વોટ વીમેન વોન્ટ
"વોટ વીમેન વોન્ટ" મુવીના ટાઈટલ પરથી જ વિચાર આવે કે સ્ત્રીઓને ખરેખર શું જોઈએ છે તે આ મુવીમાંથી શીખવા મળી જતું હોય તો તો આ મુવી જોવું જ જોઈએ. આ મુવી ૨૦૦૦ની સાલમાં રીલીઝ થયેલું છે. તેમજ આ મુવી ગોલ્ડન ગ્લોબ અવોર્ડ માટે પણ નોમીનેટ થયેલું છે. મુવીની વાર્તા રસપ્રદ છે. શિકાગોની એક એડવરટાઈઝિંગ કંપનીમાં મેલ ગીબ્સન દ્વારા અભિનીત નીક કામ કરતો હોય છે. તેનું કામ સ્ત્રીઓ માટેની પ્રોડક્ટસનું માર્કેટિંગ કરવાનું હોય છે. તેને પ્રમોશન મળવાનું હોય છે તેને બદલે તેની એક હરીફ ડારસી નામની સ્ત્રી કંપનીમાં જોડાય છે.
નીક ડારસીને હરવવા માટે નવા નવા માર્કેટિંગ સ્ટ્રેટેજીઝ વિચારતો હોય છે. એક વખત નીકને એવો સુપર પાવર મળી જાય છે કે જેના કારણે તે સ્ત્રીઓ ખરેખર મનમાં શું વિચારતી હોય છે તે સાંભળી શકે છે. આ તો એક કોમેડી રોમેન્ટીક મુવી છે. તેથી મુવીમાં બધા સુપર પાવર અને ચમત્કાર થવા શક્ય છે. નીક દરેક સ્ત્રીના મનની વાત સાંભળીને તેના મુજબ વર્તન કરીને બધા વચ્ચે પ્રખ્યાત થઇ જાય છે. એટલું જ નહિ તે ડારસીના બધા વિચારો સાંભળીને પણ તેણીને પ્રભાવિત કરી દે છે અને બંને પ્રેમમાં પડે છે.
આ મુવીમાં નીકને સ્ત્રીઓના વિચારોને સાંભળી શકવાનો સુપર પાવર તેના ધંધામાં પણ મદદરૂપ થાય છે અને તેના જીવનમાં પણ મદદરૂપ થાય છે. કઈ રીતે તે ચાલો જાણીએ:
૧ માર્કેટિંગ
તમે કોઈપણ પ્રોડક્ટ માર્કેટમાં વેંચવા માંગતા હો ત્યારે તમારા ગ્રાહકોની માનસિકતા શું છે, તેની જરૂરીયાત શું છે, તેના વિચારો શું છે, તેની ઇચ્છાઓ શું છે એ જાણી લો તો ઉત્તમ રીતે માર્કેટિંગ કરી શકો છો. તમે તમારા ગ્રાહકોને જેટલું વધુ સારી રીતે જાણતા હશો તેટલો વધુ ફાયદો તમને થશે. આ મુવીમાં પણ નીક સ્ત્રીઓની પ્રોડક્ટસ વેચવા માટે પોતાના સુપર પાવર થકી તેઓના વિચારો અને ઇચ્છાઓ જાણવા લાગે છે અને ઉત્તમ માર્કેટિંગ કેમ્પેઈન બનાવે છે.
૨ પ્રમાણિકતા
ઘણી બીઝનેસ બુક્સમાં એવો ઉલ્લેખ હોય છે કે ધંધામાં માર્કેટિંગમાં પ્રમાણિકતા શક્ય નથી. નીક પણ ડારસીને હરાવવા માટે પોતાના સુપર પાવર થકી તેણીના બધા વિચારો સાંભળીને પોતાના પ્રેઝન્ટેશનમાં અપનાવી લે છે. પણ જયારે તેને તેની ભૂલ સમજાય છે ત્યારે તે પ્રમાણિક બનીને સાચી વાત ડારસીને જણાવી દે છે. ધંધો હોય, જીવન હોય કે હરીફાઈ હોય - પ્રમાણિકતાનો ગુણ દરેક વ્યક્તિને આગળ લઇ જઈ શકે છે. ઘણી કંપનીમાં ઘણા કમર્ચારીઓ તેની પ્રમાણિકતાના ગુણને કારણે જ વધુ માન-સમ્માન મેળવતા હોય છે.
૩ સાંભળવું
માર્કેટિંગના ઉત્તમ આઈડિયાઝ કઈ રીતે મેળવી શકો તેનો જવાબ આ મુવીમાં આપેલ છે. તમારા ટાર્ગેટ માર્કેટને સાંભળો. તમે જેટલું તેઓની સાંભળશો, તેઓની સમસ્યા સાંભળશો, તેની જરૂરિયાત જાણશો તેટલું વધુ તમે સારી પ્રોડક્ટ કે સર્વિસ આપી શકશો. નીક પાસે જયારે સુપર પાવર આવ્યો ત્યારે તેણે બધી સ્ત્રીઓને સાંભળવાનું શરુ કર્યું ત્યારે જ તેને અસરકારક માર્કેટિંગ સ્ટ્રેટેજી બનાવવાની પ્રેરણા મળી. તમે પણ તમારા ધંધામાં તમારા ગ્રાહકોને વધુને વધુ સાંભળો.
૪ સ્ત્રીઓ
લોકો હંમેશા એવું કહેતા હોય છે કે સ્ત્રીઓને સમજવી અઘરી છે. આ મુવીમાં નીક પણ તેની દીકરીને સમજી શક્યો ન હતો. જયારે તેને સુપર પાવર મળે છે ત્યારે તે ખરેખર તેની દીકરીના શું વિચારો છે તે જાણી શકે છે. આ મુવીમાં સ્ત્રીઓને સમજવા માટેનો બહુ સહેલો રસ્તો સમજાવી દીધો છે. તેઓને સાંભળો. તેને જેટલું સાંભળશો તેટલું વધુ તેઓના વિચારો અને ઇચ્છાઓ વિશે ખબર પડશે. આ મુવીમાં નીક તેની આસપાસની સ્ત્રીઓના વિચારોને સાંભળીને તેનો ઉપયોગ માર્કેટિંગ પ્લાન માટે પણ કરે છે અને પોતાના અંગત જીવનમાં ડારસી અને તેની દીકરીને સમજવા માટે પણ કરે છે.
"વોટ વીમેન વોન્ટ" મુવી થોડું કોમેડી અને રોમેન્ટિક પણ કહી શકાય. કઈ શીખવા કરતા જયારે માત્ર મનરંજન માટે અને નાની નાની સમજવાની બાબતો શીખવી હોય ત્યારે આ મુવી જોઈ શકાય. આ મુવી જોયા બાદ તમને જાણીને નવાઈ લાગશે કે સ્ત્રીઓ ખરેખર મનમાં શું વિચારો ધરાવતી હોય અને લોકોની સામે શું વિચારો રજૂ કરતી હોય. આ મુવીના મુખ્ય પાત્ર મેલ ગીબ્સનની એક્ટિંગ વખાણવા લાયક છે. તમે પણ સ્ત્રીઓને સમજવા માંગતા હો તો એકવાર આ મુવી જોવું જોઈએ.
આભાર
દર્શાલી સોની