે છે એટલે ખુબ જ ધમાલ કરે છે પણ પછી બધાને એકબીજાની જે કંઈપણ બાબતો નથી ગમતી તેના માટે થોડું ઝગડવાનું પણ થાય છે – જો કે દરેક આવા મિત્રોના મુવીઝમાં આવું તો થતું જ હોય છે, પછી બધાને એકબીજાની ભૂલો સમજાય છે અને બધા એકબીજા સાથે પોતાની પરિસ્થિતિઓ શેર પણ કરે છે. જેમ કે એક સહેલીને બ્રેસ્ટ કેન્સરનો રીપોર્ટ કરાવીને શું પરિણામ આવ્યું તે જાણતા ડર લાગતો હોય છે, તો બીજીને ટીવી શો શરુ કરવો કે નહી તેની મૂંઝવણ છે, તો અન્ય સહેલી એમ સ્વીકારવા નથી માંગતી કે તેણી હવે ઘરડી થઇ ગઈ છે, તો વળી બીજી સહેલી તે વાત નથી સ્વીકારી શકતી કે તેની નોકરી જતી રહી છે અને અન્ય સહેલીને તેની લેસ્બિયન હોવાને કારણે ક્યારેય સારો પાર્ટનર મળશે કે કેમ તેની આશંકા છે. ટૂંકમાં બધા જ પોતાની રીતે મથી રહ્યા છે. જયારે આ રીતે બધા ભેગા થાય છે ત્યારે ઉપર છેલ્લી ખુશી દેખાડવાને બદલે બધા એક બીજા સાથે સમય જતા સત્ય પણ શેર કરે છે.
મુવીમાંથી શીખવાનું આમ તો ઘણું છે – જેમ કે જીવનમાં મિત્રતાનું શું મહત્વ છે, શા માટે ક્યારેય તમારા દિલની વાતો શેર કરી દેવાથી મન હળવું થાય છે, કઈ રીતે મિત્રો હશે તો જીવનના દરેક તબક્કામાં તમને મદદ કરશે અને તમારી સાથે ઉભા રહેશે, કઈ રીતે તમારા જીવનમાં મિત્રો હશે તો ક્યારેક સાચો અને કડવો લાગી શકે તેવો અરીસો પણ દેખાડશે, કઈ રીતે મિત્રોને કારણે તમને જીવન ખુશહાલ પણ લાગી શકે, આવી અનેક બાબતો શીખવાની છે.
જો તમને ઘણા સમયથી એવું કોઈ મુવી ન જોયું હોય જેમાં મનોરંજન અને તમારી પણ યાદો તાજા થઇ જાય તેવી વાતો હોય તો આ મુવી એકવાર જોવું જોઈએ.