The Kingdom

the kingdom movie talk by darshali soni.jpg

મિડલ ઇસ્ટમાં બોમ્બ બ્લાસ્ટ થયો. કોણે કર્યો? શા માટે કર્યો? કઈ રીતે ગુનેગારને પકડીશું? શું ગુનેગારોને પકડવા શક્ય છે પણ ખરા? - આવા પ્રશ્નો દરેક વખતે જયારે પણ કોઈ દેશમાં હુમલાઓ થાય ત્યારે થતા રહે છે. પણ શું આ પ્રશ્નોના જવાબ શોધવા માટે પગલાઓ લેવાય છે? અને તેના થકી કોઈ તારણ આવે છે?

૨૦૦૭માં એક મુવી આવ્યું - “ધ કિંગડમ”. જેમાં આવી જ કંઇક પરિસ્થિતિ ઉભી થઇ. મિડલ ઇસ્ટમાં અમેરિકન ફેસિલીટીમાં બોમ્બ બ્લાસ્ટ થયો હતો. અનેક લોકોનો જીવ ગયો. અનેક બાળકો અનાથ થયા. આવું શા માટે થયું તેના મૂળ સુધી પહોંચવા માટે યુ એસ સરકારની ટીમ મિડલ ઇસ્ટ પહોંચે છે. આ તો એવું થયું કે જાતે જ ટીમે એવી જગ્યાએ જવાનું જોખમ લીધું જ્યાં તેની જ ફેસિલીટી પર હુમલો થયો હતો. પણ ઉપરના જવાબો જાણવા જરૂરી હતી. તે ટીમના ઘણા અંગત મિત્રો પણ મિડલ ઇસ્ટના બોમ્બ બ્લાસ્ટમાં મૃત્યુ પામ્યા હતા. 

રોનાલ્ડ, ગ્રાન્ટ, જેનેટ અને એડમ - આ ચારની ટીમ બધી તપાસ કરવા મિડલ ઇસ્ટ જાય છે. ત્યાંનું કલ્ચર બિહામણું છે. ગમે ત્યારે રસ્તા પર લોકો ગન લઇને નીકળી પડે છે. ગમે ત્યારે હુમલા થવા લાગે છે, કોઇપણ એરિયા સુરક્ષિત નથી. ત્યાંની સ્ત્રીઓ સતત બુરખા પહેરીને ભરે છે. ત્યાની પોલીસ પણ આ આતંકવાદી માનસિકતા ધરાવતા લોકોના એરિયામાં જવાનું ટાળે છે. આ મિડલ ઇસ્ટમાં ઘણા લોકો એવા પણ છે જે અમેરિકાના નાગરિકોના વિરોધમાં છે. કદાચ આ હુમલો તે નફરતનો જ એક ભાગ હોઈ શકે. 

વર્ષોથી ધર્મના નામે - અનેક લોકોના જીવ ગયા છે, હુમલાઓ થયા છે અને વિશ્વની શાંતિ ખોરવાઈ છે. આ મૂવીમાં પણ ધર્મના નામે જ હુમલો થયો છે. આમ તો આ એક્શન મૂવી છે. પણ મૂવીમાં હુમલાઓને લીધે લોકોના જીવનમાં શું અસર થતી હોય છે, લોકોની માનસિકતામાં શું બદલાવ આવી જતા હોય છે, ખાસ કરીને જે લોકોના કુટુંબમાં આ હુમલાઓને કારણે સ્વજનોનું મૃત્યુ થયું છે - આવા અનેક મુદ્દાઓ તમારી લાગણીઓ પર હાવી થઇ જશે. 

કઈ રીતે ચારની ટીમ - અનેક મુશ્કેલીઓનો સામનો કરીને પણ ગુનેગાર સુધી પહોચે છે, કઈ રીતે તેઓ એક મિત્રને પણ ગુમાવી દે છે, કઈ રીતે લોકો ધર્મના નામે તેના કુટુંબના જીવને પણ જોખમમાં મૂકી દેતા હોય છે, કઈ રીતે આવા દેશ કે શહેરમાં રહેતા લોકોના બાળકોનું બાળપણ છીનવાઈ જતું હોય છે અને હાથમાં બોમ્બ અને ગન આવી જતી હોય છે, કઈ રીતે ન્યાય મેળવવો અઘરું છે - ન્યાય મળ્યા પછી પણ ગુમાવેલું પાછું નથી આવવાનું - તે તમે આ મૂવીમાં જોઈ શકશો.

૨૦૦૭માં આવેલ મૂવી જૂનું જરૂરથી કહી શકાય પણ તેમાં અભિનેતાઓ ઉત્તમ છે. રોનાલ્ડનું પાત્ર પ્રખ્યાત અભિનેતા જેમી ફોકસ દ્વારા અભિનીત છે, ગ્રાન્ટનું પાત્ર પણ જાણીતા અભિનેતા ક્રિસ કૂપર દ્વારા અભિનીત છે. જેનીફર ગાર્નર અને જેસન બેટમેન જેવા ઉત્તમ અભિનેતા આ મૂવીમાં છે. જો કે તમને હોલીવુડ મૂવી જોવાનો શોખ હશે તો જ આ જ નામ જાણીતા લાગશે. બાકી તો તમે આ મૂવી જોશો પછી અભિનેતાને ઓળખતા થઇ જશો. 

એક્શન મૂવી છે. તેથી એક્શન મૂવી જોવા ગમતા હોય તો જ આ મૂવી જોવું. આ મૂવીમાં કોઈ મજાક કે રોમાન્સ નથી. લાગણીઓ અને એક્શન છે. તેથી હળવા મૂવી જોવાની ઈચ્છા હોય તો આ મૂવી લિસ્ટમાં રાખવું. નેટફ્લીક્સ પરથી તમે આ મૂવી જોઈ શકશો.