ધ રીરાઈટ – જીવનને ફરીથી લખવાની તક મળે ખરી?
દરેક વ્યક્તિના જીવનમાં ચડાવ ઉતાર આવતા રહે છે. દરેક વ્યક્તિ પોતાની વાસ્તવિક દુનિયા કરતા કંઇક નવું ઈચ્છતો હોય તેવું પણ હોઈ શકે. દરેક વ્યક્તિને પોતાની કારકિર્દીથી સંતોષ હોય જ તેવું જરૂરી નથી. દરેક વ્યક્તિના જીવનમાં કોઈને કોઈ પ્રકારના અફસોસ હોય જ છે. પણ શું દરેક વ્યક્તિને પોતાના જીવનને ફરીથી લખવાની તક મળતી હોય છે?
કીથ માઈકલને મળે છે. એકેડમી એવોર્ડ વિનર સ્ક્રીનપ્લે રાઈટર કીથ તેના “પેરેડાઈઝ મિસ્પ્લેસડ” મુવીના કારણે પ્રખ્યાત બની ગયો હોય છે. દરેક લેખકના જીવનમાં આવો ફેઝ આવે છે. એક સમયની સફળતા હવે ભૂતકાળ બની ગઈ છે. કીથ હવે હોલીવુડમાં જઈને જેટલા લોકોને પોતાની નવી સ્ક્રીપ્ટ વિશે જણાવે છે તે બધા જ ના પાડે છે. તેઓને કંઇક નવું જોઈતું હોય છે. તેઓને એવું લાગે છે કે હાલમાં હોલીવુડમાં જો કોઈ સ્ત્રી પર મુવી બને તો જ સફળ બનશે.
તેઓને કીથના આઈડિયાઝ જૂના લાગે છે. કીથના ડિવોર્સ થઇ ગયા છે. તેની પત્નીને તેના પ્રખ્યાત મુવીના ડીરેક્ટર સાથે જ લગ્ન કરી લીધા છે. કીથ તેના દીકરા સાથે વાત નથી કરી શકતો. તેને હવે નાણાની જરૂર છે. કીથની એજન્ટ તેને કામ અપાવવા માટે અનેક પ્રયત્નો કરે છે. અંતે કીથને સ્ક્રીનપ્લેના ટીચર તરીકે એક ઇન્સ્ટીટયુટમાં ભણાવવાની તક મળે છે.
આમ તો કીથને ટીચર બનવામાં જરાપણ રસ નથી. તેના મતે કોઈને લખતા શીખવાડી શકાય નહી. તેને પોતાના જીવનથી પણ નારાજગી હોય છે તેથી તેને ટીચર બનવામાં જરાપણ રસ નથી હોતો. આમ છતાં તે હોલીવુડ છોડીને એક નાના એવા શહેરમાં ૧૧ વિદ્યાર્થીઓને સ્ક્રીનપ્લે ભણવવા જાય છે.
કીથ અહી શરૂઆતમાં તો વિદ્યાર્થીઓને ભણાવવામાં પણ રસ નથી લેતો. પોતેની જ એક વિદ્યાર્થીની સાથે સેક્સ કરે છે. તેની નોકરી જવા પર જ હોય છે, એક બે દીકરીઓની માતા, વેઈટર હોલીને મળે છે. આવું બધું થવાની સાથોસાથ કીથને ફરીથી એક નવી સ્ક્રીપ્ટ લખવાનું મન થાય છે. તે તેના વિદ્યાર્થીઓને પોતાની સ્ક્રીપ્ટ કેમ ઉત્તમ બનાવવી તે શીખડાવવા લાગે છે. સાથેસાથે પોતે પણ પોતાની સ્ક્રીપ્ટ પર કામ કરે છે. એક સમય એવો આવે છે કે કીથના એક વિદ્યાર્થીની સ્ક્રીપ્ટ હોલીવુડના એક ડીરેક્ટરને ગમી જાય છે. કીથને આ પળ એક નવી જ વિચારસરણી આપે છે.
તેને એવું લાગે છે કે તે હજુ પણ ભણાવવાનું ચાલુ રાખે તો અનેક ઉત્તમ વિદ્યાર્થીઓને હોલીવુડ સુધી પહોંચાડી શકે. બની શકે કીથનું નસીબ માત્ર પોતે જ સારા સ્ક્રીનપ્લે લખીને આગળ વધવાનું નથી. પણ બીજા લોકોને પણ આગળ લાવવાનું છે. તેને અચાનક જ સમજાય છે કે જે ટીચિંગને તે હંમેશા ગાળો આપતો હતો તે જ ટીચિંગમાં તેને મજા આવવા લાગી છે. તે ફરીથી કોલેજમાં જાય છે અને ત્યાંના ડીનને તેની અનેક ભૂલો હોવા છતાં ફરીથી વિદ્યાર્થીઓને ભણાવવાની તક આપવાનું કહે છે.
કીથને સમજાય છે કે જેમ તે દરેક સ્ક્રીપ્ટમાં ફેરફારો કરીને ઉત્તમ સ્ક્રીપ્ટ લખી શકે છે, પોતાના વિદ્યાર્થીઓને પણ ઉત્તમ સ્ક્રીપ્ટ લખતા શીખવી શકે છે તે જ રીતે પોતે પણ પોતાના જીવનની સ્ક્રીપ્ટને ફરીથી લખી શકે છે. પોતે પણ હોલીવુડની માયાને છોડીને અનેક ઉત્તમ લેખકોને બહાર લાવી શકે છે.
શરૂઆતમાં ખડૂસ અને જીવનથી નારાજ કીથ ધીમે ધીમે જીવનને માણવા લાગે છે. આ મુવી ૨૦૧૪માં આવેલ છે. એક સંઘર્ષ કરતો લેખક કઈ રીતે સાચી રાહ મેળવી લે છે તેની સફર એટલે “ધ રીરાઈટ.” કોઈવાર આવા સરળ મુવી જોઈ લેવાથી તમને પણ જીવનમાં કયા તબક્કાને રીરાઈટ કરવાની જરૂર છે તે ખ્યાલ આવી જશે. તેથી આ મુવી એકવાર તો જોવું જ જોઈએ.