૨૦૧૭માં ધ વાઈફ નામનું એક મુવી આવ્યું. જેમાં એક લેખક પતિ અને પત્નીની વાત છે. જો એક સફળ લેખકની સાથોસાથ કોલેજમાં લેખનનો અભ્યાસ કરાવે છે. ત્યારે તેના લગ્ન થઇ ગયા હોય છે. પણ તેને તેની એક વિદ્યાર્થી જોન સાથે પ્રેમ થઇ જાય છે. તેણીની લેખનકળાથી પ્રેમ થઇ જાય છે. તેથી તે તેનું લગ્નજીવન છોડીને જોન સાથે લગ્ન કરી લે છે. બંને પાસે લેખનની કળા તો હોય જ છે પણ જોનની લેખનકળા જો કરતા અદ્ભુત છે. જો ને સફળ અને પ્રખ્યાત લેખક બનવું હોય છે. જયારે જોનમાં સમાજની સામે પોતાનું લેખન રજૂ કરવાની હિંમત નથી.
તે બંને લગ્ન કરી લે છે. પછી જો વતી લખે તો જોન છે પણ જોએ જ પુસ્તક લખ્યું છે તે રીતે બધા પબ્લીશર પાસે સ્ક્રીપ્ટ પહોંચે છે. જો કે તે સમયમાં એક સ્ત્રી લેખિકા તરીકે પોતાનું સ્થાન ઉભું કરવું પણ અઘરું હતું. તેથી જોન પીછેહઠ કરી લે છે અને પોતાનું લેખન જો વતી સમાજ સુધી પહોચાડવાનો પ્રયત્ન કરે છે. આ રીતે જોની ઈચ્છા પણ પૂરી થાય કે અને જોનની. જો કે લોકોને ખબર નથી કે આટલા ઉત્તમ લખાણ પાછળ જોનનો હાથ છે.
તેઓનું વ્યક્તિગત જીવન પણ આગળ વધે છે. જો અને જોનના બે બાળકો હોય છે. એક દીકરીના લગ્ન થઇ ગયા છે અને દીકરાને પણ તેના પિતાની જેમ લેખક બનવું હોય છે. જો અને જોન વૃદ્ધાવસ્થામાં પહોચી ગયા હોય છે ત્યારે જ જો ને એક કોલ આવે છે. તેને પોતાના આટલા વર્ષના લખાણ માટે થઈને નોબેલ પ્રાઇઝ મળવાનું હોય છે. બંને ખુશ થઇ જાય છે. જો કે આ ઘટનાને કારણે જોનને પોતાના જીવન વિશે પ્રશ્નો થવા લાગે છે.
કારણ કે આ નોબેલ પ્રાઈઝની તો ખરી હકદાર એ હતી. જોની મહેનત નહોતી. જોનની કળા હતી. આમ છતાં તેણીએ તેનું આખું જીવન તેના પતિ જો માટે વિતાવી દીધું. તેથી જયારે તેઓ સ્ટોકહોમ નોબેલ પ્રાઈઝ માટે જાય છે ત્યારે જોનને તેના જીવનની મૂર્ખતા સમજાવવા લાગે છે. સાથોસાથ કઈ રીતે જોએ તેની સાથે અન્યાય કર્યો તે પણ દેખાય છે. કારણ કે જોએ તેઓના લગ્નજીવન દરમિયાન અનેકવાર અન્ય સ્ત્રીઓ સાથે અફેર પણ કર્યા હતા. આમ છતાં જોને તેને માફ કરી દીધો.
ધીમે ધીમે જોનની સામે તેનું આખું જીવન એક પુસ્તકની જેમ સામે આવે છે, કઈ રીતે તેણીએ પોતાના લગ્નજીવનને એક તરફ મૂકીને જોના સપનાને જ પોતાનો ધ્યેય માની લીધો, કઈ રીતે જોએ ક્યારેય તેના લખાણની કદર ન કરી. કઈ રીતે જો લોકોને એમ કહેતો કે તેની પત્ની તો લખતી જ નથી, હકીકતમાં જોની સફળતા પાછળ તેની પત્નીના લખાણનો જ હાથ હતો, કઈ રીતે તેનો પતિ તેના દીકરાની લેખનકલાને મહત્વ આપતો નહોતો, કઈ રીતે સ્ટોકહોમની સેરેમનીમાં પણ જો એક યુવા ફોટોગ્રાફર સાથે ફલર્ટ કરતો હતો, શા માટે જોને તેનું આખું જીવન આવા વ્યક્તિ પાછળ હોમી દીધું – તેવા અનેક પ્રશ્નો તેના મગજમાં આવે છે.
અંતે તે બંને વચ્ચે ઝગડો થાય છે અને જોને અટેક આવતા તે સ્ટોકહોમમાં જ મૃત્યુ પામે છે. જો કે જીવનભર જોની પત્ની તરીકે જીવ્યા બાદ અને તેના મૃત્યુ બાદ જોને પોતાનું જીવન વ્યર્થ જીવી લીધું તે તેણીને સમજાય છે. અહી મુવી પૂરું થાય છે. પણ મુવીના અનેક સીન અને ડાયલોગ પરથી તમને સમજાશે કે હાલમાં દરેક લગ્નજીવનની પરિસ્થિતિ ભલે અલગ અલગ હોય પણ કોઈના કોઈ રીતે પતિ-પત્ની એકબીજા માટે કોઈને કોઈ રીતે બલીદાન આપતા હોય છે, પછી તે સારા પણ હોઈ શકે અને ખરાબ પણ. પછી તે સ્વાર્થી પણ હોઈ શકે અને પ્રેમ માટે પણ. હા, એટલું ચોક્કસથી કહી શકાય કે જોને જેવું જીવન જીવ્યું તેવું જીવન તો ન જ જીવવું જોઈએ. પ્રેમની પરિભાષા અને લગ્નજીવનની પરિભાષા સમજ્યા બાદ તો આવી ભૂલ ન જ કરવી જોઈએ. આ મુવી ઓસ્કાર માટે પણ નોમીનેટ થયેલું છે. થોડું ગંભીર પણ વિચારતા કરી દે તેવું મુવી જોવાનું મન થયું હોય તો આ મુવી એકવાર જોવું જોઈએ.