સત્યકથા પર આધારિત ધ બ્લાઈન્ડ સાઈડ
ઓસ્કાર વિજેતા મુવી "ધ બ્લાઈન્ડ સાઈડ" મુવી સત્યકથા પર આધારિત છે. આ મુવી ફૂટબોલ પ્લેયર માઈકલ ઓહારના જીવન પરથી બનેલું છે. તેના પિતા ન હતા અને તેની માતા ડ્રગ એડીકટ હતી. માઈકલનું બાળપણનું જીવન ખૂબ જ ખરાબ વીત્યું. તેણે ફોસ્ટર કેરમાં રહેવાને બદલે તેના મિત્ર સાથે રહેવાનું શરુ કર્યું હતું. તેને પૂરતું ભણતર પણ મળ્યું ન હતું. આથી તેના મિત્રે તેને એક ક્રિશ્ચિયન શાળામાં ભણવા મોકલ્યો પણ તે આફ્રિકન અમેરિકન હોવાના કારણે કોઈ તેને સ્વીકારવા તૈયાર ન હતું. ત્યારબાદ માઈકલ તેના મિત્રનું ઘર છોડીને જીમમાં જ રહેવા લાગ્યો હતો.. તે માત્ર શાળામાં ફૂટબોલ રમતો. તેમાં તેની સારી આવડત હતી. તે જ સમયે તેના જીવનમાં એક ચમત્કારની જેમ પ્રખ્યાત અભિનેત્રી સાન્દ્રા બુલોક દ્વારા અભિનીત લિયાની એન્ટ્રી થાય છે. લિયાનું કુટુંબ ખૂબ જ ધનવાન હોય છે.
લિયા અને તેનો પતિ માઈકલને દતક લેવાનો નિર્ણય કરે છે. તેઓએ તેને ઘરમાં રહેવા માટે આશરો આપ્યો અને તેની ફૂટબોલની આવડત થકી તે જીવનમાં આગળ વધે તે માટે એક કોચની પણ નિમણુક કરી. મિયાની મદદ અને પ્રોત્સાહનના કારણે માઈકલ આગળ વધે છે અને એનએફએલમાં પસંદ પણ થઇ જાય છે. હાલમાં પ્રખ્યાત માઈકલ ઓહાર સુપર બાઉલ ચેમ્પિયન બાલ્ટીમોર રેવનનો સભ્ય પણ છે. ચાલો જાણીએ શું શીખવે છે માઈકલનું જીવન:
૧ અપેક્ષા
જયારે મિયા માઈકલને દતક લેવાનો નિર્ણય કરે છે અને તેને ફૂટબોલમાં આગળ વધારવા માટે મદદ કરવાનું નક્કી કરે છે ત્યારે તેના મનમાં કોઈ અપેક્ષાઓ હોતી નથી. તે કોઈપણ જાતની આશા અને અપેક્ષાઓ વગર જ માઈકલનો સાથ આપે છે. સામાન્ય રીતે લોકો કંઇક આપે તો સામે કંઇક મેળવવાની પણ અપેક્ષા રાખતા જ હોય છે. પણ આ મુવી તો એવું શીખવે છે કે અપેક્ષા વગર આપવાની લાગણી અનોખી છે. મિયા કોઈપણ જાતની અપેક્ષાઓ રાખ્યા વગર તેના દયાવાન સ્વભાવ મુજબ માઈકલને મદદ કરી રહી હતી.
૨ બદલાવ
માત્ર બદલાવના વિચારો કરવાથી કે વાતો કરવાથી જીવનમાં બદલાવ આવતો નથી. બદલાવ લાવવા માટે મહેનત, ફોકસ અને ઈચ્છાશક્તિની જરૂર પડે છે. માઈકલે તેના પાછલા જીવનમાં ભૂખમરો, ગરીબી અને દુઃખનો સામનો કર્યો હતો પણ જયારે તેને ફૂટબોલ રમવાની અને પોતાની આવડત પર કામ કરવાની તક મળી ત્યારે તેણે જ બદલાવને સ્વીકાર્યો અને આગળ વધવા લાગ્યો. મિયાની તેના જીવનમાં એન્ટ્રી થતા માઈકલનું જીવન જ બદલાય જાય છે. તમે વર્તમાન પરિસ્થિતિને સ્વીકારતા થઇ જાવ અથવા તે પરિસ્થિતિને બદલવા માટે પગલા લેવાનું શરુ કરી દો. માઈકલે પણ તેના જીવનના બદલાવને સ્વીકાર્યો.. તમારા જીવનના બદલાવની ચાવી તમારા જ હાથમાં હોય છે.
