The secret life of walter mitty

the secret life of pets by darshali soni.jpeg

ધ સિક્રેટ લાઈફ ઓફ વોલ્ટર મીટી

૨૦૧૩માં આવેલું એડવેન્ચરસ મુવી માત્ર ૧૧૪ મિનીટનું મુવી તમને એક વોલ્ટર મીટીની એક અલગ જ દુનિયામાં લઇ જશે. આ મુવીને ઘણા એવોર્ડ્સ મળેલા છે. આ મુવી વિશે લખવા પાછળનું આજકાલ ટ્રાવેલિંગનો ટ્રેન્ડ વધતો જાય છે અને લોકો હવે માત્ર રોજબરોજની જિંદગી કરતા કંઇક નવું કરવા માંગતા હોય છે. મૂવીની વાત કરીએ તો મુખ્ય પાત્ર છે એક શરમાળ વ્યક્તિ વોલ્ટર. તે એક લાઈફ મેગેઝીનમાં ફોટો એનાલીસ્ટ તરીકે નોકરી કરતો હોય છે. તે એટલો શરમાળ હોય છે કે તેને ગમતી વ્યક્તિને પ્રપોઝ કરતા પણ ખચકાય છે અને આખો દિવસ પોતાની એક "ડે ડ્રીમીંગ"ની દુનિયામાં ખોવાયેલો રહે છે.

મુવીમાં વણાંક તો ત્યા આવે છે જયારે વોલ્ટરને પોતાની નોકરી ચાલી ન જાય તે માટે એક ફોટોગ્રાફની શોધમાં નીકળવું પડે છે. અંતર્મુખી વોલ્ટર કઈ રીતે એક એડવેન્ચરસ મિશન પર નીકળે છે અને અલગ જ દુનિયાનો અનુભવ કરે છે તેની કહાની એટલે "ધ સિક્રેટ લાઈફ ઓફ વોલ્ટર મીટી".

૧ ટ્રાવેલ

ઘણા લોકોને ફરવું બહુ જ ગમે છે તો વળી કેટલાંક લોકો ટ્રાવેલિંગ કરવાનું હંમેશા ટાળતા જ રહે છે. વોલ્ટર પણ પોતાની નાની એવી દુનિયામાં જ ખોવાયેલો રહેતો. પણ જયારે તે ખરેખર ટ્રાવેલ કરવા નીકળ્યો ત્યારે તે અનેક મજાના નવા અનુભવો, નવા માણસો, નવી જગ્યા અને નવી દુનિયાને જોઈ શક્યો. ટ્રાવેલિંગ તમને જીવનને વધુ ગમાડતાં શીખવે છે. રોજીંદી ઘટમાળથી થોડા સમય માટેની છૂટી એટલે ટ્રાવેલિંગ. તમે પણ એકવાર ભલેને કોઈ નજીકના શહેરમાં જ જાવ - પણ નવી દુનિયા જોવાનો લહાવો માણતા શીખો.

૨ સમય

કહેવાય છે ને કે સમય બહુ કિંમતી છે અને બહુ ઓછો પણ છે. વોલ્ટર તો પોતાની દુનિયામાંથી બહાર નહોતો આવતો પણ જયારે તે એડવેન્ચર પર નીકળે છે અને જુએ છે કે દુનિયામાં તો ઘણું જોવા જેવું અને એક્સ્પ્લોર કરવા જેવું છે ત્યારે તેને ખબર પડે છે કે ખરેખર જીવનને માણવા માટે સમય તો ઘણો ઓછો છે. ઘણીવાર માણસને સમયની કિંમત ત્યારે જ થાય છે જયારે તેને ખરેખર જીવન જીવવાની આશા જાગે છે.-

૩ એક્શન

જયારે વોલ્ટરને પોતાની નોકરી ચાલી ન જાય તે માટે ફરજીયાતપણે એક મિશન પર નીકળવું પડે છે ત્યારે જ તે એક્શન લે છે. બાકી તો પોતાની સપનાની દુનિયામાં જ રહે છે. તેને પોતાના સપના પૂરા કરવા છે પણ તે માટે કોઈ એક્શન લેવા નથી હોતા. ફોટોગ્રાફની શોધ તેને એક્શન લેવા મજબૂર કરે છે. ઘણીવાર એવું થશે તમારા જીવનમાં પણ કે જો તમે સપના પૂરા કરવા કોઈ એક્શન નહી લેતા હો તો તમારી સામે એવી પરિસ્થિતિ જ ઉભી થઇ જશે કે તમે એક્શન લેવા મજબુર થઇ જશો.-

૪ હિંમત અને ખૂશી

વોલ્ટરને નવી દુનિયા જોવી તો હતી પણ તેનામાં આગળ વધવાની હિંમત જ ન હતી. લોકો પાસે અનેક સપનાઓ અને અરમાનો હોય છે પણ તેમાં એક પગલું પણ આગળ વધીને ખૂશી મેળવવા માટેની હિંમત ન હોવાને કારણે તેઓ હંમેશા અફસોસ જ કરતા રહે છે. વોલ્ટરે બહાર નીકળવાની હિંમત કરી અને ખૂશીથી વંચિત પણ ન રહ્યો. ઘણીવાર હિંમત એટલે તમારા સપના માટે એક ડગલું ભરવું કાફી હોય છે.

૫ મનની વાત

શું તમને તમારી ઇચ્છાઓ, લાગણીઓ, સપનાઓ સાંભળવાની આદત છે? અથવા તો તમે એ બધું જ અવગણીને રોજીંદી જિંદગીમાં વ્યસ્ત થઇ જાવ છો? વોલ્ટરના કોઈ સપના ન હતા એવું નહોતું. તેના સપનાઓ હતા તે "ડે ડ્રીમીંગ" વખતે પોતાની ઈચ્છાની દુનિયામાં જ રહેતો. તેને બંધ આંખે સપના જોવા કરતા ખુલી આંખે સપના જોવા વધુ ગમતા. પણ તે પોતાના મનની વાત સાંભળીને એક્શન લઇ શકતો ન હતો. આ મિશન તેને પોતાની મનની વાત સાંભળવાની એક તક આપે છે.

વોલ્ટરનું મુખ્ય પાત્ર બેન સ્ટીલર દ્વારા અભિનીત છે. બેન સ્ટીલરના તમે અનેક મુવીઝ જોયા જ હશે - ધ નાઈટ ઇન ધ મ્યુઝ્યમથી લઈને ટ્રોપિક થંડર. જો તમને બેનના મુવી જોવા ગમતા હોય અને ટ્રાવેલિંગનો શોખ હોય તો "ધ સિક્રેટ લાઈફ ઓફ વોલ્ટર મીટી" મુવી એકવાર જરૂરથી જોવું જોઈએ. બની શકે ટ્રાવેલિંગનો શોખ જાગી જાય અને તમે પણ એક એડવેન્ચર પર નીકળી પડો.

આભાર

દર્શાલી સોની