ધ ઇન્ફૉર્મન્ટ – રહસ્યનો ખુલાસો
૨૦૦૯માં એક એવું મુવી આવ્યું જેમાં તમને એ જ ખબર નહી પડે કે મુખ્ય પાત્રને સારું કહેવું કે ખરાબ? માર્ક વીટેકર ખેતીના મોટા ધંધામાં વાઈસ પ્રેસિડેન્ટ તરીકે નોકરી કરતો હોય છે. તેની એડીએમ કંપનીમાં પ્રોડક્ટની કિંમત ફિક્સ કરવા માટે બહુ મોટું કૌભાંડ ચાલતું હોય છે. માર્ક વીટેકરનું એક નાનું સુખી કુટુંબ હોય. તેને કોઈ કૌભાંડમાં ફસાવું નથી. તેથી તે એફબીઆઈને મળે છે. અને આ કૌભાંડને છતું કરવા માટે એફબીઆઈને અઢી વર્ષ સુધી મદદ કરે છે. અંતે એડીએમ કંપનીમાં રેડ પડે છે અને કંપનીનું કૌભાંડ યુએસની સામે આવી જાય છે.
મુવીની છેલ્લી પંદર મિનીટ નહી ચાલુ થાય ત્યાં સુધી તમને એવું જ લાગતું હશે કે માર્ક વીટેકર મુવીનો હીરો છે. તે એફબીઆઈને ઇન્ફૉર્મન્ટ બનીને મદદ કરી રહ્યો છે. તે બધી જ મીટીંગના રેકોર્ડીંગ રાખીને એફબીઆઈને આપી રહ્યો છે. પણ છેલ્લી પંદર મિનીટમાં તમને મૂવીનું સત્ય ખબર પડશે. માર્ક વીટેકરનું સત્ય ખબર પડશે. શું માર્ક વીટેકર કૌભાંડનો ભાગ હતો? તેણે પોતે સાડા અગિયાર મીલીયન ડોલરનું કૌભાંડ કર્યું હતું? શું તેને ખોટું બોલવાની આદત હતી? શું માર્કને કોઈ બીમારી હતી? શું માર્કના માતા-પિતા ખરેખર કાર એકસીડન્ટમાં મરી ગયા હતા? શું એક બુદ્ધિશાળી વ્યક્તિ પોતાના ફાયદા માટે કંપનીનું કૌભાંડ બહાર પાડી શકે? શું એક બુદ્ધિશાળી વ્યક્તિ એફબીઆઈને મદદ કરે તો પણ જેલમાં જઈ શકે? આ બધા જ પ્રશ્નોના જવાબ તમને આ મુવીમાંથી મળશે.
૨૦૦૯માં આવેલું ધ ઇન્ફૉર્મન્ટ મુવી બે વખત ગોલ્ડન ગ્લોબ એવોર્ડ્સ માટે નોમીનેટ થયેલ છે. માર્કનું પાત્ર પ્રખ્યાત અભિનેતા મેટ ડેમને નિભાવેલ છે. તમે એવું કહી શકો કે મેટ ડેમનના અનેક ઉત્તમ મુવીઝ જેવા કે ગુડ વિલ હન્ટિંગ, ફોર્ડ વર્સીસ ફરારી વગેરેની જેમ જ આ મુવી પણ વખાણવા લાયક ખરું. મુવીમાં આમ તો મુખ્ય પાત્ર તરીકે માર્ક જ છે. તેની સાથેના એફબીઆઈના બે એજન્ટ બ્રાયન અને રોબર્ટ માર્કને કૌભાંડ છતું કરવામાં મદદ કરે છે. માર્કને બાય પોલર ડીસ ઓર્ડર નામની બીમારી હોય છે.
જયારે યુએસની સામે કૌભાંડ બહાર આવે છે ત્યારે માર્કને એવું લાગે છે કે તેણે લોકોની સામે સત્ય લાવીને હીરોગીરી કરી છે. તેથી તે અનેક પ્રેસમાં પોતાનું ઈન્ટરવ્યું આપવા લાગે છે અને પોતે કઈ રીતે અઢી વર્ષ સુધી એફબીઆઈને મદદ કરી તે જણાવવા લાગે છે. ત્યારે જ એડીએમ કંપનીને માર્કનું સહીની છેતરામણી કરવાનું ઝૂઠ મળી જાય છે. જે માર્ક સમાજની સામે એક મદદગાર હતો તે હવે પોતે જ સરકારની સામે વિરોધમાં આવી જાય છે. લોકો માર્ક પર છેતરામણીનો આરોપ લગાડે છે. તેમજ એડીએમ કંપનીમાં ચાલતું કાળા નાણાનું કૌભાંડ પણ બહાર આવે છે. જેમાં માર્ક ફસાઈ જાય છે. કારણ કે તે પણ આ કાળા નાણાના ધંધાનો ભાગ હોય છે.
ટૂંકમાં એક બુદ્ધિશાળી પણ ખોટું બોલનાર વ્યક્તિ પોતે જ બનાવેલી માયાજાળમાં ફસાઈ જાય છે અને સાથોસાથ બીજા લોકોના કૌભાંડ પણ ખોલી નાખે છે. માર્ક આ બધું પોતાના રોગ બાયપોલર ડીસઓર્ડરના કારણે કરે છે કે બીજા કોઈ કારણથી? તે તમારે મુવીમાં જોવું રહ્યું.
મુવીમાંથી શું શીખશો?- લોકોને પારખતાં. જરૂરી નથી કે તમને જે લોકો જેવા દેખાય છે તેવા જ તેઓ ખરેખર હોય. માર્ક જેવા લોકોને ખબર હોય છે કે લોકોને શું સાંભળવું હોય છે? જેમ કે માર્કને એવી ખબર હતી કે જો તે લોકોને એમ કહેશે કે તેના માતા-પિતા મરી ગયા છે અને તેને દતક લેવામાં આવ્યો છે. તો લોકો તેની સાથે વધુ લાગણીથી જોડાશે. તેથી તેના માતા-પિતા જીવતા હોવા છતાં તે બધા લોકોને એમ જ કહેતો કે તેના માતા-પિતા કાર એકસીડન્ટમાં મરી ગયા છે. ટૂંકમાં અતિજ્ઞાન પણ નુકસાનકારક છે. મુવીના ઘણા સીનમાં માર્ક તેની સાથે વાત કરતો હોય છે. જેના પરથી તેનો સ્વભાવ અને વિચારસરણી ખબર પડે છે. આ મુવીમાં રીડ ઘણું વણકહેલું શીખવાનું છે. લોકોનો સ્વભાવ, વિચારસરણી, નિર્ણયો અને જીવનની રફતાર. મેટ ડેમનની ઉત્તમ એક્ટિંગ માટે થઈને આ મુવી એકવાર જોવું જોઈએ.
આભાર
દર્શાલી સોની