૩ શીખતા રહો
માઈકલ એ વાત સારી રીતે જાણતો હતો કે તેના કરતા પણ ઘણા સારા પ્લેયર્સ ફૂટબોલમાં હતા જ. કેટલાક ખૂબ મહેનત કરતા તો કેટલાંક તેની આવડતની કિંમત જ ન કરતા. માઈકલને ખબર હતી કે જો તે પૂરતી મહેનત નહિ કરે અને લગનથી ફૂટબોલમાં પાવરધો નહી થાય તો તેના કરતા સારા પ્લેયર્સ આગળ વધી જ જવાના છે. તેથી તેણે સતત પોતાની આવડત પર કામ કરવાનું ચાલુ રાખ્યું. તે સતત શીખતો રહ્યો અને ફૂટબોલમાં આગળ વધતો રહ્યો.
૪ આવડત અને વિશ્વાસ
માઈકલને જયારે અનેક કોચ દ્વારા ફૂટબોલ શીખવાડવામાં આવતું ત્યારે બધા એમ જ કહી દેતા કે તે ક્યારેય ફૂટબોલ શીખી શકે તેમ નથી. તેનામાં આવડત જ નથી. બધા લોકોને શીખવાડવાની રીત અલગ હોય છે. એક વખત મિયા પ્રેક્ટીસ વખતે માઈકલને વ્યક્તિગત જીવનનું ઉદાહરણ આપીને ફૂટબોલનો નિયમ સમજાવે છે અને માઈકલ સારું પરફોર્મન્સ આપે છે. મિયાને માઈકલની આવડત પર વિશ્વાસ હતો - બીજા કોઈ કોચને હોય કે ન હોય. તેથી ધીમે ધીમે માઈકલમાં પણ પોતાની આવડત પર વિશ્વાસ આવી ગયો અને તે એનએફએલમાં સિલેક્ટ થઇ ગયો.
૫ મદદ
મિયા જયારે એક આફ્રિકન અમેરિકન વ્યક્તિ માઈકલને મદદ કરવાનો નિર્ણય લે છે ત્યારે તેને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. સમાજમાં મિયાના આ નિર્ણયને આવકારવામાં આવતો નથી આમ છતાં તે હાર માનતી નથી કારણ કે મિયા માઈકલને મદદ કરીને એક સારું જીવન આપવા ઇચ્છતી હોય છે. જે લોકો મિયાને સમજતા હતા તેના મતે મિયા માઈકલનું જીવન બદલી રહી હતી પણ હકીકતમાં તો મિયાના મતે માઈકલે મિયાનું જીવન બદલી નાખ્યું. મદદ કરવી એક અનોખી લાગણી છે. એક નાની મદદ થકી પણ વ્યક્તિનું જીવન બદલી શકે છે. તેથી મિયાએ બનતી બધી જ મદદ માઈકલને કરી.
મૂવીની વાર્તા તો સરળ છે પણ સાથોસાથ આ મુવીમાં અનેક લીડરશીપના પાઠ પણ શીખવા મળે છે. આ મુવીમાં મિયાનું પાત્ર તમને વધુ પ્રેરણા આપી શકશે. જો તમને સ્પોર્ટ્સને લગતા અને નાની નાની ઘટનાઓ થકી ઘણી સમજ આપી દેતા હોય તેવા મુવીઝ જોવા ગમતા હોય તો આ મુવી જરૂરથી જોવું જોઈએ.
આભાર
દર્શાલી સોની