ધ વર્ડ્સ - એક લેખકનું કડવું સત્ય
૨૦૧૨માં આવેલું એવોર્ડ વિનિંગ મુવી એટલે "ધ વર્ડ્સ." આ મુવીમાં મુખ્ય પાત્ર રોરી જેન્સનનો રોલ બધાના ચહિતા બ્રેડલી કૂપરે નિભાવેલ છે. રોરી જેન્સન એક સંઘર્ષ કરતો લેખક હોય છે. તેણે લખેલા પુસ્તક કોઇપણ પબ્લિશર્સ સ્વીકારતા નથી. તેના પિતા તેને જીવનની જવાબદારી સંભાળવા માટે કોઈ નોકરી કરવાનું કહે છે. તેથી રોરી એક પબ્લીકેશન હાઉસમાં એક ક્લાર્ક તરીકે જોડાય છે. ત્યાં તે ડોરાને મળે છે. બંને વચ્ચે પ્રેમ થતા રોરી અને ડોરા લગ્ન કરી લે છે. તે બન્ને જયારે હનીમુનમાં જાય છે ત્યારે રોરીને ટ્રેઈનમાં એક બ્રીફકેસ મળે છે. આ બ્રીફકેસ રોરીનું જીવન બદલાવી નાખે છે.
તેમાં એક પુસ્તક પડ્યું છે. રોરીને તે પુસ્તકની વાર્તા બહુ ગમી જાય છે અને તે એડિટરને તે વાર્તા મોકલે છે અને તે પુસ્તક પબ્લીશ થઇ જાય છે. રોરી રાતોરાત જ પ્રખ્યાત લેખક બની જાય છે. હકીકત તો એ હોય છે કે તેણે પોતે નોવેલ લખી જ નથી હોતી. એક વખત રોરી એક પાર્કમાં બેઠો હોય છે ત્યારે એક વૃદ્ધ તેની પાસે ઓટોગ્રાફ માંગવા આવે છે અને પોતાના જીવનની વાત કરવા લાગે છે. ત્યારે રોરીને ખબર પડે છે કે તે વૃદ્ધ એ જ વ્યક્તિ છે જેની જીવનકથનીનું પુસ્તક ચોરીને રોરીએ પ્રખ્યાતી હાંસિલ કરી હોય છે. આગળ શું થાય છે તે જાણવા તો તમારે મુવી જોવું જ રહ્યું. તો ચાલો જાણીએ એક લેખકની ખોટી દુનિયામાંથી શું શીખવા મળે છે:
૧ જીવન અને પસંદગી
પેલો વૃદ્ધ વ્યક્તિ જ્યારે તેના જીવનની વાત કરતો હોય છે ત્યારે રોરીને સમજાવે છે કે આપણે જીવનમાં અનેક પસંદગીઓ કરીએ છીએ. પસંદગી કરવી એ અઘરું કામ નથી પણ તે પસંદગી સાથે જીવવું તે સૌથી વધુ અઘરું કામ છે. તમે લીધેલા નિર્ણયો સાથે અને તેના પરિણામ સાથે તમારે જીવનભર જીવવું પડે છે. તેથી જીવનમાં દરેક બાબતોની પસંદગી સમજી વિચારીને કરવી જોઈએ.
૨ કારકિર્દી અને પ્રેમ
જીવનના દરેક તબ્બકે લોકો આ મૂંઝવણમાં મૂકાતા હોય છે. કારકિર્દીને વધુ મહત્વ આપવું કે પછી પ્રેમને? પેલા વૃદ્ધના જીવનમાં પણ આ તબ્બકો આવે છે. તે તેની ગર્લફ્રેન્ડને જેટલો પ્રેમ કરતો હોય છે તેના કરતા પણ વધુ તે શબ્દોને પ્રેમ કરતો હોય છે. તે જેના વિશે લખતો હતો તેને તે જેટલો પ્રેમ કરતો તેના કરતા તેના લખાણને તે વધુ પ્રેમ કરતો. તેના કારકિર્દીના આ સમર્પણને કારણે તેણે તેના પ્રેમની મોટી કિંમત ચૂકવવી પડે છે.
૩ સત્ય
કહેવાય છે ને કે સત્ય ક્યારેય છુપાયેલું નથી રહેતું. કોઈના કોઈ સમયે તે સામે આવી જ જાય છે. રોરી આ પુસ્તક ચોરીને પોતાના નામે પબ્લીશ કરીને પ્રખ્યાત તો થઇ જાય છે. પણ જયારે લોકો તેને પુસ્તકની વાર્તા અંગે પ્રશ્નો પૂછવા લાગે છે ત્યારે તેને સત્ય સમજાય છે કે જો તેણે જ ખરેખર આ પુસ્તક લખ્યું હોત તો તે બધા પ્રશ્નોના જવાબ આપી શક્યો હોત. શું રોરીનું સત્ય લોકોની સામે આવે છે કે નહી તે જાણવા મુવી જોવું જોઈએ.
૪ કારણ અને અસર
"કોઝ અને ઈફેક્ટ"નો નિયમ તમે સાંભળ્યો જ હશે. જે કંઈપણ એક્શન લો છો તેનું પરિણામ ભોગવવા તૈયાર રહેવું પડે છે. રોરીને જયારે પેલો વૃદ્ધ વ્યક્તિ મળે છે ત્યારે રોરીને અફસોસ થાય છે કે તેણે કોઈનું કામ ચોરી લીધું. તેથી તે એવું નક્કી કરે છે કે તે લોકોને જણાવી દેશે કે તે પોતે સાચો લેખક નથી અને આ પુસ્તક કોઈનું ચોરેલી વાર્તા છે. પણ ત્યારે તેને પેલો વૃદ્ધ રોરીને શું પરિણામ ભોગવવું પડશે તે જણાવે છે.
આ મુવીમાં એકસાથે બે વાર્તા ચાલે છે - રોરીનું પોતાનું અંગત જીવન અને તેણે જે વ્યક્તિનું પુસ્તક ચોર્યું તે વ્યક્તિનું જીવન. બંને જીવનના પાત્રો તમને કંઇકને કંઇક તો શીખવશે જ. રજાઓના સમયમાં બ્રેડલી કુપરનું "ધ વર્ડ્સ" મુવી એકવાર તો જોવું જ જોઈએ.
આભાર
દર્શાલી સોની