દરેક વખતે સરકાર ન્યાય આપે તેવું જરૂરી છે? દરેક વખતે સરકાર સાચા જ નિર્ણયો લે છે? કોઈવાર રાજકારણ અને અમુક લોકોની મોનોપોલીને લીધે નિર્દોષને સજા મળી જાય તો શું કરવાનું? આવા કેટલા લોકો હશે જે નિર્દોષ હોવા છતાં મોતને ભેટ્યા? આવું થવા પાછળનું કારણ શું છે?
૨૦૧૮માં આવેલ “ટ્રાયલ બાય ફાયર” તમારા મનમાં આવા જ પ્રશ્નો ઉભા કરી દેશે. ૧૯૯૧માં ટેક્સાસમાં એક નાના એવા ઘરમાં વિચિત્ર ઘટના બની. કેમેરોન ટોડ વિલિંગહામની ત્રણ દીકરીઓ હતી. તેની પત્ની રાત્રે નાઈટ શિફ્ટમાં કામ કરવા ગઈ હતી. ટોડ તેના બાળકો સાથે ઘરે હતા. ઘરમાં આગ લાગી. અને ત્રણેય દીકરીઓ આગમાં મૃત્યુ પામી. ટોડ તેને બચાવી ન શક્યા. ટેક્સાસમાં ટોડની આબરૂ એક ગુંડા જેવી હતી. તે હિંસક વ્યક્તિ હતા. તેથી જ કદાચ તેના પર એવો આરોપ નાખવામાં આવ્યો કે તેણે જ ઘરમાં આગ લગાડી અને તેની ત્રણ દીકરીઓને મારી નાખી.
ખરેખર ટોડ નિર્દોષ હતા કે નહી તેના માટે તો તમારે મૂવી જોવું જ રહ્યું. તેના પર કેસ કરવામાં આવે છે. તેને “સજા-એ-મોત” આપવામાં આવે છે. તે પોતાની જાતને નિર્દોષ સાબિત કરવા માટે અનેક પ્રયત્નો કરે છે. આમ છતાં નિષ્ફળતા જ હાથમાં આવે છે.
તેની જેલમાં રહેવાના સમય દરમિયાન અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. લોકો સતત તેને “બેબી કિલર” કહીને બોલાવે છે. આમ તો ટોડ શરૂઆતમાં હિંસા કરે છે, ગુસ્સો કરે છે, માર-પીટ કરે છે પણ ધીમે ધીમે તેને જીવનના સત્યો સમજાવા લાગે છે.
એકલતા એક એવો સમય છે જેમાં તમે ઈચ્છો તો તમારી જાતને સૌથી વધુ ઉત્તમ બનાવી શકો અથવા તો તમારી જાતનો વિનાશ કરી શકો. ટોડ જેલમાં રહેતી વખતે પોતાની ભૂલોને ઓળખે છે, પોતાના સ્વભાવમાં બદલાવો લાવે છે, પોતાની ત્રણ દીકરીઓને ખૂબ જ યાદ કરે છે, તેની પત્ની પ્રત્યેનો પ્રેમ અને તેની ભૂલો તેને સમજાય છે, જીવનનું સત્ય સમજાય છે - પોતાની જાતને માફ કરવી કેટલી જરૂરી છે તે પણ સમજાય છે.
ટોડને છેલ્લી વખત પોતાની જાતને નિર્દોષ સાબિત કરવાની તક મળે છે ત્યારે તે એલિઝાબેથને પત્ર લખે છે. આ સ્ત્રીનો રોલ મહત્વનો છે. તેણી ટોડને મળવા જાય છે. તેના કેસનો અભ્યાસ કરે છે. ચોંકાવનારા સત્યો બહાર આવે છે, લોકોએ કેસમાં જે ગવાહી આપેલી હતી અને દુર્ઘટના વખતે જે ગવાહી આપી હતી - તેમાં ફર્ક હતો, જે રીતે ઘરમાં આગ લાગી - તેનું વિશ્લેષણ પણ ખોટું હતું. ટોડ પર તેની દીકરીઓના મૃત્યુ માટે જે આરોપ નાખવામાં આવ્યો હતો તેમાં ૧૦૦% ભૂલો હતી. એલિઝાબેથ ટોડને બચાવવા માટે અથાગ પ્રત્યનો કરે છે. પણ ટેક્સાસની સરકાર તેમાં ધ્યાન આપવા પણ રાજી નથી. અંતે ટોડને મૃત્યુની સજા આપી દેવામાં આવે છે.
એલિઝાબેથ ટોડને નથી બચાવી શકતી. અન્યાયની જીત થાય છે. ટોડના મૃત્યુના અનેક વર્ષો પછી દુનિયાના મોટા વૈજ્ઞાનિકના અનેક વાર રીપોર્ટ આપ્યા બાદ ટોડ નિર્દોષ હતા - તે સાબિત થાય છે. પણ આ નિર્દોષતા શું કામની? - એક વ્યક્તિને તેના જીવનનો બહુ મોટો સમય અફસોસ અને જેલમાં કાઢવો પડ્યો અને તે પણ પોતાના જ બાળકોના મૃત્યુના આરોપ માટે અને તે નિર્દોષ હોવા છતાં મૃત્યુને ભેટે છે.
આવી સરકાર શું કામની? આવો ન્યાય શું કામનો? જેમાં સત્યોને ધ્યાનમાં જ નથી લેવાયા. આ મૂવીમાં એક ડાયલોગ અનેકવાર બોલવામાં આવે છે - “ધ સીસ્ટમ ઈઝ બ્રોકન” - આ વાક્ય તમને વિચારતા કરી દેશે. જયારે ચૂંટણી આવવાની હોય ત્યારે વધુને વધુ ગુનેગારોને મોતની સજા ફરમાવવામાં આવે છે - જેથી મોટા આંકડા દેખાડી શકાય - “ન્યાયના આંકડા” જેમાં ખરેખર અનેક નિર્દોષને પોતાની નિર્દોષતા સાબિત કરતા પહેલા જ મૃત્યુને ભેટવું પડે છે. આવી ખોખલી સરકાર પાસે ન્યાયની અપેક્ષા પણ કેમ રાખવી?
આ સત્યોને તમે બદલી શકવાના નથી, પણ તેના પર વિચાર તો કરી જ શકશો, તેમજ તમારી આસપાસ ક્યાય અન્યાય થતો હશે તો અવાજ ઉઠાવી શકશો - એવી આશામાં કે ન્યાય મળશે.