ધ કિડ્સ આર ઓલરાઈટ
હાલમાં ગે રાઈટ્સ મળી ગયા તે ખુશીમાં સોશિયલ મીડિયામાં તો ફોટોગ્રાફ્સનો વરસાદ થઇ રહ્યો છે. જયારે અમેરિકામાં તો આ આઝાદી ઘણા સમયથી મળી ગઈ હતી. તો ચાલો હું તમને આજે એક સાવ સામાન્ય પણ મસ્ત મજાની વાર્તા કહું.
જુલ્સ નામની સુંદર સ્ત્રી તેના લગ્નજીવનનો અંત કરીને નીક નામની સ્ત્રી સાથે લેસ્બિયન રિલેશનશિપમાં આવી જાય અને તેમાં પાછા જુલ્સના બે બાળકો પણ હોય - જેની અને લેસર. હાલના યુવાનોને માતા-પિતાથી કઈ ને કઈ વાંધો તો હોય જ છે. તેમાં પણ તમે કલ્પના કરો કે એક સાથે બે મમ્મી હોય તો કેવી હાલત થાય?
બસ આ મૂળને લઈને જ જેની અને લેસરના પિતાની એન્ટ્રી થાય. પોલ - કે જે પોતાની જાતને શોધવામાં વ્યસ્ત હોય. બસ મુવીના મુખ્ય પાત્રો તો આટલા જ છે. કઈ રીતે ફેમીલી રીયુનીયન થાય, કઈ રીતે બાળકો તેના માતા-પિતાને અને આ નવા સંબંધોને સમજતા થાય, કઈ રીતે નીક અને જુલ્સને પોતાના સંબંધો વિશે સમજાય - આ બધું જ તમને આ મુવીમાં જોવા મળશે.
મુવીના પાત્રોની વાત કરું તો જુલ્સ - પ્રખ્યાત અભિનેત્રી જુલીયન મુર દ્વારા અભિનીત છે. પોલનું પાત્ર બધાનો ચહીતો માર્ક રફેલો દ્વારા અભિનીત છે. આ મુવી ચાર વાર ઓસ્કાર માટે નોમીનેટ થયું પણ હજુ સુધી મેળવી શક્યું નથી. આમ છતાં એકવાર તમે આ મુવી જોશો એટલે જરૂર બીજા લોકોને જોવાનું કહેશો. તો ચાલો જાણીએ શું શીખવે છે આ સરળ મુવી:
૧ દુઃખ
તમે ઘણીવાર એવું સાંભળ્યું હશે કે તમે એ જ લોકોને સૌથી વધુ દુઃખ આપો છો જેને તમે સૌથી વધુ પ્રેમ કરો છો. બસ આવું જ કંઈક જુલ્સ, નીક અને તેના બાળકો વચ્ચે પણ થતું રહે છે. અહી વિચારવાનું એ છે કે દુઃખની આપણા જીવનમાં મહત્વતા કેટલી? કારણ કે મારા ઈંગ્લીશના સર હંમેશા કહેતા કે જો જીવનમાં દુઃખ હશે જ નહી તો સુખની મહત્વતા કેમ સમજાશે અને દુઃખ હશે જ નહી તો જીવન કંટાળાજનક થઇ જશે.
૨ બાળકો
હાલમાં યુવાનોમાં એવો ટ્રેન્ડ નીકળ્યો છે કે એક જ બાળક કરવું. અથવા તો બાળકોને એક લાંબાગાળાનું રોકાણ કે પછી જવાબદારીઓનો બોજ માની લેવામાં આવે છે. પણ જો તમે પરણેલા હો તો એક વાર શાંતિથી વિચારજો કે આ બાળકો જ ક્યારેક તમારા લગ્નજીવનને જોડી રાખે છે અને ક્યારેક તૂટતા સંબંધોને બચાવી પણ લે છે. આવું જ કંઇક જુલ્સ અને નીક સાથે પણ થાય છે.
૩ વાસ્તવિકતા
આપણા સમાજમાં લગ્નપ્રથાને બહુ જ મહત્વ આપવામાં આવે છે. પણ આ મુવીમાંથી તમને એક સરસ ફિલોસોફી શીખવા મળશે. આપણે ક્યારેક લગ્નને એટલી હદે માથે ચડાવી દઈએ છીએ કે આપણે આપણી જાતને જ ભૂલી જઈએ છીએ. તેની સાથોસાથ ઊંધું વિચારો - આપણે આપણા વિશે જ એટલું વિચારવા લાગીએ છીએ કે આપણા જીવનસાથી વિશે વિચારવાનું ભૂલી જઈએ છીએ. અથવા તો તેને ટેકન ફોર ગ્રાન્ટેડ લઇ લઈએ છીએ. આ બધા નુકસાનની સાથોસાથ લગ્નજીવન અનેક સુખ પણ લઈને આવે છે. આ સુખ અને દુઃખના સરવાળા બાદબાકી તમને આ મુવીમાં જોવા મળશે.
૪ ઇન્સ્ક્યુરીટી
આપણે જેને સૌથી વધુ પ્રેમ કરતા હોય તે વ્યક્તિને ગુમાવી દઈશું તો - એવો ડર આપણને સૌથી વધુ રહેતો હોય છે. તેના કારણે આપણે અનેક જાતના ઉંધા ચતા ખેલ કરતા હોઈએ છીએ. બસ આવું જ કંઇક જુલ્સ અને નીક કરે છે, સાથોસાથ તેના બાળકો પણ કરે છે. તમે ક્યારેક શાંતિથી વિચારજો કે આ એક ટોક્સિક લાગણી ઘણીવાર કેટલા સુંદર સંબંધોને બગાડી નાખે છે. શું જુલ્સ સાથે એવું થાય છે?
ઘણા સમયથી એવું નિરિક્ષણ હતું કે લોકોને એવા જ મુવી જોવા ગમે છે જેને ઓસ્કાર મળ્યા હોય અથવા તો બહુ વધારે ક્રાઈમ કે રોમાન્સ હોય. આજકાલ તો વળી વેબ સીરીઝના કારણે લોકોની પસંદ પર જાણે ગ્રહણ લાગી ગયું છે. આમ છતાં એટલું જરૂરથી કહીશ કે ક્યારેક ક્યારેક આવા સરળ મુવી જોઈ લેવાથી જીવનમાં ઘણા બદલાવ આવી જતા હોય છે. તેથી એકવાર તો આ મુવી જોવું જોઈએ જ. કઈ નહી તો માર્ક રફેલોને જોવા માટે થઈને જોઈ લો.
આભાર
દર્શાલી સોની