ધ ડીકટેટર - તોફાની સરમુખત્યારી
કલ્પના કરો કે અમેરિકા જેવા દેશમાં લોકશાહી ના હોય તો? એક તોફાની પાગલ સનકી અને મજાકિયો વ્યક્તિ દેશ ચલાવતો હોય તો? મીડિયા એક જ વ્યક્તિના હાથમાં હોય. ધનિકને વધુ ધનિક અને ગરીબને વધુ ગરીબ બનાવવાની સત્તા તેના હાથમાં હોય, મન પડે ત્યારે કરોડોની ઇવેન્ટ કરવાની, ઈચ્છા થાય તે અભિનેત્રી સાથે સૂવા મળતું હોય, ઈચ્છા પડે તે આતંકવાદીઓ સાથે ડીલ કરવાની - આવો સરમુખત્યારી રાજ કરતો હોય તો?
વેલ, આવી જ કંઇક વાર્તા ૨૦૧૨માં આવેલા "ધ ડીકટેટર" મૂવીની છે. કઈ રીતે આવો શક્તિશાળી વ્યક્તિ અલાદીન નામનો સરમુખત્યારી કિડનેપ થઇ જાય, કઈ રીતે તેને બહાર કાઢવામાં આવે, કઈ રીતે આ સનકી વ્યક્તિ પ્રેમમાં પડે, કેવા મિત્રો તેની આસપાસ હોય અને કેટલા પ્રકારના પાગલપન આ ડીકટેટર કરે છે તે તમને આ મુવીમાં જોવા મળશે. મૂવીનું સૌથી મોટું ટ્વીસ્ટ શેર નહી કરું.
મૂવીની વાર્તા કહેવાનો કોઈ મતલબ નથી. તે ટીપીકલ છે. પણ હાસ્યનો દરિયો આપે એવું મુવી છે. આટલું જુનું મુવી હોવા છતાં તમે ગમે ત્યારે તે મુવી જોશો તો મજા જ આવશે. આમ પણ આજની તણાવભરી જિંદગીમાં બે પળનું હાસ્ય અને ખૂશી કોને ના ગમે?
તેમાં પણ અલાદીનની સાથે નાડાલ, તમીર અને ઝોયા જેવા પાત્રો હોય પછી તો કહેવું જ શું. અલાદીનની દરેક મજાકના ટાઈમીંગ ઉત્તમ છે. મુવીમાં જેટલી ઘટનાઓ દેખાડી છે અને જે રીતે સ્ક્રીપ્ટ બની છે તે તમને જરૂરથી હળવા કરી દેશે. ઘણીવાર એવા મુવી જોવાના હોય છે કે જેમાંથી શીખવા કરતા માણવાનું વધુ હોય છે. આમ છતાં ચાલો જાણીએ એક સરમુખત્યારી અલાદીન આપણને શું શીખવી શકે છે:
૧ બી જુગાડુ
જીવનમાં ગમે તેવી પરિસ્થિતિ સામે આવી જાય. તમારી પાસે કંઇક તો જુગાડ હોવો જ જોઈએ. અહી જુગાડ એટલે નિરાકરણ. તમને દરેક પ્રકારની ખુરાફાતી આવડવી જોઈએ. કારણ કે હસીને નીકળો કે રડીને મુશ્કેલીમાંથી તો પસાર થવાનું જ છે ને. તો પછી શા માટે મોટા જુગાડુ ના બનીએ? એ પણ એવા જુગાડુ કે જેને દુનિયાનો કોઇપણ પ્રશ્ન આપી દેવામાં આવે તેની પાસે તોડ હોય જ. અલાદીન આવા જ હતા. તે અને નાડાલ મળીને અઘરા તોફાનો કરી નાખે છે.
૨ હળવું જીવન, સુખી જીવન
અમુક મુવી જોઇને તમને એવા વિચાર આવે કે આટલા હસી- મજાક કરીને, દરેક મુશ્કેલીઓને સરળ સમજીને અને દુનિયાની પરવા કર્યા વગર જીવન જીવવાની કેવી મજા આવે? હા, તો આ વિચારને અમલમાં પણ મૂકી શકાય. જીવનને બહુ જ ગંભીરતાથી લેવાની જરૂર નથી. કારણ કે બધાને અંતે તો મરવાનું જ છે. તો શા માટે હસતા-રમતા જીવન ના જીવીએ. અલાદીન તમને ખુશહાલ માનસિકતા કેળવતા શીખવશે.
૩ આઝાદી
આ એક એવો અઘરો શબ્દ છે જેના પર દંગલો પણ ઉભા થઇ શકે. આપણો દેશ આઝાદ થયો ત્યારથી માંડીને વિચારોની અને વર્તનની આઝાદીની જંગ સતત ચાલતી જ રહે છે. આવા સમયે તમે એવું કોઈ મુવી જોવો જેમાં લોકશાહીને બદલે સરમુખત્યારીને મહત્વ આપવામાં આવે તો? તેમાં પણ રમુજી અને તોફાની વ્યક્તિને રાજ કરવા દેવામાં આવતું હોય તો? બની શકે તમને હાલની આઝાદી કરતા સરમુખત્યારી સારી લાગવા માંડે.
અહી વાત અલાદીનની નથી. અહી વાત આપણા વિચારોની છે. આપણે આપણા વિચારો અને વાતાવરણથી આઝાદ છીએ? કદાચ નથી. તેથી જ તો આવા રમુજી મુવી જોવા પડે છે. કંઇક એવું જોવું પડે છે જે જીવવાની તમ્મના હોય.
આ બધી સાયકોલોજીમાં પડ્યા વગર જો તમે આરામથી હસીને મોજ લેવા માટે મુવી જોવા માંગતા હો તો આ મુવી જરૂરથી જોવું જોઈએ. આમ પણ મુવીમાં મુખ્ય પાત્ર અલાદીનનું પાત્ર સાચા બેરોન કોહેને નિભાવેલ છે. જેનો અભિનય અદભુત કહી શકાય. તેમજ તમીરનું પાત્ર પ્રખ્યાત બેન કીન્ગ્સ્લીએ નિભાવેલ છે. કોઈવાર રમુજી મુવી જોઈ લેવાથી મન હળવું થઇ જાય છે. તો ચાલો આ રજામાં એમેઝોન પ્રાઈમમાં સીરીઝ જોવાને બદલે આ મુવી જોઈએ લઈએ.
આભાર
દર્શાલી સોની