The fundamentals of caring

the fundamentals of caring by darshali soni.jpg

ધ ફંડામેન્ટલ્સ ઓફ કેરીંગ

અમેરિકન લેખક જોનાથન એવીસને ૨૦૧૨માં એક સુંદર પુસ્તક લખ્યું. જેનું નામ છે – “ધ ફંડામેન્ટલ્સ ઓફ કેરીંગ.” આ પુસ્તક પરથી ૨૦૧૬માં એક મુવી બન્યું. આ પુસ્તક અને મુવીમાં કહાની છે બે વ્યક્તિની – ટ્રેવર. એક ટીનેજર કે જે “ડુશેન મસ્ક્યુલર ડીસ્ટ્રોફી” નામના રોગથી પીડાઈ રહ્યો છે. તે ચાલી શકતો નથી. વ્હીલચેરમાં જીવન વિતાવતો હોય છે. તેની સેન્સ ઓફ હ્યુમર ઉત્તમ હોય છે. તેની માતા બેંકમાં નોકરી કરતી હોય છે. ટ્રેવર ક્યારેય તેના પિતાને મળ્યો નથી હોતો. ત્રણ વર્ષની ઉંમરે ટ્રેવરને આ રોગ થાય છે. ટ્રેવર આખો દિવસ ઘરે બેસીને ટીવીમાં “ટ્રાવેલ શો” જુએ છે. અને તેના નાસ્તા અને જમવાના મેનુમાં વર્ષોથી કોઈ જ બદલાવ આવ્યો નથી. તેની માતા ટ્રેવરની કાળજી લેવા માટે જેટલા કેરગીવરની નિમણુક કરે છે તે બધાને ટ્રેવર ભગાડી દે છે. ટ્રેવર ક્યારેય પોતાના ઘરની બહાર નીકળતો નથી. તે માત્ર અઠવાડિયામાં એક વાર અડધી કલાક માટે બગીચામાં જાય છે. ટૂંકમાં ટ્રેવરના એક ટીનએજની જેમ અનેક સપનાઓ હોવા છતાં પોતાના રોગના કારણે એક અલગ જીવનશૈલી અપનાવવી પડે છે. જો કે તેનું જીવન બદલાય છે. તેના માટે એક વ્યક્તિ મહત્વનો ભાગ ભજવે છે. જેનું નામ છે – બેન બેન્જામીન.

બેન બેન્જામીનની વાત કરીએ તો એ હતો તો એક લેખક. પણ તેના દીકરાનું પોતાની જ ભૂલના કારણે કાર એકસીડન્ટમાં મૃત્યુ થાય છે. તેની પત્ની તેની સાથે છૂટાછેડા લેવા માટે  અઢી વર્ષથી પ્રયત્નો કરતી હોય છે. બેન પોતાના જીવનમાં સાવ નાસીપાસ થઇ ગયો છે. તેથી તે કેર ગીવર બનવા માટેનો કોર્ષ કરે છે. જેમાં તેને એક મંત્ર શીખવાડવામાં આવે છે – ALOHA – આસ્ક “પૂછો”, લિસન – “સાંભળો”, ઓબ્ઝર્વ – “નિરીક્ષણ કરો”, હેલ્પ – “મદદ કરો”, આસ્ક અગેઇન – “ફરીથી પૂછો”.

આ નિયમને ધ્યાનમાં લઈને બેન કેર ગીવરની નોકરી શોધવા લાગે છે. અને તેની પહેલી નોકરીમાં તેને મળે છે – ટ્રેવર. કઈ રીતે બેન પોતાના પિતા હોવાની લાગણીઓ, પોતાના દીકરાના મૃત્યુનું દુઃખ, ટ્રેવરનું ચીડચીડુંપણું, તેની મજાક, તેની માતાની ચિંતા, ટ્રેવરના સપનાઓ પૂરા કરવાની ઈચ્છા – આ બધું જ તમને મુવીમાં જોવા મળશે.

ટ્રેવર હંમેશાથી દુનિયાનો સૌથી મોટો ખાડો જોવા જવા માંગતો હતો, એક ગર્લફ્રેન્ડ બનાવવા ઈચ્છતો હતો. જો કે તેના રોગના કારણે તેનામાં એક પણ સપનું પૂરું કરવાની હિંમત નહોતી. આ સમયે બેન તેને રોડ ટ્રીપ પર લઈ જાય છે. આ મુસાફરીમાં ટ્રેવરનું ખાડો જોવાનું સપનું પૂરું થાય છે, એક ગર્લ ફ્રેન્ડ બનાવવાનું, તેની સાથે ડેટ પર જવાનું, અને એક સામાન્ય ટીનેજરની જેમ જીવવાનું સપનું પૂરું થાય છે. રોડટ્રીપમાં ટ્રેવર અને બેનને એક ડોટ નામની છોકરી કે જે ઘર છોડીને ભાગી જવા માંગતી હોય છે, અને એક પ્રેગ્નન્ટ સ્ત્રી પીચીસ મળે છે. બેન તે બંનેને લીફ્ટ આપે છે. કઈ રીતે ડોટ અને ટ્રેવર ડેટ પર જાય છે, કઈ રીતે બેન ટ્રેવરને ડીસકમ્ફર્ટમાંથી કમ્ફર્ટ તરફ લઇ જાય છે તે તમને જોવાની મજા આવશે.

જો કે મુવીમાં અમુક ઈમોશનલ સીન પણ છે જેમ કે ટ્રેવર જ્યારે તેના પિતાને મળવા જાય છે, ડોટ જયારે ટ્રેવરથી અલગ થઈને પોતાના જીવનમાં આગળ વધે છે અને બેન પીચીસને બાળકના જન્મ વખતે મદદ કરે છે. આ મુવી એક મુસાફરી છે. જેમાં તમે સંબંધોનું મહત્વ સમજશો, કાળજીનું મહત્વ સમજશો અને લાગણીઓનું મૂલ્યને સમજશો.

મુવીનો અંત પણ મજેદાર છે. મુવીના ડાયલોગની વાત કરીએ તો બધી જ વાતચીત બહુ સરળ છે. પણ અમુક સીનમાં તમને ટ્રેવરની લાગણીઓ અને ઇચ્છાઓ, બેનનું ટ્રેવરના પિતા હોય એ રીતે ધ્યાન રાખવું જોવા મળશે. મુવીમાં કેરીંગનું મહત્વ એટલે ખાલી બીમાર વ્યક્તિને ખવડાવી પીવડાવી દેવું, સાફ-સફાઈ કરી આપવી એટલું જ નથી. તેની સાથે લાગણીથી જોડાવું, તેની જરૂરિયાતો અને ઈચ્છાઓને સમજવી પણ છે.

આ એક એવું મુવી છે જે તમને લોકોને જોવાનો દ્રષ્ટિકોણ બદલવામાં મદદ કરશે. તમને લાગણીઓ અને કાળજીનું મહત્વ શીખવશે. તમને કોઈ દુઃખ કે આઘાતમાંથી કઈ રીતે ઊગરવું તે પણ શીખવશે. બેન અને ટ્રેવરની રમતિયાળ જોડી જોવા માટે આ મુવી એક વાર જોવું જોઈએ.

આભાર

દર્શાલી સોની