The Last Laugh

the-last-laugh.jpg

૨૦૧૯માં એક સરળ અને રમુજી મુવી - લાસ્ટ લાફ આવ્યું. મુવીમાં કોઈ પ્રખ્યાત અભિનેતા કે અભિનેત્રી નથી. મૂવીની વાર્તા પણ અત્યંત પ્રેરણા આપે કે પછી રડાવી દે કે પછી જીવનમાં કંઇક કરી છૂટવાનું જૂનુન સવાર થઇ જાય તેવી નથી. એક સરળ મુવી છે. ક્યારેક આવા મુવી જોવા જોઈએ તેવું મુવી છે. 

બે વૃદ્ધ લોકો ભેગા મળીને કઈ રીતે પોતાના જીવનને ફરીથી મજેદાર બનાવે છે તેનું મુવી છે. તમને એવું લાગશે કે બે વૃદ્ધ લોકો - એક નિવૃત્તિ પામેલો એલ હાર્ટ અને એક આધુનિક વૃદ્ધાશ્રમમાં રહેતો બડી ગ્રીન તમને શું શીખવાડી દેશે કે પછી શું મનોરંજન આપશે? એવું નથી. બંને પાત્રો રસપ્રદ છે અને જો તમારો દ્રષ્ટિકોણ સાચો હશે તો મુવી જોવાની મજા પણ આવશે.

તો શરુ કરીએ, બડી ગ્રીન તેની યુવાનીના સમયમાં એક સફળ કોમેડિયન હતો. બધા લોકો તેના દીવાના હતા. તેનો મેનેજર એટલે એલ હાર્ટ. જે તેને અલગ અલગ શહેર અને દેશમાં શોનું આયોજન કરી આપતો હતો. સમય સાથે બંનેના રસ્તા અલગ થઇ ગયા. 

બંને વૃદ્ધાવસ્થામાં પહોચી ગયા હતા. એલ હાર્ટ હવે નિવૃત થઇ ગયા હતા. તેથી તેની પોતીએ તેને મિત્રો બનાવવાનું કહ્યું અને લોકો સાથે હળવા મળવાનું કહ્યું. પણ એલને કઈ ગમતું નહોતું. તેથી તેણી તેને એક એવા આધુનિક વૃદ્ધાશ્રમમાં લઇ જાય છે જે કોઈ હોટેલથી ઓછું નથી. ત્યાં બધી જ સુવિધા છે, બધા જ મનોરંજનના કાર્યક્રમો છે. અનેક નિવૃત અને વૃદ્ધ લોકો ત્યાં રહેતા હતા. અલગ અલગ પ્રકારના લોકો ત્યાં રહેતા હતા. 

શરૂઆતમાં તો એલ હાર્ટને ત્યાં નથી ગમતું. પણ અચાનક જ તેને તેનો જુનો મિત્ર બડી ગ્રીન મળી જાય છે. તે પણ ત્યાં જ રહેતો હોય છે. 

તે એલને ધીમે ધીમે જીવનની મજા લેવાનું ફરીથી યાદ કરાવે છે. એકવાર બડી ગ્રીનને એવો વિચાર આવે છે કે તેણે ફરીથી કોમેડી શરુ કરવી જોઈએ. તેથી તે ફરીથી એલને તેના મેનેજર બનવાનું કહે છે. બંનેને આ આઈડિયા ગમી જાય છે, અને વૃદ્ધાવસ્થામાં ફરીથી તે બંનેની જુગલબંધી શરુ થઇ જાય છે. બડી ગ્રીન તેની ઉત્તમ રમુજને કારણે ફરીથી પ્રખ્યાત થઇ જાય છે. અને તેઓ ટુર પર નીકળી પડે છે. ત્યારે એલને એક સ્ત્રી મળી છે - હવે તેનું પ્રેમ પ્રકરણ જોવા માટે તમારે મુવી જોવું રહ્યું. 

બડી અને એલની મિત્રતા ક્યાં જઈને અટકે છે, શું બડીને તેના પેશનમાંથી ખુશી મળતી રહે છે, શું એલને એક ગમતી જીવનસંગીની મળે છે? - આ જાણવા માટે તમારે મુવી જોવું રહ્યું. કોઈવાર આવા હળવા મુવી સરળ પણ કામના પાઠ શીખવી જાય છે. જેમ કે - 

ઉંમર - મર્યાદા નથી

હા, જીવનમાં તમારે ગમે તેવા સપના હાંસિલ કરવા હોય તો તેના માટે કોઈ ચોક્કસ ઉંમર નથી હોતી. તમે ૬૦ વર્ષે પણ શરૂઆત કરી શકો અને ૧૬ વર્ષે પણ. તમને તમારી આવડત કે કળા પર વિશ્વાસ હોવો જોઈએ. આ જ આવડત અને સપનું પૂરી કરવાની ઈચ્છા તમને જીવનમાં આગળ લઇ જશે. બડી ગ્રીનને તેની વૃદ્ધાવસ્થામાં ફરીથી તેની કોમેડિયન જીવન જીવવાની ઈચ્છા થઇ. તે ઇચ્છતા હોત તો પોતાના આ સપનાને નકારીને જીવનભર આરામથી વૃદ્ધાશ્રમમાં રહી શક્યા હોત. પણ તેણે નવો જ રસ્તો અપનાવ્યો. તમે પણ નવા રસ્તાઓ અને નવું જીવન અપનાવી શકો છો. જરૂર છે - હિંમત અને આવડતની.

દ્રષ્ટિકોણ

એલ હાર્ટને વૃદ્ધાશ્રમ અજીબ લાગતો હતો, તેને વૃદ્ધાશ્રમમાં રહેવું નહોતું ગમતું. પણ બડી ગ્રીન તેનો આ નકારાત્મક દ્રષ્ટિકોણ બદલે છે. તેને ફરીથી દરેક પરિસ્થિતિમાં આનંદથી કેમ જીવવું તે શીખવે છે. આમ પણ દુનિયામાં મોટાભાગના દુઃખને દ્રષ્ટિકોણ બદલાવવાથી જ દૂર કરી શકાતા હોય છે. શું તમે તમારો દ્રષ્ટિકોણ બદલાવવા તૈયાર છો?