પર્યાવરણ પ્રત્યે જાગૃત બનાવતું મુવી - Wall-E
કલ્પના કરો કે આવતા સાતસો વર્ષ પછી પૃથ્વી પર માનવજાતિનું અસ્તિત્વ જ નથી. સમગ્ર માનવજાતિ એક સ્પેસશીપમાં રહે છે અને પૃથ્વી પર માત્ર એક જ રોબોટ રહેતો હોય. - આવી જ કંઇક શરૂઆતમાં તો અવાસ્તવિક લાગતી કલ્પના તમારી સામે રજૂ કરતું મુવી એટલે ૨૦૦૮માં આવેલ " Wall-E". તો મૂવીની વાર્તા કંઇક આવી છે - પૃથ્વી પર ખૂબ જ પ્રદુષણ વધી ગયું છે. તેથી માનવજાતિ રોબોટ્સની રચના કરે છે. આ રોબોટ્સનું કામ પૃથ્વી પરના પ્રદુષણને સાફ કરવાનું છે. અને તે દરમિયાન માનવીઓ એક સ્પેસશીપમાં જીવન વ્યતિત કરે છે. આ મુવીમાં આવતા સાતસો વર્ષ પછી શું ભવિષ્ય હશે તેની કલ્પના દર્શાવવામાં આવી છે.
થાય છે એવું કે પ્રદુષણના કારણે બધા રોબોટ્સ પણ નાશ પામે છે. માત્ર એક જ રોબોટ પૃથ્વી પર વધે છે. તે રોબોટનું નામ છે - " Wall-E". (વોલી) . આ રોબોટ એકલો પૃથ્વી પર રહેતો હોય છે. તે પૃથ્વી પરનો કચરો ભેગો કરે અને તેમાંથી કઈ કીમતી મળે તો તે તેના એક માત્ર મિત્ર વંદા સાથે શેર કરે. આવા એકલવાયા જીવનમાં વોલીને મળે છે એક સરપ્રાઈઝ. સ્પેસશીપમાંથી એક ઈવા નામની અન્ય રોબોટને પૃથ્વી પર મોકલવામાં આવે છે. વોલી તેને એક માત્ર બચેલો સજીવ છોડ દેખાડે છે અને પછી કઈ રીતે વોલી અને ઈવા આ છોડ સ્પેસશીપ સુધી પહોંચાડે છે તેની ચડાવ ઉતારવાળી વાર્તા આ મુવીમાં વર્ણવેલ છે. સ્પેસશીપમાં રહેતા લોકો પણ ટેકનોલોજીના વિકાસને કારણે સાવ નિષ્ક્રિય થઇ ગયા હોય છે. તેથી જ આ મુવીમાં આખી માનવજાતિને જાડી દેખાડેલ છે. આમ તો વોલી મુવી પર્યાવરણની મહત્વતા જ સમજાવે છે આમ છતાં આ મુવીના લેખકે બીજા કયા છુપા પાઠો સમજાવવાનો પ્રયત્ન કર્યો છે તે જાણીએ:
૧ ટેકનોલોજી
આ મુવીના લેખક એન્ડ્રયુ સ્ટેનટને માનવજાતિને ખૂબ જ ટેકનોલોજીપ્રિય દર્શાવેલ છે. સ્પેસશીપમાં બધી જ સગવડતા માટે ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો હોય છે. લોકો તેની ટેકનોલોજીકલ દુનિયામાં એટલા ખોવાઈ ગયા હોય છે કે તેઓ તેની આસપાસના લોકોને ઓળખતા પણ નથી હોતા. આજકાલનું રોજીંદા જીવનમાં પણ એવું જ થતું જાય છે કે આપણે ટેકનોલોજીની દુનિયામાં એટલી હદે ખોવાઈ ગયા છીએ કે વાસ્તવિક જીવન, આપણી આસપાસના લોકો, અગંત લોકો સાથે સમય વિતાવવો - આ બધું જ છૂટતું જાય છે. એવું તો નથી ને કે ટેકનોલોજી વ્યક્તિના જીવનમાં વરદાન બનવાને બદલે અભિશાપ બની રહી છે? શું તમે પણ ટેકનોલોજીને આધીન થઇ ગયા છો? - આ બાબતે જાગૃત થવાની જરૂર નથી લાગતી?
