This is 40

this is 40 by darshali soni.jpg

 

તમારું શું માનવું છે? અમુક વર્ષો પછી લગ્નજીવન કંટાળાજનક બની જાય છે? બાળકો હોવાને લીધે દામ્પત્ય જીવનમાં બહુ મોટા બદલાવો આવી જાય છે? કે પછી અમુક વર્ષો પછી પતિ-પત્ની એકબીજા વિશે બધું જ જાણી ગયા હોય છે તેથી રસ નથી રહેતો? કે પછી ૪૦ વર્ષની ઉંમર સાથે વટાવ્યા બાદ ઉંમરની અસર – શારીરિક અને માનસિક રીતે એવી થાય છે કે લગ્નજીવન અને કારકિર્દીમાં પણ બદલાવો આવવા લાગે છે?

તમે આ બધા અનુભવો કર્યા હોય કે ન કર્યા હોય – લોકોને જોયા હશે, સાંભળ્યા હશે અને આજના મુવી ટોકમાં પણ જાણીશું. ૨૦૧૨માં આવેલ “ધીસ ઈઝ ૪૦” મુવી ઉપરની જ વાતોને વણી લે છે. પીટ અને ગેબીના બે બાળકો હોય છે – બંને દીકરી સાથોસાથ બંને એક જ મહિનામાં ૪૦ વર્ષના થાય છે. 

સમય, ઉંમર, પરિસ્થિતિ, કુટુંબ, વિચારો, લાગણીઓ, વ્યક્તિત્વ – આ બધાનો સમન્વય થઈને જીવન કેવું બને છે? – ૪૦ વર્ષ પછી કેવા બદલાવો આવે છે? આ બધાની મુસાફરીમાં તમને પીટ અને ગેબી લઇ જશે. પીટ રેકોર્ડ વેચવાનો ધંધો કરતો હોય છે. જો કે તેમાં પણ કઈ સારો એવો નફો થતો નથી. મોટાભાગના પતિની જેમ તે પણ ધંધાની ખરાબ પરિસ્થિતિ તેની પત્ની ગેબીથી સંતાડે છે. 

પીટ અને ગેબીની એક દીકરી કિશોરાવસ્થામાં હોય છે તેથી – તેને સંભાળવી પણ અઘરી હોય છે. આખો દિવસ મોબાઈલ, સીરીઝ, મિત્રોમાં ખોવાયેલ. જયારે નાની દીકરીનું પાત્ર સૌથી સુંદર છે – તેનામાં હજુ પણ નિખાલસતા, રમૂજપણું, કુટુંબની ભાવના છે – આ પાત્ર આપણા ભૂતકાળને દેખાડે છે. જયારે નેટફ્લીક્સ, ઈન્ટરનેટ, ફોન, સોશિયલ મીડિયાના નશા આપણે નહોતા કરતા ત્યારે આપણું વ્યક્તિત્વ કેવું હતું અને વિચારો કેવા હતા તેનું પ્રતિક. (હા, નશા શબ્દ એટલે વાપર્યો છે કે એક રીતે આપણે બધાને તેની ખરાબ આદત જ તો પડી ગઈ છે.)

મુવી કોમેડી પણ છે અને ઈમોશનલ પણ. કઈ રીતે પીટ અને ગેબી એકબીજા વચ્ચેનો પ્રેમ જાળવી રાખવા – ફરીથી પ્રેમ કરવા – પ્રેમ દર્શાવવા મહેનત કરે છે, કઈ રીતે કોઈવાર તેના બાળકોથી કંટાળીને પિકનિક પર જતા રહે છે, કઈ રીતે કુટુંબની નાણાકીય પરિસ્થિતિનો સામનો કરવાના પ્રયત્નો કરે છે, કઈ રીતે તેઓના અન્ય સંબંધો સુધારવાનો વ્યર્થ પ્રયત્ન કરે છે – આવું તો ઘણું તમે મુવીમાં જોશો. ઘણીવાર એવું પણ થશે કે મુવીના કોઈ સીન કે પરિસ્થિતિને તમે તમારા જીવન સાથે સરખાવી શકશો. કારણ કે મોટાભાગના કુટુંબમાં દંપતી ૪૦ વટાવતા હોય છે, બાળકો મોટા થતા હોય છે, નાણાના પ્રશ્નો પણ ક્યારેક ઉભા થતા હોય છે. 

એક રીતે એવું કહી શકાય કે આ મુવી મોટાભાગના લોકોની ઘરની કહાની છે. બસ આ મુવીમાં તેને સુંદર રીતે, રમૂજી રીતે રજૂ કરી છે. જેથી આપણે પણ એ વાત સમજીએ કે જીવનને બહુ જ ગંભીરતાથી લેવાની જરૂરી નથી. સરળતાથી, પ્રેમથી, સાથ-સહકારથી પણ જીવી શકાય.

પીટ અને ગેબીની જોડી તમે અનેક મુવીઝમાં જોઈ હશે. મોટાભાગના કોમેડી મુવીમાં. મુવી બહુ જુનું છે. આમ છતાં તમે હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા થોડું રમૂજ તો માણી જ શકો.