ધ ગિવર – આવી દુનિયાનું અસ્તિત્વ હશે તો કેવું?
૧૯૯૩માં એક નવલકથા પ્રકાશિત થઇ હતી. જેનું નામ હતું – “ધ ગિવર.” આ નવલકથામાં એક એવી દુનિયાની કલ્પના કરવાની હતી જેમાં દુઃખ કે દર્દને કોઈ સ્થાન હતું જ નહી. એક એવી દુનિયા જેમાં ખુશી જ હતી, સમાજ બધા નિયમોનું પાલન કરતો હતો, બધી જ પ્રવૃત્તિઓ માટે એક ચોક્કસ સીસ્ટમ હતી જે અનુસરવામાં આવતી. નાના બાળકોનું જન્મથી જ દરેક બાબતોનું નિરિક્ષણ કરવામાં આવતું. તેમજ તેના આધારે જયારે બાળક ભણતર પૂરું કરે પછી તે સમાજમાં તેને શું કામ કરવાનું તે વૃદ્ધ લોકોની એક ટીમ નક્કી કરતી. આખું શહેર એક કેમેરામાં કેદ હોય. તેથી બધી જ ઘટના પર લોકોની નજર રહેતી.
ચોક્કસ પ્રકારના કપડા પહેરવામાં આવતા. ચોક્કસ પ્રકારના જ શબ્દો વાપરવામાં આવતા. અમુક પ્રકારના શબ્દો અને લાગણીઓ જેવી કે પ્રેમ, કુટુંબ, દર્દ, અફસોસ વગેરેને કોઈ સ્થાન નહોતું. દરેક વ્યક્તિના ઘરમાં એક એવું મશીન મૂકવામાં આવ્યું હતું, જેમાંથી લોકોએ દરરોજ સવારે એક ઈન્જેકશન લઈને જવાનું. જેથી તેઓની અંદરની લાગણીઓના સ્ત્રાવ બંધ થઇ જતા હતા.
આવી દુનિયામાં કોઈ દુઃખ, દુર્ઘટના કે દર્દ તો નહોતું, પણ શું આવી રોબોટિક દુનિયામાં સુખનું અસ્તિત્વ હતું કે લોકો જીવનના અમૂલ્ય અનુભવો ભૂલી ગયા હતા અથવા તો લોકોને આ અનુભવોનું અસ્તિત્વ હતું તેવું કહેવામાં જ નહોતું આવ્યું? શું આવા સમાજમાં રહેતા લોકોને ક્યારેય ખબર જ નહોતી પડવાની કે હિંચકા ખાવાનો આનંદ શું છે, બરફમાં લપસીયા ખાવાની મજા શું છે, કોઈને પ્રેમથી સ્પર્શ કરવાનો અનુભવ કેવો હોય છે, ગીત ગાવાનો અને ગીત સાંભળતા સાંભળતા ડાન્સ કરવાનો અનુભવ કેવો છે?
આવી દુનિયા હોય તો કેવું? આ કલ્પનાને તમારી સામે રજૂ કરનાર મુવી એટલે ૨૦૧૪માં આવેl મુવી – “ધ ગિવર.”
મુવીમાં એક કુટુંબને ધ્યાનમાં લઈને વાર્તા વણવામાં આવી છે. જોનાસ નામનો એક હોશિયાર છોકરો. તેના બે મિત્રો – ફિયોના અને એશર. આ ત્રણેય મિત્રોનું ભણતર પૂરું થાય છે. પછી તે સમાજની વૃદ્ધ લોકોની કમ્યુનીટી દ્વારા તેઓને કામ સોંપવામાં આવ છે. એશરને ડ્રોન પાયલોટ બનાવવામાં આવે છે, ફિયોનાને નાના બાળકોનો ઉછેર કરવાની જવાબદારી સોંપવામાં આવે છે. પણ જોનાસને સૌથી અલગ કામ સોંપવામાં આવે છે. તેને સત્તા મળે છે – “ધ રિસીવર” બનવાની. આ રીસીવર બનવું એટલે તે સમાજમાં એક એવો વ્યક્તિ રહેતો હોય છે જેણે જીવનના બધા જ અનુભવો જીવેલા છે અને જોયેલા છે. તે વ્યક્તિને “ધ ગિવર”નો હોદો આપવામાં આવ્યું છે. તેનું કામ કે આ બધી યાદોને પોતાના મનમાં સાચવી રાખવી, ક્યારેય સમાજના લોકો સાથે શેર ન કરવી. જયારે સમાજના લોકો કોઈ મુશ્કેલીનો સામનો કરે ત્યારે આ યાદોની મદદથી તેઓને માર્ગદર્શન પૂરું પાડવું.
જોનાસ આ વ્યક્તિને મળે છે અને રિસીવર તરીકે તેણે ગિવર પાસેથી બધી યાદો મેળવવાની હોય છે. આ પ્રક્રિયામાં જોનાસને સમજાય છે કે તેની દુનિયા કેટલા અમૂલ્ય અનુભવો અને દુનિયાથી દૂર છે. તે લોકોને આ બધું દેખાડવા માંગતો હોય છે અને બીજા લોકો પણ આ અનુભવો જીવે તેવું તે ઈચ્છે છે. પણ બધા ફેરી ટેલ મૂવીની જેમ તેની સામે પણ એવા લોકો આવે છે જે તેને આવું કરતા રોકે છે.
આમ છતાં શું જોનાસ લોકો સુધી આ ન જીવાયેલા, ન અનુભવેલા, ન જાણતા અનુભવો પહોંચાડી શકે છે? તે જાણવા માટે તમારે મુવી જોવું રહ્યું. તમે કલ્પના કરી શકો એવી દુનિયામાં જીવવાનું? કે જ્યાં દર્દ તો નથી પણ સાથોસાથ અન્ય લાગણીઓ પણ નથી.
તમે આ મુવી જોશો ત્યારે તમને સમજાશે કે હાલમાં ટેકનોલોજી અને સોશિયલ મીડિયાને લીધે આપણે એક રીતે તો લાગણી વિહીન જિંદગી જ જીવવા લાગ્યા છીએ. જ્યાં લાગણી કરતા સરખામણી, ધનવાન બનવાની ચાહ અને ભૌતિક સુખ-સમૃદ્ધિને જ સૌથી મહત્વ આપવામાં આવી રહ્યું છે. શું આપણી દુનિયામાં કોઈ જોનાસ આવશે જે ફરીથી આપણને લાગણીઓ અને અનુભવો યાદ કરાવશે કે પછી આપણે પણ આવા જ એક સમાજનો ભાગ બની જઈશું?
શું આપણે ફરીથી શેરીમાં જઈને ક્રિકેટ રમીશું? બધા સાથે બેસીને અલક-મલકની વાતો કરીશું? કે પછી હિંચકા ખાવા જઈશું કે પછી આ બધું આપણા જીવનમાંથી ગાયબ થઇ જશે? તમે શું ઈચ્છો છો?
તમે ઈચ્છો તો દુનિયાને વધુ સારી બનાવી શકો છો. શરૂઆત તમારાથી કરો. શરૂઆત આ મુવી જોઇને કરો. જેથી તમને સમજાય કે જીવનમાં ખુશી અને અનુભવોનું કેટલું મહત્વ છે.