૨ ભૂતકાળ
સામાન્ય રીતે આપણા જીવનના દરેક નિર્ણયોમાં ભૂતકાળ ખૂબ જ મહત્વનો ભાગ ભજવતો હોય છે. કારણ કે આપણે મોટાભાગના મહત્વના નિર્ણયો આપણા ભૂતકાળને આધારે લેતા હોઈએ છીએ. પણ હકીકતમાં તો વર્તમાનની પરિસ્થિતિ અને વર્તમાનના સત્યોને આધારે જ નિર્ણયો લેવા વધુ ફાયદાકારક સાબિત થઇ શકે. ભૂતકાળ પર જરૂર કરતા વધારે આધાર ન રાખવો જોઈએ. જેમ કે આ મુવીમાં સાતસો વર્ષ પહેલા પ્રદુષણના કારણે લોકો સ્પેસશીપમાં રહેવા ગયા હતા પણ હવે એક છોડ મળી જતા સ્પેસશીપના કેપ્ટનને આશા જાગી કે ફરીથી પૃથ્વી પર જઈ શકાશે. પણ તેની પહેલાંના બધા કેપ્ટન્સ પૃથ્વી પર પાછા જવાના નિર્ણયમાં નિષ્ફળ નીવડ્યા હતા. જો હાલનો કેપ્ટન પણ ભૂતકાળને જ ધ્યાનમાં લેત તો લોકો ક્યારેય પૃથ્વી પર પાછા ન જઈ શકત. ટૂંકમાં ભૂતકાળને આધારે જ નિર્ણયો લેવા ફાયદાકારક નથી.
૩ માર્ગદર્શન
વોલી મુવીમાં જે સ્પેસશીપ બતાવવામાં આવેલ છે તેમાં રોબોટને તેના રસ્તાઓ યોગ્ય રીતે સ્પેસમાં મળી જાય છે તે માટે પીળા રંગના પટ્ટા દોરવામાં આવેલ હોય છે. બધા રોબોટ્સ આ પટ્ટાને આધારે જ આગળ ચાલે છે. ટૂંકમાં આ પટ્ટાઓ થકી રોબોટસને માર્ગદર્શન મળતું રહે છે કે હવે કઈ દિશામાં આગળ વધવું. જીવનનું પણ કંઇક આવું જ છે. પીળા પટ્ટારૂપે તમારી સામે પણ રસ્તાઓ હોય જ છે. બસ આ સાચા માર્ગદર્શનને તમારે ઓળખવાનું હોય છે અને તે પટ્ટા પર આગળ વધતું રહેવાનું હોય છે. રોબોટ હોય કે માનવી - સાચું માર્ગદર્શન સાચા પથ પર લઇ જ જાય છે.
૪ લાગણીઓ
વોલી અને ઈવા - મુવીના મુખ્ય રોબોટ્સ છે. સામાન્ય રીતે આપણે એવું જ જોતા હોઈએ છીએ કે રોબોટ્સમાં લાગણી હોતી નથી. પણ આ મુવીમાં જયારે વોલી ઈવાને પ્રથમ વખત મળે છે ત્યારે વોલી ઈવાના પ્રેમમાં પડી જાય છે અને તે મુવીના અંત સુધી ઇવાનો દરેક પરિસ્થિતિમાં સાથ આપે છે. ઈવા પૃથ્વી પર મળેલ છોડને માનવીઓ સુધી સ્પેસશીપમાં પહોંચાડવા માંગે છે. તેમાં અનેક રોબોટ્સ તેના માટે મુશ્કેલીઓ ઉભી કરે છે. ત્યારે વોલી સાચી મિત્રતા નિભાવીને ઈવાનો અંત સુધી સાથ આપે છે. અને કેપ્ટન સુધી છોડ પહોંચાડે છે. જો રોબોટ્સ પણ મિત્રતા અને લાગણીનું મહત્વ સમજતા હોય તો આપણે તો માનવી છીએ. ટેકનોલોજીના રોબોટ બનીને લાગણીહીન જીવન જીવવા કરતા ટેકનોલોજીની દુનિયામાંથી બહાર આવી જાવ અને તમારી લાગણીઓને સમજો. તમારી આસપાસના લોકોની લાગણીઓને સમજો.
૫ પર્યાવરણ
મુવીમાં સમજવા જેવી મુખ્ય બાબત એ તો કહી જ શકાય કે જો આપણે બેફામ કુદરતી સંસાધનોનો ઉપયોગ કરતા હઈશું તો એ સમય દૂર નથી કે મુવીમાં બતાવેલ કલ્પના સાચી પડે. પૃથ્વી પર રહેવું જ અશક્ય બની જાય. ભાવિ માટે જ નહિ પણ આપણા વર્તમાન માટે પણ પર્યાવરણનું રક્ષણ કરવું જરૂરી છે. હાલમાં સરકારથી માંડીને સમાજ પર્યાવરણ માટેની જાગરૂકતા લાવવા અનેક પ્રવૃત્તિઓ કરી રહી છે. તેમાં ભાગ લો અને દુનિયાને થોડી વધુ સારી બનાવો. વરસાદની રજામાં ઘરે આરામ કરતી વખતે એક વખત વોલી મુવી જોઈ લેવો સમયનો સદુપયોગ કહી શકાશે. કારણ કે પિક્સાર દ્વારા બનાવેલા બધા મુવીઝમાં મજા આવે તેવું કંઇકને કંઇક તો હોય જ છે.
આભાર
દર્શાલી સોની