ધ હિલર - એલેકે અને તેની અદભુત શક્તિ
સરળ વાર્તા પણ સુંદર વાત સમજાવતું ૨૦`૧૭માં આવેલ મુવી એટલે ધ હિલર. આ મૂવીનું મુખ્ય પાત્ર છે એલેકે. તે તેના ભાઈના મૃત્યુના દુઃખને સહન નથી કરી શકતો. તેથી તે જુગારના ખોટા રસ્તે ચડી જાય છે. તે એક ઈલેક્ટ્રીકલ રીપેરમેન હોય છે. તેના પર ખૂબ જ દેવું વધી ગયું હોય છે. તેથી એક વખત તેના મામા આવે છે અને એલેકેને કહે છે કે તે તેનું દેવું ભરી દેશે પણ એક જ શરતે. એલેકેએ એક વર્ષ માટે તેના મામાના ગામડે જઈને રહેવું પડશે. એલેકેને આ વાત સામાન્ય લાગે છે. પણ તેને સત્ય શું છે તે ખબર હોતી નથી.
તે જયારે ગામડામાં તેના મામા સાથે જાય છે ત્યારે તેને સાચી વાત ખબર પડે છે કે ત્યાંના લોકો એલેકેને મહાન હિલર માને છે. આ અસમજણ પણ એક છાપાની જાહેરાતની કારણે જ બધા લોકોમાં ઉભી થઇ હોય છે. તેમાં એલેકેની રીપેરમેન તરીકેની જાહેરાતને બદલે બહુ જ હિલ કરી આપનાર તેવી જાહેરાત છપાઈ ગઈ હોય છે. તેથી બધા લોકો તેની પાસે કોઈને કોઈ મુશ્કેલી લઈને આવવા લાગે છે અને એલેકે તેની હિલીંગ કરી આપે તેવી માંગણી કરવા લાગે છે. એલેકેને પોતાની અંદર હિલીંગ શક્તિ રહેલી છે તે જ ખબર હોતી નથી. તેથી તે બધાથી ભાગે છે. ત્યારે જ એક ૧૪ વર્ષની છોકરી અબીગેલ કે જે કેન્સરથી પીડાતી હોય છે તે એલેકેના જીવનમાં આવે છે. એવી આશા સાથે કે તેનું કેન્સર પણ એલેકે દ્વારા હિલ થઇ જશે.
ધીમે ધીમે કઈ રીતે એલેકેને પોતાની હિલીંગ શક્તિ પર વિશ્વાસ આવે છે અને શું ખરેખર તે અબીગેલને હિલ કરી શકે છે કે નહી તે જાણવા માટે આ મુવી જોવું જોઈએ. તો ચાલો જાણીએ એક બગડેલું પાત્ર એલેકે પણ આપણને શું સારું શીખવી શકે:
૧ સ્વજાગૃત
બહારના લોકો આવીને તમને ગમે તેટલું તમારી જાત વિશે સારું કે ખરાબ કહેશે પણ તમે જ્યાં સુધી સ્વજાગૃત બનીને તમારી જાતને નહિ ચકાસો ત્યાં સુધી તમને તમારું સત્ય નહિ સમજાય. એલેકેને પણ જયારે ધીમે ધીમે પોતાની શક્તિની ખબર પડે છે ત્યારે તેને તેની ભૂતકાળની ભૂલોનું પણ ભાન થાય છે અને તે પોતાની જાતને સુધારવાના પ્રયત્નો પણ શરુ કરી દે છે. આ બધું ત્યારે જ શક્ય બને છે જયારે એલેકેમાં સ્વજાગૃત્તતા આવે છે.
૨ વિશ્વાસ
એલેકેને પોતાની હિલીંગની શક્તિ પર વિશ્વાસ જ નથી હોતો. તેની પાસે એવી શક્તિ રહેલી છે તે માનવા પણ તે તૈયાર ન હતો. પણ જયારે અબીગેલ તેનામાં વિશ્વાસનો સંચાર કરે છે ત્યારે ધીમે ધીમે તેને પોતાની શક્તિ પર વિશ્વાસ આવે છે. જરૂરી નથી કે તમને જાતે જ તમારી આવડતનું કે શક્તિનું ભાન થાય અને આત્મવિશ્વાસ વધે. ઘણીવાર કોઈ ઘટના કે વ્યક્તિને કારણે પણ ધીમે ધીમે તમને તમારી પોતાની ઓળખ સમજાય અને છુપી શક્તિઓ સમજાય તેવું બની શકે છે.
૩ ગીફ્ટ
દરેક વ્યક્તિ પાસે કોઈને કોઈ તો ગીફ્ટ રહેલી જ હોય છે. ફર્ક માત્ર એટલો હોય છે કે અમુક લોકોને પોતાની પાસે શું ગીફ્ટ છે તે ખબર હોય છે અને અમુક લોકોને તે ખબર જ નથી હોતી. જેમ કે એલેકેને એ ખબર જ નહોતી કે તેના ફેમીલી પાસે અને પોતાની પાસે પણ હિલીંગની શક્તિ રહેલી છે. પણ જયારે તે ખરેખર પોતાની જાતને સમજવાનો પ્રયત્ન કરે છે ત્યારે તેને પોતાની હિલીંગની ગીફ્ટ વિશે ખબર પડે છે. શું તમને તમારી ગીફ્ટ કઈ છે તે ખબર પડી ગઈ છે?
૪ ચમત્કાર
આજના લોકો ખૂબ જ પ્રેક્ટીકલ બનતા જાય છે. તેઓ કોઇપણ વાતમાં કે ચમત્કારમાં જલ્દીથી વિશ્વાસ કરતા નથી. એલેકેને પોતાની હિલીંગ શક્તિ પર વિશ્વાસ નહોતો. આમ છતાં ધીમે ધીમે તે પોતાની શક્તિ સમજે છે અને અબીગેલને કેન્સરમાંથી મુક્ત કરવા માટે પોતાની હિલીંગ શક્તિનો ઉપયોગ પણ કરે છે. શું એલેકે અબીગેલના જીવનમાં ચમત્કાર સર્જી શકે છે? ખરેખર ચમત્કાર જેવું કઈ હોય છે? હિલીંગ શક્તિથી ખરેખર લોકોને હિલ કરી શકાય કે નહી આવા અનેક પ્રશ્નોના જવાબ તમને આ મુવીમાંથી મળશે. તેથી એક વખત તો આ મુવી જરૂરથી જોવું જોઈએ.
આભાર
દર્શાલી સોની