ધ અપસાઈડ - સુખની સફર
તમને પેલું ઋતિક રોશનનું મુવી યાદ હશે જેમાં ઋતિક રોશન તેનું જીવન એક વિલચેરમાં જીવતો હોય છે અને પછી ઐશ્વર્યા રાય તેના જીવનમાં તેની કેરર બનીને આવે અને જીવન સુંદર બની જાય. જો કે આપણા બોલીવુડવાળાએ પણ આ મુવી હોલીવુડના એક મુવીમાંથી જ નકલ કરી છે. પણ તેના વિશે ફરી ક્યારેક વાત. આજે વાત કરવી છે એક મસ્ત મજાના મૂવીની જેનું નામ છે - ધ અપસાઈડ.
૨૦૧૭માં આવેલા આ મુવીમાં આમ તો બે જ મુખ્ય પાત્રો છે. હા, આ મુવીમાં કોઈ એન્ટાગોનીસ્ટ નથી. સિવાય કે પ્રોટાગોનીસ્ટ પોતાનો જ એન્ટાગોનીસ્ટ બને. મુવીમાં મુખ્ય પાત્ર ફીલીફ લકાસ એક પ્રખ્યાત લેખક હોય છે. બહુ બધી મોટી કંપનીને વધુ સફળ બનાવવા માટે મેન્ટર હોય છે. તેની સુંદર મજાની જેની પત્ની હોય છે. પણ પેરાગ્લાઈડીંગ વખતે તેનું એકસીડન્ટ થઇ જાય છે. અને જીવનભર માટે તે વિલચેર પર આવી જાય છે. તમે જ કલ્પના કરો કે તમે માત્ર વિચારી શકો, જીવી શકો અને તમારું મોઢું જ કામ કરે. બાકી આખું શરીર પેરેલાઈઝડ હોય તો જીવન જીવવું ગમશે?
જો કે ફિલિપ ખૂબ જ ધનવાન હોય છે એટલે તેની પાસે બધી જ સુવિધા હોય છે. હવે પેરેલાઈઝડ વ્યક્તિને કેરરની તો જરૂર પડવાની જ છે. બસ આ જ સમયે એન્ટ્રી થાય છે ડેલ સ્કોટની. જે જેલમાંથી છૂટેલો હોય છે અને કામની શોધમાં હોય છે. જેથી કરીને તે તેની પત્ની અને તેના દીકરાને પાછો મેળવી શકે. બસ આ જ સમયે ફિલિપ ઈન્ટરવ્યું લેતો હોય છે અને ડેલનો ચાન્સ લાગી જાય છે. કારણ કે ફિલિપને કંઇક જીવનમાં નવું અને હટકે કરવું હોય છે. મૂવીની આખી સ્ટોરીમાં ક્યાય કલાઇમેકસ જેવું નથી. આમ છતાં મુવી જોવું તમને ગમશે. તો ચાલો જાણીએ શું શીખવે છે ડેલ અને ફિલિપ:
૧ બિન્દાસપણું
જીવનમાં આપણે એટલી હદે સીરીયસ બની જઈએ છીએ કે બિન્દાસ રીતે જીવવાનું કે પછી આનંદમાં જીવવાનું જ ભૂલી જઈએ છીએ. તે બિન્દાસપણું જયારે કોઈ આપણા જીવનમાં આવે અને શીખવાડે ત્યારે આવે છે અથવા તો જીવનની પરિસ્થિતિ જ આપણને શીખવાડી દે છે. ફિલિપ પણ ડેલ પાસેથી જ જીવન જીવતા શીખી જાય છે.
૨ પ્રેમ
આપણે પ્રેમને બહુ જ વધારે ટેક્ન ફોર ગ્રાન્ટેડ લઇ લીધો છે. ફિલિપ તેની પત્ની જેનીના મૃત્યુ બાદ પણ તેને એટલો જ પ્રેમ કરતો હોય છે અને તેની યાદોને એટલી જ સિદ્ધતથી યાદ કરતો હોય છે. જો કે તેને પોતાની જાત માટે પ્રેમ રહ્યો હોતો નથી. તે પ્રેમ લાવવાનું કામ ડેલ કરે છે. અને હા, મૂવીનું સાઈડ પાત્ર પણ સારું પાત્ર એટલે યોવન. તેણી ફિલિપને હંમેશા મદદ કરે છે અને તેણે ખુશ કરવાનો પ્રયત્ન કરે છે. શીખવાનું એટલું જ કે ક્યારેક બીજાને પ્રેમ કરવામાં એટલા ના ડૂબી જાવ કે પોતાની જાતને પ્રેમ કરવાનું ભૂલી જાવ.
૩ શોખ
જે રીતે જીવનમાં આપણને ખૂશી આપે છે તે જ રીતે શોખ આપણને ભૂલેલી જાતને પછી લાવવામાં પણ મદદરૂપ થાય છે. ઘણીવાર એવું બની શકે કે શોખ જ આપણને જીવનમાં આગળ લઇ જાય. જો કે ફિલિપના કેસમાં તેનો પેરાગ્લાઈડીંગનો શોખ તેને જીવનનું સૌથી મોટું દુઃખ આપે છે આમ છતાં તે જ શોખ જયારે ડેલ તેને પાછો જગાડે છે ત્યારે ખુશ કરી દે છે.
૪ ડીગ્રી
આપણી દુનિયામાં એવા નિયમો છે કે ઘણીવાર જીવનમાં લોકોને સારું બનવું હોય તો પણ સારું બની શકાતું નથી. ડેલ ચોર હતો. તેને જો ફીલીપે જીવન સારી રીતે જીવવાની તક ના આપી હોત તો તે ક્યારેય જીવનમાં ફરી પાછો સારો વ્યક્તિ ના બની શક્યો હોત. ચોર હોવા છતાં ડેલને નોકરી આપવામાં આવે છે. કહેવાનું એટલું જ કે ઘણીવાર ખરાબ વ્યક્તિને પણ તક આપો તો સારો વ્યક્તિ બની શકે છે.
મુવીમાં આમ તો ઘણું શીખવાનું છે પણ તમે એ મુવી જોશો ત્યારે તમને વધુ મજા આવશે. મુવીના મુખ્ય પાત્રો જ સારા કલાકારોએ નીભાવેલા છે. જેમ કે ડેલનું પાત્ર કેવિન હાર્ટ દ્વારા અભિનીત છે. અને ફીલીપનું પાત્ર બ્રાયન ક્રેસ્ટન દ્વારા અભિનીત છે. અને હા યોવનનું પાત્ર નિકોલ કિડમેન દ્વારા. ટૂંકમાં ક્યારેક આવા મુવી જોઈએ તો જીવનમાં સુંદર રીતે જીવવાની પ્રેરણા તો મળે જ.
આભાર
દર્શાલી સોની