ધ ફાઉન્ડર - સૌથી મોટો રેસ્ટોરન્ટ ધંધો મેકડોનાલ્ડની યશગાથા
રે ક્રોક નામનો સેલ્સમેન - અલગ અલગ રેસ્ટોરન્ટમાં જઈને એક મશીન વેચવાનો પ્રયત્ન કરતો હોય છે. તેને બહુ સફળતા મળતી નથી. આમ છતાં તે પ્રયત્નો કરે રાખે છે. અચાનક જ તે એક એવા રેસ્ટોરન્ટમાં પહોંચી જાય છે જેની સીસ્ટમથી તે ખૂબ જ પ્રભાવિત થાય છે. રે મળે છે બે ભાઈઓને - મેક અને ડીક ડોનાલ્ડ. આ બંને ભાઈઓ ૧૯૫૦ના સમયમાં કેલિફોર્નિયામાં એક નાની એવી જગ્યામાં બર્ગર્સ વેચતા હોય છે. રે તેઓ સાથે કામ કરવાની વાત કરે છે અને મેકડોનાલ્ડની ફ્રેન્ચાઇઝી શરુ કરવાનો કન્સેપ્ટ રજૂ કરે છે. પછીની કહાની તો બધાને ખબર છે. હાલમાં, મેક ડોનાલ્ડની ફ્રેન્ચાઇઝી ૩૧ દેશમાં છે. મેકડોનાલ્ડ એક સફળ રેસ્ટોરન્ટ ધંધાની સાથોસાથ એક સફળ રીઅલ એસ્ટેટ ધંધો પણ સાબિત થાય છે. તો ચાલો જાણીએ શું શીખવાડે છે સફળ ઉદ્યોગપતિ રે ક્રોક:
૧ બ્રાન્ડીંગ
તમારો ધંધો નાનો હોય કે મોટો - બ્રાન્ડીંગ એ ધંધાનું સૌથી મહત્વનું પાસું છે. તમે જોયું જ હશે કે મેકડોનાલ્ડના લોગોથી માંડીને તેની સર્વિસ અને ગ્રાહકોને આપવામાં આવતી સર્વિસ જ તેનું ઉત્તમ બ્રાન્ડીંગ કરી આપે છે. તમારી કંપનીનું બ્રાન્ડીંગ માર્કેટમાં તમારી કંપની વિશે શું છાપ છે તેના પરથી નક્કી થાય છે. તેથી બ્રાન્ડીંગને સૌથી વધુ મહત્વ આપો.
૨ ફ્રેન્ચાઇઝી
ફ્રેન્ચાઇઝીનો કન્સેપ્ટ મેક ડોનાલ્ડ દ્વારા તો સફળ સાબિત થયો જ. ત્યારબાદ અનેક કંપનીએ આ કન્સેપ્ટ અપનાવ્યો. સ્ટારબક્સથી માંડીને સીસીડી હોય કે ટી પોસ્ટ - હવે ફ્રેન્ચાઇઝીનું ચલણ વધતું જાય છે. જો તમારી પાસે પણ કોઈ એવો ધંધાકીય આઈડિયા હોય જેમાં વધુ લોકો સુધી પહોંચી શકાય અને સફળ ફ્રેન્ચાઈઝી ધંધો કરી શકાય તો આ કન્સેપ્ટ અપનાવવા જેવો ખરો.
૩ ગ્રાહકો
કોઈપણ ધંધામાં ગ્રાહકો સૌથી મહત્વના છે. જો તેઓ ખુશ હશે તો જ તમારો ધંધો ચાલશે. મેક ડોનાલ્ડમાં તેઓની સર્વિસ હોય કે પછી ફૂડ હોય કે પછી વ્યાજબી ભાવ હોય - ગ્રાહકોના સંતોષ પર સૌથી વધુ ધ્યાન આપવામાં આવે છે.
૪ ઇનોવેશન
રે આવ્યો તે પહેલાં બન્ને ભાઈઓ માત્ર બર્ગર જ વેચતા હતા. તેઓએ ફ્રેન્ચાઇઝી કન્સેપ્ટ વિશે વિચાર્યું ન હતું. જયારે રેએ તેના ધંધાનો વિકાસ કરવાનું વિચારીને કંઇક ઇનોવેશન લાવવાનું વિચાર્યું. જેથી કરીને મેકડી માત્ર કેલિફોર્નિયા સુધી સીમિત ન રહેતા આખી દુનિયા સુધી પહોંચી શકે.
૫ જીજ્ઞાસા
રે જયારે સેલ્સમેન હતો ત્યારે અનેક રેસ્ટોરન્ટમાં જતો હતો. ત્યાં તે ફૂડનો કોઈ ઓર્ડર આપે એટલે ઘણીવાર સુધી રાહ જોવી પડતી. કોઈકવાર તો તેણે જે ઓર્ડર કર્યો હોય તેના કરતા કંઇક અલગ જ ફૂડ તેને ડીલીવર થઇ જતું. જયારે રે પહેલી વખત મેક ડીમાં જાય છે ત્યારે તે હજુ તો ઓર્ડર આપે જ છે અને તરત જ તેને ફૂડ મળી જાય છે. ત્યારે તે આટલી ઝડપ સર્વિસથી આશ્ચર્યચકિત થઇ જાય છે.
તેને મેક ડીની સીસ્ટમ જાણવાની જીજ્ઞાસા જાગે છે. તેની આ જીજ્ઞાસા જ રેને સફળ મેક ડોનાલ્ડની ફ્રેન્ચાઇઝી શરુ કરવા તરફ લઇ જાય છે. કહેવાનો મતલબ એ છે કે માત્ર એક નાની એવી જીજ્ઞાસાથી પણ રેને બહુ મોટો બીઝનેસ આઈડિયા મળે છે અને તે એક સફળ ધંધાર્થી બની શકે છે.
ધ ફાઉન્ડર મુવીમાં ધંધાના અનેક છુપી શીખો પણ છે જે તમે મુવી જોશો ત્યારે સમજી શકશો. વારંવાર બધા મેક ડોનાલ્ડમાં જતા તો હોઈએ જ છીએ. આ વખતે તેનું મુવી જોઇને મેક ડોનાલ્ડની સફળતા પાછળનું રહસ્ય પણ જાણી લઈએ.
આભાર
દર્શાલી સોની