The Terminal

THE TERMINAL.jpg

હોલીવુડમાં ટોમ હેન્કસ પ્રખ્યાત અભિનેતા છે. તેના બધા જ મુવી ઉત્તમ છે. તેમાં કાસ્ટ અવેથી માંડીને – ધ દા વિન્ચી કોડ, ફોરેસ્ટ ગમ્પ, એન્જલ એન્ડ ડીમન્સ – એવા તો ઘણા. તેના સારા મુવીઝમાંથી આજે “ધ ટર્મિનલ” મુવી વિશે જાણીએ. ૨૦૦૪માં આવેલું આ મુવી ઘણું જૂનું છે – આજના સમયમાં તમને આ મુવી ખૂબ જ અલગ લાગશે – આમ છતાં આ મુવીની વાર્તા તમને અંત સુધી જકડી રાખશે.

વિકટર નામનો એક વ્યક્તિ પોતાના ગામમાંથી અમેરિકા આવે છે – ફરવા માટે અને એક ધ્યેય પૂરો કરવા માટે. આ સમયે જ તેના ગામમાં હુમલો થાય છે અને વિક્ટર કોઇપણ દેશનો નાગરિક નથી તેવો વ્યક્તિ બની જાય છે. તેથી વિક્ટરને એરપોર્ટ પર રહેવાનો વારો આવે છે. કેટલું અજીબ છે ને? – સરકારના બનાવેલા નિયમો વ્યક્તિને ક્યાં પહોંચાડી શકે? તેને કેવી પરિસ્થિતિમાં મૂકી શકે?

શરૂઆતમાં તો વિક્ટર એરપોર્ટમાંથી બહાર નીકળવા માટે ફાંફા મારે છે, તેને અંગ્રેજી નથી આવડતું તેથી લોકો સાથે વાત કરવામાં પણ સમસ્યા થાય છે – ધીમે ધીમે તે એરપોર્ટને જ પોતાનું ઘર બનાવી દે છે. ત્યાં જ રહેવાનું, ખાવાનું, પીવાનું, કામ કરવાનું, એરપોર્ટ પર કામ કરતા લોકોને મદદ કરવાની, અને ઓફીસ જઈને પુછપરછ કરવાની કે તે ક્યારે એરપોર્ટની બહાર નીકળી શકશે.

વિક્ટરની એરપોર્ટ પર રહેવાની આ કહાનીમાં તે કેવા નવા નવા જુગાડ કરે છે, કઈ રીતે એક એર હોસ્ટેસના પ્રેમમાં પડે છે, કઈ રીતે મિત્રતાનું મહત્વ સમજે છે – આ બધું જ જોવાની મજા આવશે. ટોમ હેન્કસની ઉત્તમ એક્ટિંગ તો ખરી જ. વિક્ટરના પાત્રમાંથી ઘણું શીખવાનું છે –

૧ પરિસ્થિતિ

માનવી સામાન્ય રીતે કોઇપણ પરિસ્થિતિમાં એડજસ્ટ થાય છે અથવા તો તેને બદલવાનો પ્રયત્ન કરે છે. જરૂરી નથી કે દરેક વખતે પરિસ્થિતિ તમારા કાબૂમાં હોય – જે રીતે વિક્ટરના હાથમાં એરપોર્ટની બહાર નીકળવું નહોતું, પોતાની જાતે કોઈ ઉધામા લેવાથી પણ કઈ થવાનું નહોતું – ત્યારે તેણે અત્યંત અઘરી પરિસ્થિતિને પણ સરળ બનાવી દીધી. દરેક વખતે એડજસ્ટ થવું જરૂરી નથી -  પણ હા, વિક્ટરની જેમ જયારે કોઈ રસ્તો ન દેખાય ત્યારે જે પરિસ્થિતિ છે તેને માણવાનું તો શરુ કરી જ શકાય.

૨ માનવતા

જેમ જેમ સોશિયલ મીડિયા લોકોના જીવન પર હાવી થઇ રહ્યું છે તેમ તેમ લોકોની અંદરની માનવતા, લાગણી, નમ્રતા – ગાયબ થઇ રહી છે. વિક્ટરના પાત્રને જોઇને એકવાર તો તમને વિચાર આવશે જ કે શા માટે આપણે આટલા સ્વાર્થી બની ગયા છીએ? શા માટે આપણે મિત્રતા ભૂલી ગયા છીએ? શા માટે આપણે અજાણ્યા લોકો સાથે પણ પ્રેમથી વાત નથી કરતા? – દયા અને સહાનુભૂતિની લાગણી કેમ ગાયબ થઇ ગઈ છે? – વિક્ટર પાસેથી આપણી ભૂલાયેલી લાગણી જરૂરથી યાદ કરી શકીશું.

3 પ્રેમ

પ્રેમનો મતલબ એવો નથી કે તેને હાંસિલ કરવો જ. – આ ફિલોસોફી તમને વિક્ટર શીખવશે. વિક્ટર પણ એરપોર્ટ પર રહેતી વખતે એક સ્ત્રીના પ્રેમમાં પડે છે – તે તેના પ્રેમને પામી શકે છે કે નહીં તે જાણવા માટે તો તમારે મુવી જોવું રહ્યું. પણ હા, પ્રેમનો ખોખલો નહીં પણ ઊંડો અર્થ સમજવા માટે તમારે વિક્ટરને સમજવો જરૂરી છે. તેનું પાત્ર, તેનો સ્વભાવ, તેના વિચારો તમને ઘણી પ્રેરણા આપશે.