ધ ગ્રાન્ડ બુધાપેસ્ટ હોટેલ – એક એડવેન્ચર!
આમ તો આ મુવી ૨૦૧૪માં આવેલું છે. મુવીને અત્યાર સુધીમાં ૪ ઓસ્કાર પણ મળી ગયા છે. આટલા સમય પછી આ મુવી શા માટે? તેનો જવાબ સરળ છે. – તેની વાર્તા, તેની સિનેમેટોગ્રાફી અને હોલીવુડના એક એકથી ચડિયાતા અભિનેતાઓ. તો ચાલો જનો યુરોપની એક પ્રખ્યાત હોટેલ પાછળનો ઈતિહાસ અને તેનું એડવેન્ચર.
મુવીના બે મુખ્ય પાત્રો – ગુસ્તાવ એચ – ધ ગ્રાન્ડ બુધાપેસ્ટ હોટેલનો માલિક. અને તેનો લોબી બોય – મુસ્તફા ઉર્ફ ઝીરો. હવે થાય એવું કે ગુસ્તાવ એચ હોટેલના માલિક હોવાની સાથોસાથ વુમનાઈઝર હોય, દુનિયાના અનેક દેશોમાંથી આવતી અને અલગ અલગ ઉંમરની સ્ત્રીઓ તેના પ્રેમમાં હોય. તેમાંની એક અબજોપતિ વૃધ્ધા સ્ત્રી એટલે મેડામ ડી. તે ગુસ્તાવના પ્રેમમાં હોય. જયારે તેણીનું મૃત્યુ થાય ત્યારે સૌથી મોંઘુ અને કિંમતી પેઈન્ટીગ તેણી ગુસ્તાવના નામે કરીને જાય છે.
બસ ત્યાંથી જ રોલર કોસ્ટર રાઈડ શરુ. મેડામ ડીના કુટુંબને એવું લાગતું હોય છે કે ગુસ્તાવે જ તેણીનું ખૂન કર્યું છે. તેથી પોલીસથી માંડીને તેનું કુટુંબ ગુસ્તાવના જીવ પાછળ પડ્યું હોય. ગુસ્તાવ અને તેની હોટેલમાં નવો નવો જોડાયેલો ઝીરો – લોબી બોય આ એડવેન્ચરમાં સાથે હોય. કઈ રીતે ગુસ્તાવ બધાના નાક નીચેથી પેલું પેઈન્ટીગ લઇ જાય, કઈ રીતે તે જેલમાંથી બહાર આવે, કઈ રીતે ઝીરોની ગર્લફ્રેન્ડ અગાથા તેઓને મદદ કરે – તેની વાર્તા એટલે “ધ ગ્રાન્ડ બુધાપેસ્ટ હોટેલ” મુવી.
મુવીમાં આખી વાર્તાની રજૂઆત મસ્ત રીતે કરી છે. એક પ્રખ્યાત લેખક આ ઘટના પર પુસ્તક લખે છે. તેને આ આખી ઘટના ખુદ ઝીરોએ જ જણાવી હોય છે. મુવીની શરૂઆત, મધ્ય અને અંત – ત્રણેય તમને જરૂરથી ગમશે. અબજોપતિ ગુસ્તાવની મિલકત કઈ રીતે એક લોબી બોયને મળે છે અને કઈ રીતે તેઓનું એડવેન્ચર વણાંક લે છે. તે જાણવા માટે મુવી જોવું જ રહ્યું.
૧ મિત્રતા
મુવી પરથી સૌથી મહત્વની વાત તો શીખવાની છે મિત્રતાની. કઈ રીતે હોટેલનો માલિક ગુસ્તાવ અને લોબી બોય ઝીરો – પરમ મિત્રો બની જાય છે. અને કઈ રીતે તેઓ મુશ્કેલીના સમયમાં એકબીજાનો સાથ આપે છે તે જોવા જેવું છે. ઘણીવાર એવું થતું હોય છે કે મિત્રતામાં હોદાઓ કરતા બંને વચ્ચેની સમજદારી મહત્વનો ભાગ ભજવતી હોય છે.
૨ જાતિવાદ – રંગભેદ
જેટલીવાર ગુસ્તાવ અને ઝીરો ટ્રેઈનમાં જતા તેટલીવાર ઝીરોને તેના સ્કીન કલરને લીધે દુશ્મન જ માનવામાં આવતો. આમ પણ આ મુવી યુદ્ધના સમયની વાર્તા જણાવે છે. તો તમને ખબર જ હશે કે તે સમયે રંગભેદ કેટલી મોટી સમસ્યા હતી. ઘણીવાર મુવીમાં મોટી વાતો સાવ સહજતાથી રજૂ કરી દેવામાં આવે છે. જો કે અમેરિકામાં બરાક ઓબામાંનું પ્રેસિડેન્ટ બનવું – કંઇક ફર્ક લાવ્યું કે નહી તે તો આપણે જાણીએ જ છીએ. તમને આ વાતથી શું ફાયદો? – આપણે ભારતમાં રંગભેદ કરતા વધુ જાતિવાદ છે. જે કાઢવાની જરૂર છે જ.
૩ સ્વભાવ અને પ્રેમ
તમે ઘણા લોકોને જોયા જ હશે કે તેઓ બધા લોકો સાથે રૂડ થઈને જ વાત કરે છે. તેની પાછળનું કારણ જાણવાની કોશિશ કરી છે? આ મુવીમાં ગુસ્તાવ જણાવે છે કે – “દરેક વ્યક્તિને પ્રેમ જોઈતો જ હોય છે. પણ તેઓને એવો ડર હોય છે કે તેઓ પ્રેમ હાંસિલ નહી કરી શકે. તેથી જ તેઓ જે મળ્યું જ નથી તે ગુમાવી દેવાના ડરમાં તોછડા બની જાય છે. તેઓને એમ લાગે છે કે આ રીતે તેઓ દુનિયાને કાબુમાં કરી શકશે. હકીકતમાં આવા વ્યક્તિ સાથે બે ઘડી પ્રેમથી વાત કરો તો તેનું નરમ રૂપ બહાર આવી જ જાય છે.”
તમારી આસપાસ આવું કોઈ વ્યક્તિ છે? હોય તો હવે શું કરવું તે તમને ખબર જ છે.
૪ લેખક!
ઘણીવાર લોકોને એવો પ્રશ્ન થતો હોય છે કે લેખકો પાસે આટલી સારી કલ્પનાશક્તિ ક્યાંથી આવતી હશે? તેનો જવાબ આ મુવીમાં આપવામાં આવ્યો છે. મુવીમાં જે લેખક આખું મુવી વર્ણવી રહ્યો છે તે જણાવે છે કે – એકવાર તમે લેખક બની ગયા પછી ઘટનાઓ, અનુભવો અને લોકો તમારી પાસે આપોઆપ આવવા લાગે છે. તેના માટે તમારે ક્યાય ફાંફા મારવા પડતા નથી. સાચું કહું તો તમે દુનિયાને જોવાનો અને અનુભવોને જોવાનો નજરીયો બદલાવી નાખો એટલે આખી દુનિયા તમારા માટે એક પુસ્તક જ છે.
મૂવીની સિનેમેટોગ્રાફીના જેટલા વખાણ કરું તેટલા ઓછા છે. એકવાર તો આ મુવી જરૂરથી જોવું જ જોઈએ.
આભાર
દર્શાલી સોની