ધ બીગ શોર્ટ – માર્કેટના જ્યોતિષોની કહાની
મથાળા પરથી એમ ન માની લેતા કે આ તો કોઈ આધ્યાત્મિક જ્યોતિષોનું મુવી છે. હા, એક રીતે જોવા જોઈએ તો આ મુવી શેર બજારના જ્યોતિષીઓનું મુવી છે. એવા ગણિતના જીનીયસ લોકોનું કે જે આવનારી તેજી કે મંદીને બધાની પેલા ભાખી શક્યા હતા. ૨૦૦૮ના સમયમાં યુએસમાં ખતરનાક મંદી આવી હતી. જેના કારણે હજારો લોકોની નોકરી ગઈ હતી. તેમજ રીઅલ એસ્ટેટનું માર્કેટ પણ પડી ભાંગ્યું હતું. આવું થશે – યુએસનું અર્થતંત્ર પડી ભાંગશે, બેંકના લોકો જ ત્યાના નાગરિકો સાથે અનેક પ્રકારની લોન અને બોન્ડ દ્વારા છેતરામણી કરી રહ્યા છે – આ બધી જ ભવિષ્યવાણી માઈક નામના વ્યક્તિએ ગણિત દ્વારા જાણી લીધી હતી. તેથી તેણે પોતાની જાતને અને પોતાની કંપનીને આ મંદીમાંથી બચાવવા માટે એવા શેર અને બોન્ડમાં રોકાણ કર્યું જેથી તેઓ મિલિયોનર બની જાય. જયારે યુએસનો એક ભાગ આ મંદીને કારણે બેરોજગાર બની ગયું હતું ત્યારે સામે આવા લોકો મિલિયોનર બની ગયા હતા. આમાં માઈક એક જ નહોતો. ધીમે ધીમે આ વાત અનેક લોકો વચ્ચે ફેલાઈ હતી.
મુવીના મુખ્ય પાત્રોની વાત આવશે અહી. – માઈક કે જેની એક આંખ નથી, રોક મ્યુઝીક સાંભળે છે, દિવસોના દિવસો પોતાની ઓફીસમાં જ રહે છે – આવા જીનીયસનું પાત્ર બેટમેનથી પ્રખ્યાત થયેલ ક્રિક્સ્ચેઇન બેલે નિભાવેલ છે. મૂવીનું એક એવું પાત્ર જે પોતાના ધંધા, સ્વાર્થ અને પૈસા માટે કરે છે તેનું નામ છે જેરેડ વેનેટ. જે રાયન ગોસ્લીંગે નિભાવેલ છે. તમે ૧% પણ જેરેડ જેવા વાસ્તવિક જીવનમાં બની જાવ ને તો ધનવાન થઇ જશો. શા માટે તેના માટે મુવી જોઈ લેજો. મૂવીનું ગુસ્સાવાળું, જીવનમાં અઘરા અનુભવોવાળું અને આવી મંદીના સમયે આખા યુએસની ચિંતા કરવાવાળું અને અંતમાં પોતાની પ્રમાણિકતા ને મહત્વ આપી શકે છે કે નહી તે જોવામાં રસ પાડનારું પાત્ર એટલે માર્ક બોમ. આ સિવાય મુવીમાં એક રસપ્રદ પાત્ર તરીકે બ્રાડ પીટ પણ છે.
આ મુવી સત્યકથા આધારિત છે. મુવી ૨૦૧૫માં રીલીઝ થયું હતું અને એક ઓસ્કાર પણ મેળવી ચુક્યું છે. જો કે આ બધા કારણોથી તમારે આ મુવી નથી જોવાનું. મુવીમાં સરકારની ગંદી વાસ્તવિકતા, જીવનમાં મોરાલીટીનું મહત્વ અને બુદ્ધિનું મહત્વ સમજવા માટે આ મુવી જોવાનું છે. તો શરુ કરીએ:
૧ ભવિષ્ય
આજે તમે ગમે તેવા ધંધા કે નોકરીમાં હો – તમને તેના આવનારા પાંચ વર્ષનું ભવિષ્ય ખબર છે? કે પછી તમે દરેક ક્ષણને માણો એવી માનસિકતાથી તમારી કારકિર્દીને જીવી રહ્યા છો? જરૂરી નથી કે તમારા માર્કેટમાં આવા કોઈ ચાર પાંચ લોકો આવશે કે જે તમને ભવિષ્ય જણાવી દેશે અને તમે બચી જશો. એવું પણ જરૂરી નથી કે તમારા માર્કેટમાં કંઇક ખરાબ થશે જ. સમજવાનું એ છે કે તમારી કારકિર્દી વિશે તમે જ સજાગ થાવ. તમારા માર્કેટ, સમાજ અને તમારા દેશના અર્થતંત્ર વિશે તમે જ સજાગ થાવ અને જરૂરી એક્શન પણ લો. અથવા તો પછી જેરેડની જેમ પોતાનો ફાયદો કાઢીને જીતી જતા શીખી લો.
૨ વિશ્વાસ
માઈકે જે ભવિષ્ય ભાન્ખ્યું હતું તેના પર કોઈને ભરોસો નહોતો. તેની કંપનીના પાર્ટનરને પણ નહી. બધા લોકો તેની થીયરીને ખોટી ગણી રહ્યા હતા. પણ માઈકને પોતાની જાત પર અને પોતાની બુદ્ધિ પર વિશ્વાસ હતો. જે લોકોને માઈકમાં વિશ્વાસ આવ્યો તે લોકોએ માઈકની થીયરી સ્વીકારી અને અનુસરી પણ ખરી. તમારા જીવનમાં પણ અનેક તબક્કાઓ આવશે. જયારે બીજા લોકોને અથવા તો તમને જ તમારી જાત પર વિશ્વાસ નહી હોય. આવા સમયે માઈક બનો.
૩ પ્રમાણિકતા
જયારે સમાજ વિશે વિચારવાની વાત આવે ત્યારે તમે સ્વાર્થી બનો છો કે પછી સમાજને સાથે રાખીને ચાલવા માંગો છો? અત્યારે આપણા સમાજમાં ભ્રષ્ટાચારથી માંડીને રેપ, નાગરિકતા અનેક બાબતોમાં અરાજકતા ફેલાઈ રહી છે. આવા સમયે તમે એક નાગરિક તરીકે શું સ્ટેન્ડ લેશો? તમારો ફાયદો જ જોઇને નીકળી જશો કે પછી સમાજની સાથે ઉભા રહીને અન્યાયનો સામનો કરશો? આ મુવીમાં જયારે અમુક લોકોને યુએસ અર્થતંત્રનો આટલો મોટો ગોટાળો ખબર પડે છે ત્યારે કોણ સરકારની સામે અવાજ કરે છે? શું તેઓને સાથ આપવામાં આવે છે કે હસી કાઢવામાં આવે છે? તેના માટે મુવી જોઈ લેજો.
કોઈવાર આવા મુવી જોવા જોઈએ. જેથી કરીને પોતાની જાતને અને સમાજને એક નવી નજરથી જોઈ શકીએ.
આભાર
દર્શાલી સોની