ધ ઇન્ટર્ન – એક તોફાની વૃદ્ધની કહાની
એક હતી કડક બોસ અને એક હતો ડાહ્યો પણ તોફાની ઇન્ટર્ન. ટોમ એન્ડ જેરીની જેમ તેઓ ઝગડતા પણ ખરા અને સુલેહ પણ બહુ જલ્દી થઇ જતી. શું કોઈ ઇન્ટર્ન ક્યારેય બોસનો બેસ્ટ ફ્રેન્ડ કે ગુરુ બની શકે? આના હાથવે દ્વારા અભિનીત જુલ્સ નામક ઓનલાઈન ફેશન કંપનીની બોસ અને રોબર્ટ દ નીરો અભિનીત બેન – જુલ્સના ઇન્ટર્નની કહાની એટલે “ધ ઇન્ટર્ન”. અહી બેન ૭૦ વર્ષનો નિવૃત થયેલ વિધુર છે. નિવૃત્તિ બધાને જ ગમે તેવું જરૂરી નથી. આથી બેનને પણ ખુરાફાતી સુઝે છે આથી તે નોકરીમાં ઇન્ટર્ન તરીકે જોડાય છે અને પછી ખરા તોફાન શરુ થાય છે. શું આજના યુવાનો વૃદ્ધને સમજી શકે છે? શું આજની યુવાપેઢી અનુભવમાં માને છે કે માત્ર દંભમાં જીવે છે? શું ઉમર થકી જ કોઈ વ્યક્તિની લાયકાત માપી શકાય? શું કોઈ સ્ત્રી મોટી કંપની ન ચલાવી શકે? શું કોઈ સ્ત્રી સફળ ન બની શકે? શું સ્ત્રીને તેના કામને પ્રેમ કરવાનો હક નથી? – આવા અનેક પ્રશ્નોનો જવાબ તમને આ મુવીમાંથી મળશે. તો શરુ કરીએ બેનની તોફાની યાત્રા:
૧ અનુભવ ક્યારેય જુનો થતો નથી.
આવડત મોટી કે અનુભવ – આ બાબતને લઈને વર્ષોથી દ્વંદ યુદ્ધ ચાલતું આવ્યું છે. આજની દુનિયા બહુ ઝડપી થઇ ગઈ છે. દરેક દિવસ એક નવો અનુભવ અને એક નવી જ સોચ દુનિયા અંગેની દેખાડે છે. આવા સમયે તમે જ કોઈ કંપનીના માલિક હોય ત્યારે કોઈ કૂપમંડૂક બનવાનું પસંદ કરશો કે અનુભવને મહત્વ આપીને લોકોને એક તક આપશો? બેનને નોકરીની તક મળે છે?
૨ પ્રેમ અને કાર્ય – કાર્ય અને પ્રેમ
માનવી હંમેશા બે જ બાબત માટે ઝઝૂમતો હોય છે – પ્રેમ મેળવવા અને કામ કરીને નાણા કમાવવા. હાલની દુનિયા જ એવી બની ગઈ છે કે પ્રેમ કરતા લોકો કામને મહત્વ આપવા લાગ્યા છે અને જયારે તેને પ્રેમનું મહત્વ સમજાય છે ત્યારે બહુ મોડું થઇ ગયું હોય છે. જુલ્સ તેના કંપનીના કામ અને તેના વિવાહિત જીવનને બેલેન્સ કરવાનો ખુબ જ પ્રયત્ન કરે છે પણ શું તે ખરેખર સફળ થાય છે? શા માટે સ્ત્રીને કામ અને કુટુંબ વચ્ચે એક જ પસંદ કરવું તેવી પરિસ્થિતિમાં મુકવામાં આવે છે?
૩ એકલતા અને એકાંત
લોકોને એકાંત ગમે છે પણ એકલતા ગમતી નથી. તમે જીવનમાં બધું જ હાંસિલ કરી લો પણ અંતમાં તે ખુશી શેર કરવા માટે તમારી પાસે કોઈ ના હોય તો તે ખુશીનો કોઈ મતલબ નથી. બેન પણ કદાચ એકલતાથી કંટાળી ગયા હતા. ઘણીવાર આસપાસ ઘણા લોકો હોવા છતાં એકલતા હોય છે ત્યારે તમે તેમાંથી કઈ રીતે ખુશીની વાટ પકડો છો તે મહત્વનું છે.
૪ સાચો સમય અને સાચી રાહ?
શું જીવનમાં ખરેખર સાચો સમય જેવું કઈ છે? આપણે સાચા સમય, સાચી તક અને સાચા વ્યક્તિની રાહ જોવામાં આખું જીવન કાઢી નાખીએ છીએ. જો બેનએ પણ સ્વીકારી લીધું હોત કે નિવૃત્તિ પછી પણ એક નવું જીવન – એવું કઈ હોય જ નહિ તો શું બેન સફળ ઇન્ટર્ન બન્યા હોત?
૫ સમથીંગ સ્પેશિયલ
આપણે હમેશા બીજા લોકો જેવા બનવા માંગીએ છીએ, બીજાને અનુસરવા માંગીએ છીએ પણ તમારા માંહ્યલામાં ઝાંખીને જોશો તો ખ્યાલ આવશે કે તમે પોતે જ અદભુત છો. તમારી પોતાની અંદર અનેક ખૂબીઓ રહેલી છે. શા માટે બહારની દુનિયામાં હવાતિયા મારવા જોઈએ? બેનએ પોતાની જાતને સમજી અને યુવાઓથી ભરપુર કંપનીમાં કામ કરવાનું શરુ કર્યું.
આમ તો આ મુવીમાં રીડ બીટવીન ધ લાઈન્સ જેવું ઘણું શીખવાનું છે. પણ મહત્વનું એ છે કે તમે જીવનમાં પણ એક સારા ઇન્ટર્ન બની શકો છો કે કેમ?
આભાર
દર્શાલી સોની