Trumbo

trumbo by darshali soni.jpg

ટ્રમ્બો – એક લેખકની યશગાથા

લેખકો અનેક પ્રકારના હોય છે. અમુક લેખકો પુસ્તકો લખે છે, અમુક વાર્તાઓ, અમુક સત્ય ઘટનાઓ, અમુક કલ્પનામાં વિહાર કરે છે તો અમુક લેખકો મુવીઝ માટે લખે છે. આવા લેખકોને સ્ક્રીન રાઈટર કહેવાય છે. તમે જેટલા પ્રખ્યાત હીટ ગયેલા મુવીઝ જુઓ છો – જે તમને કલ્પનાઓની દુનિયામાં લઇ જાય છે, જેના ડાયલોગ તમને વર્ષો સુધી યાદ રહી જાય છે – આ બધા પાછળ જવાબદાર છે એક સ્ક્રીન રાઈટરની કલાકારી. આજના મુવીમાં એક મહાન સ્ક્રીન રાઈટર – ડાલ્ટન ટ્રમ્બોની વાત કરવી છે. ૨૦૧૬માં આવેલ આ મુવી તમને ૧૯૪૭ના સમયમાં બનેલ ઈતિહાસની વાત કરશે.

ડાલ્ટન ટ્રમ્બો હોલીવુડના પ્રખ્યાત સ્ક્રીન રાઈટર હતા. તેને લખેલા મુવીને એકેડમી એવોર્ડસ મળતા હતા. તેની ફી પણ વધુ હતી. હોલીવુડના બધા ડીરેક્ટર અને અભિનેતાઓ તેની પાસે સ્ક્રીપ્ટ લખાવવા માંગતા હતા. ટ્રમ્બો એક જીવતા જાગતા જીનીયસ હતા કે જે ઉત્તમ સ્ક્રીપ્ટ લખી શકતા હતા. જો કે દરેક મૂવીની જેમ ટ્રમ્બોના જીવનમાં પણ એક મહત્વનો પડાવ આવ્યો. જયારે તેણે પોતાના રાજકારણ માટેના મત રજૂ કરવાના શરુ કર્યા. તેને એક કોમ્યુનીસ્ટ કહેવામાં આવ્યા. જો કે ટ્રમ્બોએ પોતાનું કોમ્યુનીસ્ટ તરીકેનું અનેક લેખકોનું ગ્રુપ પણ બનાવ્યું હતું. આ ચળવળ સરકારની સામે હતી. બધા લેખકો પર અનેક કેસ થયા. તેઓને ઘણી નફરત મળી. હોલીવુડમાંથી કામ મળતું બંધ થઇ ગયું. તેઓને બ્લેકલીસ્ટ કહેવામાં આવતા. એક સમય એવો પણ આવ્યો કે ટ્રમ્બોને જેલમાં જવું પડ્યું. આમ છતાં ટ્રમ્બોએ પોતાના સ્વતંત્ર વિચારોને રજા ન આપી.

જેલમાંથી છુટ્યા બાદ કઈ રીતે ટ્રમ્બો પોતાની કલમની આવડત અને બુદ્ધીનો ઉપયોગ કરીને મહાન સ્ક્રીપ્ટ લખે છે, તેના અન્ય લેખક મિત્રોને મદદ કરે છે અને અંતે ક્યારે તેને સમાજ અને હોલીવુડ ફરીથી સ્વીકારે છે તેની કહાની એટલે “ટ્રમ્બો”. તેના અનેક મુવીઝને ઓસ્કાર અને એકેડમી એવોર્ડ મળે છે. આવા મહાન લેખકની દુનિયામાં ચાલો એક વાર ફરી આવીએ:

૧ કામ પ્રત્યેનું સમર્પણ

ટ્રમ્બો એક એવા મહાન લેખક હતા કે જેના માટે દિવસ રાત જેવું કઈ નહોતું. તે દિવસના ૧૮ કલાક કામ કરતા. તે બાથરૂમના બાથટબમાં બેસીને કામ કરતા. તેના ઘરમાં તેની દીકરીનો જન્મદિવસ ઉજવાતો હોય તો પણ તે પોતાનું કામ કરતા. તેણે એક મૂવીની સ્ક્રીપ્ટ માત્ર ૩ દિવસમાં પૂરી કરી નાખી હતી. જેલમાંથી પાછા આવ્યા બાદ તેને કોઈ કામ આપવા તૈયાર નહોતું. આ સમયે તેણે અન્ય લેખકોના નામથી લખવાનું ચાલુ રાખ્યું. જેથી કરીને તેના મુવીઝ ડીરેક્ટર બનાવે અને આ જ મુવીને એવોર્ડ પણ મળતા હતા. એક સમયે ટ્રમ્બોએ જાહેરમાં આવીને સ્વીકાર્યું ઓન ખરું કે જો તેણે ખોટા નામથી સ્ક્રીપ્ટ લખી ના હોત તો એન્ટી કમ્યુનીસ્ટ લોકો એગ્તના મુવીઝ જોવા ન જાત. જો કે તેના આ જ મુવીઝને ઓસ્કાર અને એકેડમી એવોર્ડ મળ્યા હતા. પોતાના કામ પ્રત્યેના સમર્પણને કારણે જ ટ્રમ્બોને જીવનમાં સફળતા મળી.

૨ વિરોધ

સમાજમાં અનેક પ્રકારના લોકો હોય છે. જેટલા પ્રકારના લોકો હોય છે તેટલા જ પ્રકારના અભિપ્રાય પણ હોય છે. ટ્રમ્બોના સમયમાં સ્વતંત્ર વિચારોને અને સરકારના વિરોધની વિચારધારાઓને કોઈ સ્વીકારણા મળી નહોતી. આવા લોકોને વિદ્રોહી લોકો માનવામાં આવતા. આવા સમયે ટ્રમ્બોએ હાર ન માની. તે પોતાના વિચારો પર અને પોતાની ફિલોસોફી પર અડગ રહ્યા. આપણે તો સ્વતંત્ર દેશમાં જીવીએ છીએ. શું આપણે ટ્રમ્બો જેટલા વિદ્રોહી છીએ? શું આપણે તેની જેમ જરૂર પડે અવાજ ઉઠાવી શકીએ છીએ?

૩ સંબંધો

ટ્રમ્બો એક મહાન લેખકની સાથોસાથ એક સારા વ્યક્તિ પણ હતા. તેના મતે જીવનમાં સૌથી વધુ મહત્વના છે સંબંધો. કારણ કે માનવી તેનો મોટાભાગનો સમય આ સંબંધોની ગુથ્થીમાં જ વિતાવી દેતો હોય છે. તેના પોતાના ૩ બાળકો છે. તેની સાથેના તેના સંબંધો, તેના મિત્રો સાથેના સંબંધો અને કઈ રીતે તેની પત્ની સાથેના સંબંધો તેને જીવનમાં આગળ વધવામાં મદદરૂપ થાય છે તેની સમજ આ પુસ્તકમાં આપેલ છે.

જો તમને ટ્રમ્બોની જીવનગાથા જાણવામાં રસ હોય અને લેખકોની દુનિયા જાણવામાં રસ હોય તો આ મુવી જરૂરથી જોવું જોઈએ.

આભાર

દર્શાલી સોની