The imitation game

the imitation game by darshali soni.jpg

ધ ઈમીટેશન ગેમ – એક રહસ્યમય સત્યની કહાની

બીજા વિશ્વયુધ્ધનો સમય હતો. જર્મની – અમેરિકન્સ – રશિયન્સ બધા લોકો એકબીજાને હરાવવા માટે કોડ ગેમથી કામ કરી રહ્યા હતા. આ સમયે એક એવું અઘરો કોડ હાથમાં આવ્યો કે જે કોઇપણ દેશ ઉકેલી શકતું નહોતું. ત્યારે જ ગણિતજ્ઞ અને ક્રીપ્ટોએનાલીસ્ટ એલન ટ્યુરીંગની એન્ટ્રી થઇ. હા, આ સત્ય ઘટના એક મુવીથી ઓછી નથી. તેથી જ તો આ મુવી બન્યું અને ઓસ્કાર પણ જીતી ગયું. એલન ટ્યુરીંગ તરફ પાછા આવીએ તો – એક અત્યંત પ્રતિભાશાળી ગણિતજ્ઞ એલન કોડ્સ ઉકેલવા માટે એક મશીન બનાવે છે જેને આપણે હાલમાં કમ્યુટર તરીકે ઓળખીએ છીએ. સૌથી અઘરું મશીન બનાવનાર એલન તેને “ટ્યુરીંગ મશીન” નામ આપે છે.

આ મશીન થકી એલન અને તેની ગણિતજ્ઞોની ટીમ કોડ ઉકેલી શકે છે કે નહી, યુધ્ધ રોકી શકે છે કે નહી  તે જાણવા માટે તમારે મુવી જોવું જ રહ્યું. મુવીમાં બાહોશ ગણિતજ્ઞ એલનનું પાત્ર બેનેડિકટ કમ્બરબેકે નિભાવેલ છે. તેની સાથે અન્ય ગણિતજ્ઞોની ટીમ હોય છે. જેમાં પણ હોલીવુડના ઘણા ઉત્તમ અભિનેતાઓ છે. એલનની સાથે તેની ગર્લફ્રેન્ડ કહી શકાય તેવી જોહન ક્લાર્કનું પાત્ર કીયારા નાઈટલી દ્વારા અભિનીત છે. જો કે મુવીમાં તમે જોશો કે કઈ રીતે એલન તેના વ્યક્તિગતજીવનમાં સફળ થાય છે કે નિષ્ફળ અને કઈ રીતે તેનું હોમોસેકસ્યુઅલ હોવું તેના જીવન પર અસર પાડે છે.

મુવી સત્યકથા પરથી બનેલું છે. કઈ રીતે એલન કોડ બ્રેક કરે છે, કઈ રીતે એકલપંડે જીવતો એલન ટીમમાં કામ કરતા શીખે છે, તેના માટે પ્રેમની ફિલસુફી શું હોય છે, કઈ રીતે સરકાર તેના ઉત્તમ કામ – કોડ બ્રેક કરનાર મશીનને તોડી નાખે છે, એલન પર કેવા આક્ષેપો નાખવામાં આવે છે અને અંતમાં આ ઈમિટેશન ગેમનો અંત શું આવે છે તે જાણવા માટે તમારે આ મુવી જોવું જ રહ્યું.

ચાલો જાણીએ કે કોઈવાર આ પ્રકારની રહસ્યોથી ભરપુર મુવીમાંથી શું શીખી શકાય:

૧ એનિગ્મા

એક મસ્ત શબ્દ છે એનિગ્મા. તેનો મતલબ થાય છે – રહસ્યમય અથવા તો સમજવામાં અઘરું હોય તેવું. એલન જયારે આ રહસ્યમયી અઘરો કોડ ઉકેલવાનો પ્રયત્ન કરે છે ત્યારે તેને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આમ છતાં તે કઈ રીતે લોકોની સામે સત્ય લાવીને જ જંપે છે તે તમે મુવીમાં જોશો. કોઈવાર જીવનમાં જયારે તમે સત્યની ખોજમાં નીકળો છો ત્યારે તમારી સામે અનેક મુશ્કેલીઓ આવશે. ત્યારે બધાનો સામનો કરીને તે અલ્ટીમેટ એનિગ્માને જાણી લેતા શીખો.

૨ સામાન્યને કહો ના!

મુવીમાં એક મસ્ત ડાયલોગ છે – લોકોને ક્યાં સામાન્યમાં રસ છે? લોકોને તો કંઇક હટકે અને અલગ જ ગમે છે. કારણ કે આજના લોકો માટે સામાન્ય કંટાળાજનક બની ગયું છે. જો કે તે સમયમાં એલનનું આ મશીન કોઈ અજુબાથી કમ નહોતું. તમારે સમજવાનું એ છે કે તમે જીવનમાં કે પછી કારકિર્દીમાં કંઇક નવું અને હટકે લાવશો તો બધાને રસ પડશે જ. નક્કી તમારે કરવાનું છે કે તે નવું ક્યારે અને કેવી રીતે લાવવું.

૩ પરિસ્થિતિ

એલનનો એક ડાયલોગ મને બહુ ગમે છે – “જીવનમાં ક્યારેક તમારે તમને જે ગમતું હોય તે નથી કરવાનું હોતું. પણ તમારે જીવનમાં જે તર્કબદ્ધ છે તે કરવાનું હોય છે.” બની શકે જીવનમાં અનેક નિર્ણયો અને એક્શન એવી આવશે જે તમારા મનને જરા પણ નહી ગમતી હોય. પણ સમય અને પરિસ્થિતિની માંગને કારણે તમારે એક્શન લેવા પડતા હશે. તેથી આ ડાયલોગને હંમેશા યાદ રાખો અને જરૂર પડે તેનો અમલ પણ કરો.

૪ સરપ્રાઈઝ

મારા મતે તો જીવન જ એક સરપ્રાઈઝ છે. ક્યારે, કોણ, ક્યાં, કોણ, કોની સાથે, શા માટે અને કેવી રીતે શું થશે આ બધું જ જીવનમાં એક સરપ્રાઈઝથી કમ નથી. ઘણીવાર આપણે જે વ્યક્તિ પાસેથી અપેક્ષા ન રાખી હોય તે વ્યક્તિ જ કંઇક એવું કરી બેસે જેની કોઈએ કલ્પના ન કરી હોય. જેમ કે એલનની ગર્લફ્રેન્ડ જોહન જયારે ૬ મિનીટની પરિક્ષા દેવા માટે આવે છે ત્યારે એલનને ખાતરી હોય છે કે કોઇપણ વ્યક્તિ ૬ મિનીટમાં કોયડો નહી ઉકેલી શકે તેની બદલે જોહન પાંચ મિનીટ અને ચોત્રીસ મિનીટમાં ઉકેલી લે છે. એ જ રીતે કોઇપણ સરકારે વિચાર્યું પણ નહોતું કે એલન આટલો મોટો અને અઘરો કોડ ઉકેલી શકશે. તેથી જ જીવનમાં સરપ્રાઈઝ માટે હંમેશા તૈયાર રહો.

મુવીમાં બધા પાત્રો ઉત્તમ છે, ડાયલોગ ઉત્તમ છે અને જો તમને સત્યકથા પર આધારિત આ પ્રકારના મુવી જોવા ગમતા હોય તો આ મુવી જોવું જ રહ્યું. બની શકે નવા વર્ષની શરૂઆત તમે તમારા જીવનની એક ગેમ બનાવીને કરી શકો અને જીવનરૂપી ગમે જીતી પણ શકો.

આભાર

દર્શાલી સોની