ધ ટ્રુમેન શો
અત્યાર સુધી તમે જિમ કેરીના કોમેડી મુવી તો ઘણા જોયા જ હશે. આ વખતે થોડું હટકે મુવી જોઈએ, જો કે હવે તમને આ મુવી હટકે નહિ લાગે. કારણ કે આ મુવીનો જેવો કન્સેપટ છે તે કન્સેપટ ઉઠાવીને હાલમાં બિગ બોસ સિરિયલ ચાલી જ રહી છે. આમ છતાં આજે તમારી સાથે ૧૯૯૮નું જિમ કેરીનું એક સુંદર મુવી શેર કરીશ.
મૂવીની વાર્તા આમ તો સરળ છે પણ આમ મસ્ત મજાની છે. મુવીમાં મુખ્ય પાત્ર છે ટ્રુમેન. તે જન્મ્યો ત્યારથી ક્રિસ્ટ ઓફ નામનો વ્યક્તિ એક ફિલ્મ કોર્પોરેશન લઈને બેઠો હોય છે. જે તેની ૨૪ કલાક તે મોટો થઇ જાય ત્યાં સુધી રેકોર્ડ કરે રાખે છે અને દુનિયા આખી "ધ ટ્રુમેન શો" તરીકે તેના જીવનને જોતી હોય છે. ક્રિસ્ટ ઓફ તો આ શોથી બહુ જ પ્રખ્યાતિ મેળવતો હોય છે પણ અહીં બીજી બાજુ ટ્રુમેનને ખબર જ નથી હોતી કે તેનું આખું જીવન એક શો છે. તે તો પોતે એક સેલ્સ ઈન્સ્યુરન્સ એજન્ટ તરીકે નોકરી કરીને જીવન વિતાવતો હોય છે. જયારે તેની આસપાસના બધા જ લોકો અભિનેતાઓ હોય છે.
બસ પછી તો કઈ રીતે ટ્રુમેનનું જીવન એક શોમાંથી જયારે વાસ્તવિકતામાં આવે છે અને કઈ રીતે ટ્રુમેન સત્યનો સામનો કરે છે તેની કહાની એટલે "ધ ટ્રુમેન શો."
તો ચાલો જાણીએ શું શીખવે છે આપણને આ મુવી:
૧ ભ્રમ અને વાસ્તવિકતા
તમે ભ્રમમાં જીવો છો કે વાસ્તવિકતામાં? તમારી આસપાસ જે કંઈપણ છે તે સત્ય છે કે એક ભ્રમ? તમને ક્યારેય જીવનમાં એવો પ્રશ્ન થયો? ઘણીવાર આપણી વાસ્તવિકતાની પરે પણ ઘણું હોઈ શકે છે તે કદાચ આપણે જોઈ શકતા નથી. જેમ ટ્રુમેનને જે દેખાતું હતું તે જ વાસ્તવિકતા લગતી હતી. હકીકતમાં તો એ એક રિયાલિટી શો
નો એક ભાગ જ હતો. બની શકે તમને જીવનમાં અત્યારે જે દેખાતું હોય તે સાચું ના પણ હોય અને બની શકે તમારે આંખો ખોલીને સજાગ બનવાની જરૂર હોય. તમે કોઈ શોમાં નથી પણ જીવન એક એવા પડાવ પર તો હોઈ શકો કે જયારે તમારે ભ્રમમાંથી બહાર આવવાની જરૂર હોય.
૨ અરીસો કોણ?
તમારા જીવનનો અને તમારી જાતનો અરીસો તમે પોતે જ છો કે બીજું કોઈ? કારણ કે સામાન્ય રીતે એવું થતું હોય કે બહારના લોકો તમને તમારી જાત વિષે જે કહેતા હોય તેને તમે સાચું માનીને જીવન જીવવા લગતા હો. પણ ખરેખર તમારો અરીસો બીજા લોકો ના પણ હોય. કોઈ બીજું વ્યક્તિ કે પછી તમારી જાત પણ હોઈ શકે. ટ્રુમેન માટે તેનો અરીસો કોણ હતું - એક ટેલિવિઝન શો કે પછી પોતાની જાત? તેના માટે તો તમારે આ મુવી જોવું જ રહ્યું અને સાથોસાથ તમારી જાતને પૂછવું પણ રહ્યું કે તમારો અરીસો કોણ છે.
૩ ક્રિએટર અને સ્ટાર
તમે મુવી રસિયા હશો તો કલાકારને ઘડનાર કોણ અને કલાકાર કોણ તેના વચ્ચેનો સાચો ફર્ક તમને ખબર જ હશે. ટ્રુમેન પોતે સ્ટાર હતો અને ક્રિસ્ટ ઓફ ક્રિએટર હતો. આવું જ જીવનમાં પણ છે. બની શકે કોઈવાર કિંગને કિંગમેકરની જરૂર પડે. તમે જીવનમાં કોણ છો? કોઈના કિંગમેકર કે પછી તમે જ કિંગ છો? કારણ કે ઘણીવાર કિંગમેકર કેવો છે તેના પરથી કિંગની સફળતા નક્કી થતી હોય છે. માની લો કે તમારા પર પણ એક શો બનતો હોત તો? તમે કેવા સ્ટાર હોત? કલ્પના કરવામાં ક્યાં કઈ ખોટું છે?
૪ અંત
મુવીમાં એક મસ્ત ડાયલોગ છે - "હાઉ ઇઝ ઈટ ગોઈંગ તો એન્ડ?" શું જીવનમાં આપણને ક્યારેય ખબર હોય છે કે જીવનમાં ક્યારે કઈ રીતે અંત આવી જતો હોય? કોઈ વ્યક્તિ કે પરિસ્થિતિ કે તમારો પોતાનો - કોઈનો અંત નક્કી નથી. ગમે ત્યારે ગમે તે થઇ શકે છે. તો શા માટે જીવનમાં ડરી ડરીને જીવવું. બની શકે આ માનસિકતા જીવનમાં તમને તારી પણ દે અને જીવનમાં ડુબાડી પણ દે.
એક વાત તમારે હંમેશા સમજવી જોઈએ કે દરેક મુવીમાંથી સારું અને ખરાબ બંને હોય છે તમારે શું શીખવું અને કેવી રીતે જીવનમાં ઉતારવું તે તમારે નક્કી કરવાનું છે.
આ મુવીને ૩૯થી વધુ એવોર્ડ્સ મળેલા છે. ત્રણવાર આ મુવી ઓસ્કાર માટે નોમિનેટ થયેલું છે. અને કઈ નહીં તો જિમ કેરી માટે થઈને આ મુવી જોવું જ જોઈએ.
Thanks
Darshali Soni