૧૩ વર્ષના છોકરાની ઇનોવેશન યાત્રા
ઇસ્ટ આફ્રિકામાં મલાવી નામનો એક દેશ. આ દેશમાં આવેલું એક ગામડું જેનું નામ છે વિમ્બે. નાના એવા ગામમાં બધા ખેતી કરીને જીવનનિર્વાહ કરે. વિમ્બે ગામમાં વિલિયમ નામનો ૧૩ વર્ષનો છોકરો તેના પિતા ટ્રાઈવેલ, માતા એગ્નેસ અને બહેન એની સાથે રહેતો હતો. ટ્રાઈવેલ મહેનત કરીને ખેતી કરતો. તે પોતે ભણી શક્યો નહોતો. તેથી વિલિયમને ગામડાની શાળામાં ભણાવવા માંગતો હતો. તેની દીકરીને પણ તે યુનીવર્સીટીમાં મોકલવા માંગતો હતો. માતા-પિતા મહેનત કરીને વિલિયમની શાળાની ફી ભરીને તેને ભણવા મોકલતા હતા. એક વખત ગામમાં દુષ્કાળ પડ્યો. લોકો પાસે પાણી જ નહોતું તો ખેતી કઈ રીતે કરી શકે? તે સમયે નવી નવી લોકશાહી શરુ થઇ હતી. જો કે સરકાર પણ આ ગામડાને કોઈ રીતે મદદ કરી શકતું નહોતું. થોડી મદદમાં પણ લોકો તો ભૂખ્યા જ રહેતા હતા. દુષ્કાળને કારણે ઘણા લોકો ગામ છોડીને જવા લાગ્યા. ઘણા લોકો ખાવાનું મળે તેથી ખેતર વેચવા લાગ્યા તો ઘણા લોકો લુંટફાટ કરવા લાગ્યા.
ટ્રાઈવેલ પાસે ૬૦ દિવસ ચાલે તેટલા નાણા હતા અને મકાઇનો પાક હતો. પણ આ પાક પણ અમુક લોકો આવીને લુંટી ગયા. વિલિયમની શાળામાં ફી ભરવા માટે નાણા નહોતા. એનીને યુનીવર્સીટી મોકલવા માટે પણ નાણા નહોતા. કુટુંબે દિવસમાં એક જ વાર જમવાનું એવી રીતે જીવવાનું શરુ કર્યું. ૧૩ વર્ષનો વિલિયમ તેના કુટુંબનો આ બધો જ સંઘર્ષ જોઈ રહ્યો હતો. તે તેના પિતાની મદદ કરવા માંગતો હતો. નાનપણથી વિલિયમને વિજ્ઞાનમાં રસ હતો, મશીનરી બનાવવામાં અને તે કઈ રીતે ચાલે છે તે સમજવામાં રસ હતો. તે ગામડાના લોકોના રેડિયો પણ રીપેર કરી આપતો.
૧૩ વર્ષના વિલિયમને એટલું સમજાઈ ગયું હતું કે જો ગામમાં વરસાદ નહી પડે તો ખેતી નહી થાય અને ખેતી નહી થાય તો લોકો ભૂખે મરશે. વિલિયમને કચરાના ઢગલામાંથી એક પાણીનો પમ્પ મળ્યો હતો. તેને વિજ્ઞાનમાં તો રસ હતો જ. તેથી તેણે આ પંપને કઈ રીતે રીપેર કરવો અને કઈ રીતે પવનચક્કી બનાવવી તે શીખવાનું શરુ કરી દીધું. પણ તેની પાસે કોઈ સાધનો નહોતા. તેણે કચરામાંથી વસ્તુઓ ભેગી કરીને અને તેના મિત્રોની મદદથી નાની એવી પવનચક્કી બનાવી. વિલિયમ આ પવનચક્કી બનાવતા પણ શાળાની લાઈબ્રેરીના મેગેઝીનમાંથી શીખ્યો.
તેને નાની પવનચક્કી બનાવવામાં સફળતા મળી. તેથી તેણે તેના પિતાને વાત કરી. તેને ગામ માટે મોટી પવનચક્કી બનાવવા માટે તેના પિતાની સાઈકલ જોઈતી હતી. જેની તોડફોડ કરી અને તેના સાધનોનો ઉપયોગ કરીને મોટી પવનચક્કી બનાવી શકાય. અનેક મથામણ પછી વિલિયમ, તેના મિત્રો, તેના પિતા, અને ગામના લોકોએ પવનચક્કી પણ બનાવી અને વિલિયમે રીપેર કરેલા પંપ થકી પાણી પણ આવ્યું. આ રીતે ગામમાં પાણી આવી જતા લોકો ફરીથી ખેતી કરવા લાગ્યા. દુષ્કાળ દૂર થયો.
૧૩ વર્ષના વિલિયમે પોતાની કારીગરી અને મહેનત થકી ગામના લોકોને એક ઇનોવેશન આપ્યું. હાલમાં પવનચક્કી અને પમ્પ બનાવવા માટે જેટલા સાધનો વપરાય છે તે બધા જ સાધનો વિલિયમ પાસે ન હોવા છતાં તેની પાસે જે કંઈપણ હતું તેમાંથી તેણે સર્જન કર્યું. તેમજ પોતાના કુટુંબની સાથોસાથ આખા ગામને મદદ કરી.
આ મુવી સત્યકથા આધારિત છે. ગામમાં પવનચક્કી બનાવ્યા બાદ વિલિયમ યુનીવર્સીટીમાં ભણવા પણ ગયો અને તેણે પોતાની શોધ માટે પ્રખ્યાતી પ્રાપ્ત કરી. તેની જીવનગાથા પર બ્રાયન મિલર અને વિલિયમે એક પુસ્તક પણ લખ્યું. ત્યારબાદ ૨૦૧૯માં તેના પર મુવી બન્યું. મુવીમાં ટ્રાઈવેલનું પાત્ર ભજવનાર અભિનેતા ચીવેતેલ જીઓફોર ઓસ્કાર વિનર અભિનેતા છે. તેણે મુવી માટે થઈને મલાવી ભાષા પણ શીખી હતી. મુવીમાં દેખાડેલ સ્થળો, લોકોના કપડા, દરેક ડાયલોગ પાછળનું દર્દ, અને જીવનનો સાચો સંઘર્ષ કેટલો કપરો હોય તે જોવા મળશે. મુવીના ડીરેક્ટર પણ ચીવેતેલ જીઓફોર જ છે. તેણે અને તેની ટીમે આટલું ઉત્તમ મુવી બનાવવા માટે અથાગ પ્રયત્નો કર્યા છે. જે તમને મુવીના દરેક સીન અને ડાયલોગમાં દેખાશે.
જો તમારી અંદર વિલિયમની જેમ ખરેખર કંઇક કરી છૂટવાની અને લોકોને મદદ કરવાની ભાવના હોય તો તમે જરૂરથી ધારો તે હાંસિલ કરી શકો છો. આ પ્રકારના મુવી તમને પ્રેરણા આપશે. જીવનમાં સંઘર્ષનું મહત્વ સમજાવશે અને લોકો કેટલી તકલીફમાંથી પણ સંઘર્ષ કરીને સફળતા હાંસિલ કરતા હોય તે સમજાશે. વિલિયમની મહેનત અને ઇનોવેશન જોવા માટે અને પ્રેરણા લેવા માટે જરૂરથી આ મુવી એકવાર જોવું જોઈએ.
આભાર
દર્શાલી સોની