The Dark Knight

the dark Knight by darshali soni.jpg

                                                               ધ ડાર્ક નાઈટ - બેટમેન

હાલમાં જ રીલીઝ થયેલ એવેન્જર્સના સુપરહીરોઝની તો બહુ વાતો થઇ. ચાલો આજે એક એવા સુપરહીરોની વાત કરીએ જે અંધારામાં એક આશાનું કિરણ લાવે છે. બેટમેન. સૌથી પહેલું બેટમેન મુવી ૧૯૬૬માં આવેલું હતું. બેટમેન સુપરહીરોની સીરીઝમાં અનેક અભિનેતાઓ બદલાયા. વાર્તા તો એ જ રહી. ગોથમ શહેરના દરેક વખતે નવા નવા પ્રકારના વિલનથી બચાવવાનું કામ બેટમેનનું.

ધ ડાર્ક નાઈટ મુવી ૨૦૦૮માં રીલીઝ થયું. તેના ડીરેક્ટર ક્રિસ્ટોફર નોલને ઇન્સેપશન અને ઇન્ટરસ્ટેલર જેવા ઉત્તમ મુવી પણ સિનેમા જગતને આપેલા છે. આ મુવીમાં બ્રુસ વેઈન એટલે કે બેટમેનનું પાત્ર ક્રિશ્ચિયન બેલે નિભાવેલ છે. જોકરનું પાત્ર મુવીને વધુ અસરકારક બનાવે છે. બ્રુસ વેઇનના માતા-પિતા મરી ગયા બાદ તેની દેખભાળ રાખનાર આલફ્રેડનું પાત્ર એક ગુરુ જેવું છે. જે બેટમેનને સાચા સમયે સાચી સલાહ આપતું રહે છે. ૨ ઓસ્કાર વિજેતા મુવી ડાર્ક નાઈટના આ ભાગમાં લ્યુટેનન્ટ ગોર્ડન અને મેયર હાર્વી ભેગા થઈને ગોથમમાંથી ગુનેગારોનો ખાતમો કરવા નીકળે છે. ત્યાં જ જોકર જેવો ખતરનાક ગુનેગાર ગોથમ શહેરમાં તબાહી મચાવી દે છે. બેટમેનની ગર્લફ્રેન્ડ રેચલ, બેટમેન અને હાર્વીનું પ્રણય ત્રિકોણ પણ આ મુવીમાં જોવા મળશે.

બેટમેન કઈ રીતે જોકરને હરાવે છે અને ગોથમને બચાવે છે તે મુવીને વધુ રસપ્રદ બનાવે છે. આમ તો જો તમને સુપરહીરોના મુવીઝ ગમતા હોય તો બેટમેન સુપરહીરો તમને ગમશે જ. આ મુવીની સીરીઝના દરેક ભાગમાંથી કંઇક શીખવા મળે છે. ચાલો જાણીએ આ "ધ ડાર્ક નાઈટ" શું શીખવે છે:

૧ આપણે શા માટે પડીએ છીએ?

જીવનના અનેક તબ્બકામાં નિષ્ફળતા મળે છે. ત્યારે પ્રશ્ન થાય કે શા માટે પડીએ છીએ? ત્યારે આ મુવીમાં બેટમેન શીખવે છે કે આપણે ફરીથી ઉભા કેમ થવું તે શીખી શકીએ એટલા માટે પડીએ છીએ. નિષ્ફળતાનો સામનો નહિ કરો તો સફળતા મેળવતા કઈ રીતે શીખશો? શું બેટમેન જોકરની તબાહી સામે હાર માની લે છે કે ગોથમ શહેરને બચાવી શકે છે?

૨ હીરો કે વિલન

હાર્વીના જીવનમાં જોકરના કારણે એવા સંજોગો ઉભા થાય છે કે તે એક સજ્જન નાગરિક અને મેયર હોવા છતાં દુર્માગે જવા તૈયાર થઇ જાય છે. ખરાબ પરિસ્થિતિમાં પણ જો તમે તમારી સારપ ન ગુમાવો તે જ તો સાચી સફળતા છે. તમે ધારો તો જીવનમાં દુર્માગે જઈને વિલન બનીને પણ જીવન જીવી શકો અને હીરો બનીને જીવવાનો માર્ગ કઠીન છે પણ અશક્ય નથી. તમને થશે કે મુવીમાં હીરો અને વિલન હોય - ખરા જીવનમાં તો એવું કઈ થોડું હોય? - અહી હીરો અને વિલન મતલબ તમારા મનના વિચારો. નકારાત્મક વિચારો હાર્વી પર હાવી થયા તો તે પણ જોકરના માર્ગે ચાલવા લાગ્યો. પણ બેટમેને હાર ન માની. તમારે નક્કી કરવાનું છે કે તમારે કયો રસ્તો અપનાવવો છે.

૩ તમારી આવડતની કિંમત કરો

જોકારનું પાત્ર વિલનનું છે એટલે તેમાંથી કઈ શીખી ન શકાય તેવું પણ નથી. મુવીમાં જોકર એકવાર જણાવે છે કે તમે જે કામમાં પાવરધા હો તે કામ ક્યારેય મફતમાં ન કરો. તમારી આવડતની તમે જ કિંમત નહિ કરો તો બીજા કોઈ ક્યાંથી કરશે?

૪ આયોજન

જોકરના કહેવા મુજબ સામાન્ય લોકો આયોજન મુજબ જ જીવન જીવવા એટલા ટેવાઈ ગયા છે કે તેઓનું આયોજન ગમે તેવું નકામું હોય અને અસરકારક ન હોય આમ છતાં તેઓ તેના જીવનથી સંતુષ્ટ હોય છે. પણ જો આ આયોજનવાળી જિંદગીમાં કોઈ અચાનક અણધાર્યો વણાંક આવે તો સામાન્ય લોકો ગભરાઈ જાય છે. હકીકતમાં જીવન આયોજન મુજબ જીવવું જોઈએ કે પરીસ્થિતિને અનુકૂળ થઈને જીવવું જોઈએ? ગમે ત્યારે જોકરરૂપી વિલન જીવનમાં આવી જશે ત્યારે શું કરશો? આયોજન મુજબ જ ચાલશો?

૫ સાચી પસંદગી

બેટમેને ગોથમ શહેરને બચાવવા માટેની જવાબદારી પૂરી કરવા માટે અનેક નિર્ણયોની પસંદગી કરવાની હોય છે. એ સમયે આલ્ફ્રેડ તેને સમજાવે છે કે બની શકે બેટમેનના નિર્ણયો અને પસદંગીના બધા લોકો ન આવકારે. પણ બેટમેનનું કામ છે સત્યનો સાથ દેવો અને સાચા નિર્ણયોની પસંદગી કરવી. તમારા જીવનમાં પણ સાચા નિર્ણયો લેતા શીખો. લોકો તે ન સ્વીકારે તેવું પણ બને. આમ છતાં બેટમેન કહે છે તેમ - તમારી જાત પર ભરોસો રાખો. તમારા સત્ય પર ભરોસો રાખો.

બેટમેનના દરેક મુવીમાંથી તમને કંઇકને કંઇક શીખવા મળશે. જો તમે અત્યારસુધી એવેન્જર્સના સુપરહીરોના મુવી જ માણ્યા હોય તો હવે બેટમેનના ફેન બનો તેમાં કઈ ખોટું નથી. બની શકે બેટમેન તમારો ચહીતો સુપરહીરો બની જાય.

આભાર

દર્શાલી સોની