The Irishman

the irishman by darshali soni.jpg

ધ આઈરિશ મેન – જાણવા જેવો ઈતિહાસ!

તમે બોલીવુડનું અમિતાભ બચ્ચનવાળું સરકાર મુવી જોયું હશે. પછી જો તમે હોલીવુડના શોખીન હો તો તમે અલ પચીનોનું ગોડફાધર પણ જોયું જ હશે. હાલમાં જ મેં એક “ડેડી” નામનું અર્જુન રામપાલનું મુવી જોયું. પણ તેની વાત પછી ક્યારેક. ટૂંકમાં કહેવાનો મતલબ એવો છે કે જો તમને આ પ્રકારના ગેગસ્ટર ફેમીલી, રાજકારણના મુવી જોવામાં અને સત્ય શોધવામાં રસ ધરાવતા હો તો “ધ આઈરીશ મેન” મુવી તમને જરૂરથી ગમશે.

જેમ આપણી સરકારમાં સરદાર વલ્લભભાઈ પટેલ, ગાંધીજી, જવાહરલાલ નહેરુથી માંડીને અનેક રાજકારણીઓ થઇ ગયા અને દરેકના જીવનમાં કોઈને કોઈ રહસ્યો રહેલા જ છે. તેના પરથી અનેક મુવી પણ બની રહ્યા છે. તેવી જ રીતે અમેરિકાના રાજકારણીઓમાં કેનેડી, જીમી હોફા, ટોની પ્રો, એન્જેલો, રશ – આવા અનેક મોટા માથાઓ હતા. જેના જીવનની કથામાં રાજકારણ, ક્રાઈમ, મર્ડર, નાણા, સત્તા વગેરે ભરપુર હતા.

આ મુવીની વાત કરું તો મુવીમાં મુખ્ય પાત્રો – જીમી હોફા, રશ, અને ફ્રેંક શીરીન છે. બાકીના ગુંડાઓ અને રાજકારણીઓ અલગ. જે તમને મુવીમાં અનેક પ્રકારના કાંડ કરતા જોવા મળશે. જીમી હોફાનો રોલ મહાન અભિનેતા અલ પચીનો દ્વારા અભિનીત છે અને ફ્રેંક રોબર્ટ દ નીરોએ ભજવેલ છે. મુવીને ત્રણ ભાગમાં દેખાડેલ છે. એક ભાગમાં ફ્રેંક તેના જીવનની વાત કરે છે, બીજા ભાગમાં જીમી હોફાની જીવનકથા દેખાડેલ છે અને ત્રીજા ભાગમાં ફ્રેક, જીમી હોફા અને રશ વચ્ચે બનતી ઘટનાઓ દર્શાવવામાં આવી છે.

તમને મુવી જોવાની મજા એટલે આવશે કારણ કે ફ્રેંક એક ઉત્તમ સ્ટોરીટેલર છે. તે તમને ક્રાઈમના નિયમો સમજાવશે, રાજકારણના નિયમો સમજાવશે અને માનવ સ્વભાવની પણ સમજ આપશે. તો ચાલો જાણીએ શું શીખવે છે – આપણને ધ આઈરીશ મેન:

૧ ધીરજ

જીવનમાં અને ધંધામાં એવા અનેક પડાવ આવતા હોય છે કે જ્યાં તમારી ધીરજની પરિક્ષા લેવાતી હોય છે. મારા મતે ધીરજ કેળવવી એ સૌથી અઘરો અને સારો ગુણ છે. મુવીમાં ફ્રેંક પાસેથી આ ગુણ શીખવા મળશે. જીવનમાં કે પછી તેની સામે ગમે તેવી ઉથલપાથલ થતી હોય – તેની ધીરજ અને નિર્ણય લેવાની સૂઝબુઝ શીખવા જેવી છે.

૨ માનવ સ્વભાવ

દરેક વ્યક્તિ અલગ હોય છે. તેના વિચારો અને માનસિકતા અલગ હોય છે. જયારે ધંધાની વાત આવે ત્યારે વ્યક્તિના શબ્દો પર ખાસ ધ્યાન આપો. કારણ કે તે જેવા શબ્દો વાપરે છે તેના પરથી તેની જરૂરિયાત અને તેનો સ્વાર્થ ખબર પડશે. આ લેશન પણ તમને ફ્રેંક જ સમજાવશે.

૩ કુટુંબ

તમે તમારા જીવનના કોઇપણ વ્યવસાય કે નોકરીમાં હો – તમારા કુટુંબને કઈ રીતે સમય આપવો અને કઈ રીતે તેઓને એક સારી જીવનશૈલી આપવી તે વિચારીને જ કારકિર્દી નક્કી કરો. ફ્રેંક એક સામાન્ય ડ્રાઈવરમાંથી રાજકારણમાં મોટું વ્યક્તિ બની જાય છે અને જીમી હોફા જેવા વ્યક્તિની સૌથી નજીકનું વ્યક્તિ બની જાય છે. પણ તેની સામે તેની ચાર દીકરીઓ અને પત્નીને ન્યાય આપી શકે છે કે નહી તે તમારે મુવીમાં જોવું રહ્યું.

આ મુવી પાંચ વખત ગોલ્ડન ગ્લોબ અવોર્ડ માટે નોમીનેટ થયેલું છે. એમાં પણ જો અલ પચીનો અને રોબર્ટ દ નીરો એક જ મુવીમાં હોય તો તો મુવી જોવું જ રહ્યું. મુવીમાં ઘણા છુપા પાઠો રહેલા છે. જે તમને ધંધામાં અને જીવનમાં જરૂરથી મદદરૂપ થશે. જીમી હોફાનું મૃત્યુ એક રહસ્ય છે. જો કે મુવીમાં તો એક ચોક્કસ એન્ડ આપેલ જ છે. આ મુવી એક પુસ્તક “આઈ હર્ડ યુ પેઈન્ટ હાઉસીસ” પરથી બનેલું છે. તેથી જો તમે સારા વાંચક હો તો આ પુસ્તક પણ વાંચી શકો છો.

આભાર

દર્શાલી સોની