ધ બકેટ લીસ્ટ -જીને કે હે ચાર દીન!!!
તમને મુવી ટોકના આર્ટીકલ પરથી એવું લાગશે કે અચાનક જ સલમાન ખાનનું જુનું ગીત ક્યાંથી અહી આવી ગયું? વળી મૂવીનું કવર જોઇને એમ લાગશે કે મોર્ગન ફ્રીમેનનું આવું તે વળી કયું મુવી - જે તમે હજુ સુધી નથી સાંભળ્યું. વેલ, ૨૦૦૭માં આવેલું ડ્રામા મુવી કે જે તમને જીવન જીવતા શીખવાડી જશે તે મૂવીનું નામ છે - ધ બકેટ લીસ્ટ.
હા, અહી બકેટ લીસ્ટ - એટલે પાણીની ડોલ નહી. બકેટ લીસ્ટ - એટલે તમારા જીવનની એવી ઇચ્છાઓનું લીસ્ટ કે જે તમે મૃત્યુ પામો તે પહેલાં પૂરું કરવા માંગતા હો. આ બકેટ લીસ્ટને તમે વિશ લીસ્ટ પણ કહી શકો છો. મૂવીની વાત કરું તો - એક સામાન્ય કલ્પના કરવાની છે. માની લો કે તમને જીવનના બુઢાપામાં એમ ખબર પડે કે તમે કેન્સરથી મરી જવાના છો. તેથી તમે અંતિમ જીવન સારી રીતે જીવાય તે માટે હોસ્પિટલમાં દાખલ પણ થઇ જાવ. અને અચાનક જ તમને એક ખુરાફાતી વિચાર આવે. મરતા પહેલાં - જીવનની બધી અધુરી ઇચ્છાઓ પૂરી કરી લેવી. બસ તમે એટલું વિચારીને એક મિત્ર જોડે કેન્સર વોર્ડમાંથી ભાગી જાવ. - બહાર નીકળીને જીવનની ભરપૂર મજા માણો અને અંતે શાંતિથી અંતિમ શ્વાસ લો. બસ આવી જ કંઇક સરળ પણ પ્રેરણા આપનારું મુવી એટલે ધ બકેટ લીસ્ટ.
મુવીમાં આમ જોવા જઈએ તો મુખ્ય બે જ પાત્રો છે - કાર્ટરનું પાત્ર મોર્ગન ફ્રીમેન દ્વારા અભિનીત છે અને એડવર્ડનું પાત્ર જેક નેકોલ્સ્ન દ્વારા અભિનીત છે. બન્ને કેન્સર હોસ્પિટલમાં મળે છે અને ત્યારબાદ બકેટ લીસ્ટ પૂરું કરવાના મિશન પર નીકળી પડે છે. તો ચાલો જાણીએ શું શીખવે છે ધ બકેટ લીસ્ટ:
૧ ખૂશી અને તમે
બંને મિત્રો વાત કરતા હોય છે ત્યારે એક સુંદર ડાયલોગ આવે છે - "શું તમને જીવનમાં ખૂશી મળી? શું તમે કોઈના જીવનમાં ખુશીઓ લાવ્યા?" - કોઈવાર મુવીના ડાયલોગ્સ એટલા સચોટ હોય છે કે જે તમને તમારી જાત વિશે અને તમારા જીવન વિશે વિચારવા માટે મજબૂર કરી દે છે. આ મુવીમાં અનેક સીન અને ડાયલોગ તમને તમારા જીવનમાં ડોકિયું કરવાની પ્રેરણા આપશે. તમારી જાતને ઉપરના બે પ્રશ્નો પૂછી જૂઓ.
૨ વિશ લીસ્ટ
જીવનમાં લોકો પોતાના કરિયર ગોલ્સ બનાવશે, ફેમીલી ગોલ્સ બનાવશે. પણ શું તમે ક્યારેય એવું લીસ્ટ બનાવ્યું છે કે જે તમે મૃત્યુ પામો તે પહેલાં જીવી લેવા માંગતા હો. કાર્ટર આવું લીસ્ટ બનાવાની જહેમત તો ઉઠાવે છે પણ તે પૂરું કરવાની તેનામાં હિંમત હોતી નથી. ત્યારે જ એડવર્ડ તેને પ્રોત્સાહન આપીને જીવન જીવતા શીખવાડી દે છે. એવું જરૂરી નથી કે તમને કેન્સર થાય તો જ તમે વિશ લીસ્ટ બનાવી શકો. આજે જ એક લીસ્ટ બનાવો અને તમારા જીવનને જીવવાનું શરુ કરી દો.
૩ મૃત્યુ અને જીવન
આપણને એ સનાતન સત્ય ખબર જ છે કે - જીવનમાં મૃત્યુ નિશ્ચિત છે. તે પછી પોતાનું હોય કે પોતીકા લોકોનું. આવા સમયે આપણે જીવનનો દ્રષ્ટિકોણ બદલાવવાની જરૂર છે. "જીવન એક જ વાર મળે છે તો જીવી લો." આ વાક્યને ધ્યાનમાં રાખીને એડવર્ડ કાર્ટરને જીવન જીવતા અને માણતા શીખવે છે. જો કે આ સૂત્રનો ઉપયોગ તમારા જીવનમાં સારી રીતે કરવો કે ખરાબ તે તમારે નક્કી કરવાનું છે. યાદ રાખો - જીવનમાં તમને મરતા પહેલાં કોઈ અફસોસ ના રહી જાય તેવું જીવન જીવો.
૪ તમે શું કરી રહ્યા છો?
અમુક લોકો જીવન જીવવા ખાતર જીવતા હોય છે. તો વળી અમુક લોકો જીવન શાંતિથી જીવવા માટે ઝઝૂમતા હોય છે. તો ઘણા લોકો જીવનને ઉત્તમ રીતે જીવતા હોય છે. કાર્ટર અને એડવર્ડ તેના જીવનના અંતિમ સમયમાં ખુલીને જીવી લે છે. તમે કેવા પ્રકારનું જીવન જીવવા માંગો છો? તે અત્યારથી જ નક્કી કરી લો.
આ મુવીને ચારથી વધુ એવોર્ડ્સ મળેલા છે અને મોર્ગન ફ્રીમેનના ચહિતા લોકોએ તો આ મુવી જરૂરથી જોવું જોઈએ. તેની વિશ લીસ્ટમાં સ્કાય ડાયવિંગ અને કાર ડ્રાઈવીંગ છે. તમારું વિશ લીસ્ટ અલગ હોઈ શકે. પણ હા, આ મુવી જોશો એટલે એકવાર તો જરૂરથી તમને જીવન મન મૂકીને જીવવાની પ્રેરણા મળશે.
આભાર
દર્શાલી સોની