The walk

the walk by darshali soni.png

ધ વોક એક સત્ય કથા

તમે સર્કસમાં લોકોને વાયર પર ચાલતા જોયા જ હશે. ૧૯૭૪માં એક હાય વાયર આર્ટીસ્ટ ફિલિપ એક પાગલ સપનું  જુએ છે. તે ન્યુયોર્કના વર્લ્ડ ટ્રેડ સેન્ટરના બે ટાવર વચ્ચે વાયર બાંધીને તેના પર ચાલવાનું નક્કી કરે છે. જેમ દરેક સર્કસમાં વાયર આર્ટીસ્ટનો એક ગુરુ હોય છે તે જ રીતે ફિલિપનો ગુરુ પાપા રૂડી હતા. આમ તો ફિલિપનું જીવન પેરીસથી શરુ થાય છે. શરૂઆતમાં તે પણ અનેક સંઘર્સનો સામનો કરે છે. પણ ફિલિપ તેના સપનું પૂરું કરવા માટે પોતાની જાતને અદભુત રીતે ટ્રેઈન કરે છે. આ મુવીના ડીરેક્ટર રોબર્ટે ફોરેસ્ટ ગંપ અને કાસ્ટ અવે જેવા અનેક ઉત્તમ મુવીઝ આપેલ છે. ચાલો જાણીએ ફિલિપ આપણને શું શીખવાડે છે:

૧ જીવન અને મરણ

અનેક લોકોના મતે વાયર પર ચાલવું એ ખૂબ જ જોખમી જીવન છે. તેમાં ગમે ત્યારે વ્યક્તિનું મૃત્યુ પણ થઇ શકે. જયારે ફિલિપ માટે તો વાયર પર ચાલવું તે જ તેનું જીવન હતું. તેના માટે તેનું સપનું મૃત્યુનો ડર નહિ પરંતુ તેને જીવતું રાખતું પરિબળ હતું. તેના માટે અઘરુંમાં અઘરું કામ અને પોતાની જાતને જોખમમાં મુકવી તે જ જીવન હતું. દરેક વ્યક્તિ એક સમયે તેના સપના માટે એટલી હદે મોટીવેટ થઇ જાય છે કે તેના માટે જીવન, મરણ કે અન્ય કોઈ પ્રકારના જોખમો હોતા જ નથી.

૨ તમારા સપનાઓને પડતા ન મુકો

ફીલીપે જયારે ન્યુયોર્કના વર્લ્ડ ટ્રેડ સેન્ટરના ટાવર વચ્ચે વાયર પર ચાલવાનું નક્કી કર્યું ત્યારે તેને એક ટીમની જરૂર પડી. જે તેને પોતાનું સપનું પૂરું કરવામાં મદદ કરે. ટીમમાં અનેક લોકો એવા હતા જેણે ફિલિપને અંત સુધી સાથ આપ્યો તો અમુક તેના સપનાને અડધેથી છોડીને ચાલ્યા ગયા. તો પણ ફીલીપે હાર ન માની. વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર રાત્રિના સમયે પહોંચીને વાયર ગોઠવવાની મથામણ અને તેના પર ચાલવું કાયદાનું પણ ઉલંઘન કહેવાય – આમ છતાં ફીલીપે આ બધી જ મુશ્કેલીઓનો સામનો કરીને પોતાનું સપનું પૂરું કર્યું. તેણે હાર ન માની.

૩ અહંકાર

ફીલીપના ગુરુ તેને હંમેશા સમજાવતા. વાયર પર ચાલવાનો ખેલ હોય કે જીવનનો ખેલ – જરા પણ અહંકાર મનમાં આવે એટલે હાર નક્કી છે. કોઈ વ્યક્તિ વાયર પર ચાલતું હોય અને ત્યાં અચાનક જ તેના મનમાં અહંકાર આવે કે – “હું તો કેટલું બહાદુરીનું કામ કરું છું” અને તેનું ધ્યાન ચૂક થાય એટલે અકસ્માત નક્કી છે. જીવનનું પણ કંઇક એવું જ છે – અહંકાર અને અધીરાઈ તમને હાર અપાવશે. ફિલિપ જયારે તેનું સપનું પૂરું કરવા વર્લ્ડ ટ્રેડ ટાવર વચ્ચેના વાયર પર ચાલી રહ્યો હતો ત્યારે તેના મનમાં પણ અહંકાર આવ્યો હોત તો તેનું સપનું પૂરું થઇ શકત?

૪ સંતોષ

ફિલિપ જયારે તેનું સપનું પૂરું કરીને તેના ગુરુ પાસે જાય છે ત્યારે તે એક અલગ જ પ્રકારની ખુશી અને સંતોષની લાગણી અનુભવે છે. જયારે તમે તમારા સપના માટે સખત મહેનત કરતા હો અને અથાગ પરિશ્રમ અને ધીરજ પછી તમારું સપનું પૂરું થાય ત્યારે તમને જે સંતોષ અને ખુશી અનુભવાય તે લાગણી તમને બીજી કોઈ પ્રવૃત્તિ નહિ આપી શકે.

૫ એક ડગલું તો ભરો

ફિલિપે માત્ર પોતાના સપના વિશે વિચારવાનું ચાલુ રાખ્યું હોત અને તેનું સપનું પૂરું કરવા માટે તેના ગુરુ પાપા રૂડી પાસેથી ટ્રેઈનીંગ ન લીધી હોત, પોતાને મદદરૂપ થાય તેવી ટીમ ન શોધી હોત – તો શું ફિલિપનું સપનું સાકાર થાત? તમારું સપનું પૂરું કરવા માટે તમારે એક ડગલું તો ભરવું જ પડે. જો તમારી સપનું પૂરું કરવાની ખરેખર ઈચ્છા હશે તો જરૂરથી તમને સફળતા મળશે. પરંતુ એકવાર શરૂઆત તો કરો. શરૂઆત વગર સફળતાની મુસાફરી જ શરુ નહિ થાય.

જેમ ફીલીપે પોતાનું સપનું પૂરું કર્યું તેમ તમે તમારું સપનું પૂરું કરવા ક્યારે શરૂઆત કરશો?

આભાર

દર્શાલી સોની