જયારે નિષ્ફળતા જરૂરી બની જાય ત્યારે?
સામાન્ય રીતે હોલીવુડના રોમ-કોમ મૂવીઝ જોતા હોય ત્યારે હળવાશનો અનુભવ ઝંખતા હોઈએ. તેમાંથી કઈ શીખવું તો નકામું લાગે. હા, થોડી રોમેન્ટિક ટ્રીક્સ જરૂરથી શીખતા હોઈએ જેથી વાસ્તવિકતામાં જીવનને થોડું સ્પાઈસ અપ બનાવી શકાય. પણ ઘણીવાર રોમ-કોમ મૂવીઝમાં પણ નાની અને મહત્વની બાબત શીખવા મળી જતી હોય છે.
૨૦૧૨માં આવેલ “વન્ડરલસ્ટ” મૂવી જ્યોર્જ અને લીન્ડાના દામ્પત્યજીવનની કહાની છે. બોક્સઓફિસ પર મૂવી ફ્લોપ ગયું હતું કારણ કે તમે આ મૂવી જેવી વાર્તા અનેકવાર જોઈ હશે - આમ છતાં જો તમને રોમકોમ જોવાનો કીડો હોય અને તેમાં પણ અભિનેત્રી જેનીફર એનિસ્ટન તમારી પ્રિય હોય તો જરૂરથી મૂવી જોવું જોઈએ.
જ્યોર્જ જે કંપનીમાં કામ કરતો હોય છે તે કંપની કાયદાકીય લફડામાં પડી જાય છે અને કંપની બંધ થઇ જાય છે. અચાનક જ જ્યોર્જ પાસે નોકરી રહેતી નથી. બીજી તરફ લીંડા તેના જીવનમાં કોઈ એક જ કારકિર્દી પસંદ કરવાને બદલે સતત અલગ અલગ ધ્યેયો પર કામ કરતી હોય છે. દામ્પત્ય જીવનમાં ખરી કસોટી ત્યારે થાય છે જયારે મુશ્કેલીઓ ઉભી થાય. જયારે બંનેમાંથી એકપણ પાત્રને નિષ્ફળતાનો સામનો કરવાનો આવે.
જ્યોર્જ અને લીંડા સાથે પણ એવું જ થાય છે. બંનેને માંડ નાણા ભેગા કરીને ખરીદેલું એક નાનું એપાર્ટમેન્ટ વેચી દેવું પડે છે. અન્ય નોકરીની શોધમાં જ્યોર્જ તેના ભાઈ પાસે જવાનો નિર્ણય લે છે. મોટાભાગના ભાઈઓની જેમ જ્યોર્જ અને તેના ભાઈ વચ્ચે ઈગો અને ફરિયાદોના ઝગડા વધતા જ્યોર્જ અને લીંડા તેઓનું ઘર પણ છોડી દે છે. હવે શું કરવાની મથામણમાં તેઓને અચાનક જ એક એવી કમ્યુનીટીનું ઘર મળી જાય છે જ્યાં લોકો જીવન પાછળ ભાગવાને બદલે જીવનને જીવવામાં વધુ મજા લે છે. શરૂઆતમાં તો આવો અનુભવ અનોખો જ લાગવાનો. અહી રહેતા લોકોને જીવનના કોઈ ધ્યેયો હાંસિલ કરવાની ઉતાવળ નથી, પ્રેમમાં પડીને લગ્ન કરવાની ઉતાવળ નથી, બાળકો કરવાની ઉતાવળ નથી કે પછી ગાડી બંગલા લેવાની પણ ઉતાવળ નથી. તેઓ બસ જીવનમાં આવતી પરિસ્થિતિઓને માણે છે.
શરૂઆતમાં જ્યોર્જને આ જીવન ગમે છે. તેથી તે લીંડાને પણ આવી કમ્યુનીટીમાં રહેવા માટે આગ્રહ કરે છે. બંને લોકોને અનેક પ્રકારના અનુભવો કરવા મળે છે. પછી જ્યોર્જને ફરીથી રોબોટીક દુનિયા યાદ આવવા લાગે છે. લીંડા અને જ્યોર્જ વચ્ચે ઝગડાઓ વધે છે. એક સમય એવો આવે છે કે જ્યોર્જ આ મનમોજી કમ્યુનીટી છોડીને જતો રહે છે.
દરેક મૂવીની જેમ આ મુવીમાં પણ કંઇક તો અલગ હોવાનું. કમ્યુનીટીમાં કેવા કારસ્તાન થાય છે અને કઈ રીતે જ્યોર્જ અને લીંડા જીવનનો સાચો મર્મ સમજે છે તેના માટે તો તમારે આ મૂવી જોવું રહ્યું. પ્રેમની પરિભાષા સમજવા, જીપ્સી લોકો જેવું - બંજારા જીવન પણ ક્યારેક જીવવું શા માટે જરૂરી છે તે સમજવા માટે થઈને પણ આ મૂવી એકવાર જોવું જોઈએ.
ક્યારેક જીવનમાં નવા અનુભવો - તમને સાચા રસ્તા પર લાવી દે છે, ખોવાયેલ પ્રશ્નોના જવાબ આપી દે છે.