The change up

the change up by darshali soni.jpg

ધ ચેન્જ અપ

દરેક વ્યક્તિને પોતાના જીવનથી થોડી ખુશી મળતી હોય છે તો સાથોસાથ થોડી ફરિયાદો પણ હોય જ છે. મોટાભાગના લોકો અન્યના જીવન સાથે પોતાના જીવનની તુલના કરીને પોતાની જાતને કોશતા હોય છે. તમે ઘણીવાર એવું બોલ્યા હશો કે – “મને આ વ્યક્તિ જેવું જીવન મળી જાય તો કેવું? હું આ વ્યક્તિનું જીવન જીવી શકું તો કેવું સારું?” હવે કલ્પના કરો કે તમારી આ ઈચ્છા વાસ્તવિકતામાં બદલી જશે તો? આવું જ કંઇક થાય છે મુવીના બે પાત્રો ડેવ અને મીચ સાથે.

ડેવ અને મીચ બાળપણના લંગોટિયા યાર હોય છે. બન્ને જીવનમાં પોતપોતાની રીતે આગળ વધે છે. ડેવ અન્ય લોકોની જેમ સારી નોકરી કરે છે, જેમી સાથે લગ્ન કરે છે અને તેના ત્રણ બાળકો પણ હોય છે. એક રીતે વિચારીએ તો ડેવનું જીવન આદર્શ કહી શકાય તેવું જીવન છે. જયારે મીચ અભિનેતા બનવા માંગે છે. તેથી તે ઘણા વર્ષોથી એક ઉત્તમ અભિનેતા બનવાના સંઘર્ષમાં લાગેલો છે. એકલો રહે છે, એક સાથે અનેક છોકરીઓને ફેરવે છે, ક્યારેય લગ્ન કરવા નથી માંગતો. તેના પિતા સાથે તેના સારા સંબંધો નથી. પણ તેને તેના જીવનમાં મજા આવે છે. જયારે ડેવના મનમાં પોતાના હાલના જીવનથી ખુશી નથી હોતી. તે મીચ જેવી બિન્દાસ જિંદગી જીવવા માંગે છે. તેને પણ અનેક સ્ત્રીઓ સાથે સેક્સ કરવાની ઈચ્છા હોય છે. તેને પણ બેદરકાર વ્યક્તિ જેવું જીવન જીવવું હોય છે. જયારે મીચના મતે ડેવનું જીવન ઉત્તમ છે. તેની પાસે એવા લોકો છે કે જે તેને પ્રેમ કરે છે અને તેની પરવા કરે છે. બંનેના જીવનની તુલના તેઓના જીવનમાં એક ચમત્કાર લાવે છે.

આ ચમત્કારને નામ આપીશું – ધ ચેન્જ અપ. ૨૦૧૧માં આવેલું આ મુવી ડેવ અને મીચના જીવનની અદલાબદલી વિશે છે. થોડા દિવસ માટે ડેવને મીચનું જીવન જીવવા મળે છે અને મીચને ડેવનું જીવન. આ સમય દરમિયાન ડેવને સમજાય છે કે તે પોતાના કામમાં કેટલો વ્યસ્ત થઇ ગયો છે કે તે પોતાની પત્ની જેમી અને તેના બાળકોને પૂરતો સમય આપી રહ્યો નથી. સાથોસાથ તેને બેચલર લાઈફના જલસા કરવા પણ મળે છે. ડેવ જયારે મીચનું જીવન જીવે છે ત્યારે તેને સંબંધોનું મહત્વ સમજાય છે અને પોતાના કામ પ્રત્યેનું વધુ પડતું સમર્પણ તેને નુકસાની પહોંચાડી રહ્યું હતું તે પણ સમજાય છે.

મીચ હંમેશાથી તેના જીવનમાં બધી જ જવાબદારીઓથી ભાગતો રહ્યો. તે દરેક નવા કામ અને કારકિર્દી શરુ કરીને અડધેથી છોડી દેતો હતો. જયારે મીચને ડેવનું જીવન જીવવા મળે છે ત્યારે તેને સમજાય છે કે એક જવાબદાર વ્યક્તિ બનવું, ઘરના સભ્યોને પ્રેમ કરવો, તેઓનું ધ્યાન રાખવું, ઘરની અન્ય જવાબદારીઓ ઉપાડવી, સારી નોકરી જાળવી રાખવા માટે મહેનત કરવી. આ બધું જ મીચને સમજાય છે.

ડેવ અને મીચના જીવનની અદલાબદલી થાય છે ત્યારે જ તે બંનેને સમજાય છે કે તેઓની પોતપોતાની જિંદગી જ કેટલી સારી હતી અને તેઓ પોતાના જીવનમાં શું બદલાવ લાવી શકે તેમ હતા. ડ્રામા મુવી છે એટલે તમને ચમત્કાર અને મીચ અને ડેવને પોતાનું જીવન પાછું આપવાનો કીમિયો તમને હસાવશે. આ અદલાબદલી દરમિયાન ડેવ અને મીચને એકબીજાની મિત્રતાનું મૂલ્ય પણ સમજાય છે.

મુવીમાં મીચનું પાત્ર પ્રખ્યાત અભિનેતા રાયન રોનાલ્ડ દ્વારા અભિનીત છે. તમે તેને ડેડપુલ મુવીથી ઓળખતા હશો. જયારે ડેવનું પાત્ર જેસન બેટમેને નિભાવેલ છે. મૂવીની વાર્તા બહુ સરળ છે. પણ તેના રીડ બીટવીન ધ લાઈન્સ પાઠ સમજવા જેવા છે. શા માટે વ્યક્તિને પોતાના જીવનથી સંતોષ હોવો જોઈએ, શા માટે વ્યક્તિ પોતાના જીવનમાં ડોકિયું કરીને તેમાં બદલાવો લાવી શકે છે, શા માટે એવું માની લેવામાં આવે છે કે વ્યક્તિ ક્યારેય બદલી ન શકે? શા માટે જીવનમાં માત્ર કારકિર્દીને બદલે વ્યક્તિગત સંબંધો અને ખુશી મહત્વના છે તે તમને આ મુવીમાંથી શીખવા મળશે.

આભાર

દર્શાલી સોની