તમને ચમત્કાર ગમે છે? તમને જાદુ ગમે છે? કે પછી તમને એવું લાગે છે કે જાદુઈ દુનિયા તો માત્ર કલ્પના છે - જે તમે મૂવીઝ અને પુસ્તકો થકી માણો છો - કે પછી તમને એવું લાગે છે કે જાદુઈ દુનિયા અને કલ્પના માત્ર બાળકો માટે હોય છે - એકવાર સંસારમાં ઝંપલાવ્યા બાદ અથવા તો “મોટા” થઇ ગયા બાદ - આવી કોઈ દુનિયા નથી હોતી - હોય છે તો ખાલી વાસ્તવિકતાની દિવાલો. જેમાં કલ્પનારૂપી દરવાજાને તાળું મારી દેવામાં આવ્યું હોય છે.
જો તમે ઉપરોક્ત વિચારો ધરાવતા હોય તો તમારે આ મૂવી જરૂરથી જોવું જોઈએ. ૨૦૧૭માં આવેલ યુનિકોર્ન સ્ટોર મૂવી તમને જીવનની વાસ્તવિકતાઓ તો સમજાવશે પણ તેના માટે કલ્પનાનો સહારો લેશે. તો ચાલો જાણી લઈએ યુનિકોર્ન સ્ટોરમાં શું વેચાઈ રહ્યું છે:
કીટ નામની સ્ત્રી - જે ખૂબ જ સારી પેઈન્ટર છે. નાનપણથી જ તેને રંગો, પેઇન્ટિંગમાં રસ હોય છે. જો કે જયારે તેણી યુવાવસ્થામાં પહોંચે છે ત્યારે તેના આ શોખ મુજબ તેને કોઈ સારી તક મળતી નથી. તેથી તેને કારકિર્દી આગળ વધારવા માટે - કામ ચલાઉ નોકરી શોધવી પડે છે. જેમાં તેનું કામ એક કલાર્ક જેવું પણ ના કહી શકાય.
કીટ વાસ્તવિક દુનિયાનો ભાગ બનવામાં મુશ્કેલીઓ અનુભવે છે. નાનપણમાં તેનું પ્રિય પ્રાણી હતું - યુનિકોર્ન. તેને નાનપણથી તે પ્રાણી પોતાના ઘરમાં પાળવું હતું, તે યુનિકોર્નને પોતાના પરમ મિત્ર તરીકે માનતી હતી. તેના પેઈન્ટીંગના શોખમાં પણ યુનિકોર્ન પ્રત્યેનો પ્રેમ જોવા મળતો હતો.
હવે કલ્પના કરો કે આ જ કીટને એમ કહી દેવામાં આવે કે નાનપણથી તારું જે પ્રિય પ્રાણી યુનિકોર્ન છે - તે તને વાસ્તવિક જીવનમાં મળી જશે - તું તેને તારા ઘરમાં રાખી શકીશ, તેને રહેવા માટે એક નવું ઘર બનાવી શકીશ - તો કેવું?
જે વ્યક્તિ વાસ્તવિક દુનિયામાં પણ હજુ કલ્પનાઓમાં ખોવાયેલ રહેતું હોય તેને તમે એમ કહી દો કે તેની કલ્પના સાચી પડી જશે તો ખુશ થવાનું જ. કીટ માટે તો આ જાણે જાદુઈ દુનિયા હતી - તેના બાળપણનું કાલ્પનિક પ્રાણી, મિત્ર - તેને વાસ્તવિક જીવનમાં મળવાનું હતું.
તેને એક સેલ્સમેન મળે છે. જે એમ કહે છે કે - તે તેને યુનિકોર્ન લાવીને આપશે પણ અમુક શરતો પર. તેણીએ તેના માટે એક ઘર બનાવવું પડશે. તેણીએ મનથી હકારાત્મક વિચારોને સ્થાન આપવું પડશે, તેણીએ પોતાની જાતને પ્રેમની લાગણીથી તરબતર કરવી પડશે, તેણીએ બીજા લોકોની કેર કરતા શીખવી પડશે, તેણીએ પોતાની જાતને સ્વીકારતા શીખવું પડશે.
જીવનના અને વ્યક્તિગત વિકાસ માટેના આ અતિ મહત્વના ગુણો - કીટને શીખવાના હોય છે. પણ તેના માટે તેને એવી કલ્પના આપવામાં આવે છે કે જો તેણી આવી વ્યક્તિ બની જશે તો જ તેને યુનિકોર્ન મળશે.
કીટ યુનિકોર્ન મેળવવા માટે થઈને પોતાની જાત પર કામ કરવા તૈયાર થાય છે, જો કે આ કામ ક્યારેય સહેલું નથી હોતું. કીટને પોતાની જાતને સ્વીકારવામાં મુશ્કેલી પડે છે, તેણીને એ પણ સમજાય છે કે તેણીને નાનપણથી તેના માતા-પિતા પાસેથી જોઈતો પ્રેમ નથી મળ્યો, કોઈ ભાઈ-બહેન નહોતા - તેથી જ તેણીએ યુનિકોર્ન - એક કાલ્પનિક પ્રાણીને પોતાની દુનિયાનો ભાગ બનાવી લીધો હતો.
યુવાવસ્થામાં પહોંચ્યા બાદ પણ તેણી કાલ્પનિક દુનિયામાં જ ખોવાયેલ હતી. તેને જીવનની વાસ્તવિકતા શીખવવા માટે, તેમજ પોતાના જીવનની પેટર્ન સમજાવવા માટે જ આ યુનિકોર્ન સ્ટોર ઉભો કરવામાં આવ્યો હતો.
જો કે તેને યુનિકોર્ન મળે છે કે નહી, તેણીને પોતાના જીવનનું સત્ય સમજાય છે કે નહી, કીટ જેવા દુનિયામાં કેટલા લોકો છે કે જે મોટા તો થઇ ગયા છે પણ હજુ તેની અંદરનું નાનપણ અને તેની કાલ્પનિક દુનિયા ગુમ નથી થયું - આ બધું જ જાણવા માટે તમારે મૂવી જોવું રહ્યું.
આ મૂવી તમને એક બાબતે જરૂર વિચારતા કરી દેશે - શા માટે એવું માની લેવામાં આવે છે કે મોટા થઇ ગયા બાદ - જીવનમાં કલ્પના કહો કે જાદુ કે પછી તમારું પોતાનું મેજિક - હોવું શક્ય નથી - શા માટે દરેક વ્યક્તિ તેની અંદરનું બાળક મારી નાખે છે? - શું તમને તમારો યુનિકોર્ન મળી શકે? શું તમે તમારી કલ્પનાને વાસ્તવિકતામાં લાવવા માટે જે જરૂરી છે તે કરવા તૈયાર છો? - સૌથી મહત્વનું - શું તમે તમારી જાતને સ્વીકારવા માટે અને જરૂર લાગે તો બદલાવવા માટે તૈયાર છો?
આવા અનેક વિચારો અને કીટનું સપનું પૂરું થયો તેનો સંતોષ અને આનંદની લાગણી તમને આ મૂવી આપશે.