ધ આર્ટ ઓફ લવિંગ
આ વાત છે ૧૯૫૦ની આસપાસના સમયની. આ સમયમાં સેક્સને જીવનનો એક ભાગ માત્ર ગણવામાં આવતો હતો. બધાને સેક્સ કરવામાં રસ હતો પણ કોઈ ખુલીને તેના વિશે વાત નહોતું કરતું. આ સમયમાં પોલેન્ડમાં મિખાલીના વિસ્વોત્સકા નામની સ્ત્રી સફળ ગાયનેકોલોજિસ્ટ અને સેકસોલોજિસ્ટ હતી. તેણીએ સેક્સ અને પ્રેમના કન્સેપ્ટને ધ્યાનમાં લઈને એક પુસ્તક પણ લખ્યું – “અ પ્રેક્ટીકલ ગાઈડ ટુ મેરિટલ બ્લીસ”
જો કે જે સમયમાં સેક્સની વાતથી પણ લોકો દૂર ભાગતા હોય એવા સમાજમાં સેક્સ પરનું પુસ્તક તો કોઈ ન જ છાપવા દે ને! આવું જ કંઇક મિખાલીના સાથે થયું. તેણી પોતાની ડોક્ટર પ્રેક્ટીસ ચાલુ રાખવાની સાથોસાથ પોતાના પુસ્તકને પબ્લીશ કરવા માટે મહેનત કરી રહી હતી. જો કે કોઇપણ પબ્લીશર તેનો હાથ પકડી રહ્યું નહોતું. તેઓને પુરુષોના સેક્સ થકી મળતા આનંદ વિશે વાત કરવામાં રસ હતો પણ સ્ત્રીના સેક્સ થકી મળતા ઓર્ગાઝમ વિશે વાત કરવામાં કે પછી વાંચવામાં રસ નહોતો.
અનેક પબ્લીશર્સના દરવાજેથી પાછા ફર્યા બાદ પણ મિખાલીના હાર નથી માનતા. જો કે જે સ્ત્રીઓ પોતાના લગ્નજીવનમાં પોતાની સેક્સ લાઈફથી ખુશ નહોતી તે બધી જ સ્ત્રીઓ આ પુસ્તક વાંચવા માટે તલપાપડ થઇ રહી હતી. મિખાલીના પોતાની ડોક્ટર પ્રેક્ટીસ થકી અનેક સ્ત્રીઓને પોતાની સેક્સ લાઈફ સારી બનાવવામાં અને ગર્ભવતી બનવામાં મદદ કરી હતી. પણ તેણીનો ધ્યેય તો લોકોમાં સેક્સ અને પ્રેમ પ્રત્યે જાગૃતતા લાવવાનો હતો. આ વાત છે ૧૯૫૦ થી લઈને ૧૯૮૦ સુધીની. આ સમયમાં તેણીએ લોકોને સેક્સ અંગેનું જ્ઞાન આપવા માટે, પોઝીશનનું મહત્વ સમજાવવા માટે, સ્ત્રીના આનંદને સમજાવવા માટે અને લોકોના લગ્નજીવનને સેક્સના લીધે પડી ભાંગતા રોકવા માટે અનેક પ્રયત્નો કર્યા હતા.
તેણીએ તેના પુસ્તકમાં પોતાના આટલા વર્ષોનો અનુભવ નાખ્યો હતો. આમ છતાં તેનું પુસ્તક પબ્લીશ થઇ રહ્યું નહોતું. જો કે એક સમય એવો આવે છે કે જયારે તેના પુસ્તકની કોપી માર્કેટમાં વેચાવા લાગે છે. એક સાદી ઝેરોક્ષ કરેલા કાગળની જેમ પણ તેનું પુસ્તક માર્કેટમાં વેચાવા લાગે છે. અનેક સ્ત્રીઓ આવીને તે પુસ્તક ખરીદતી હોય છે. મિખાલીના માર્કેટમાં જાય છે અને આ દ્રશ્ય જુએ છે. તેણીનો ધ્યેય સિદ્ધ થાય છે. તેણી લોકો સુધી આ જ જ્ઞાન તો પહોંચાડવા માંગતી હતી.
પછી મિખાલીનાનું પુસ્તક ૧૯૭૮માં પબ્લીશ થાય છે અને માત્ર પોલેન્ડમાં જે તેની સાત મીલીયન કોપી વેચાઈ જાય છે. પોલીશ લોકોએ જોતજોતામાં આ પુસ્તકને બેસ્ટ સેલર બનાવી દીધું.
આ તો વાત થઇ મિખાલીનાની કારકિર્દી અંગેની. પણ આજના મુવી ટોકમાં આ વાત કેમ? – મિખાલીનાના જીવન પરથી ૨૦૧૭માં એક મુવી આવ્યું – ધ આર્ટ ઓફ લવિંગ. તેથી આજે મિખાલીનાની વાત થઇ.
આ મુવી પોલીશ ભાષામાં છે. તેથી જો તમે આ મુવી જોવાનું વિચારતા હો તો અંગ્રેજીમાં સબટાઈટલ ચાલુ કરીને જોશો. આ મુવીમાં મિખાલીનાના કારકિર્દી જીવનની સાથોસાથ તેના અંગત જીવનને પણ દેખાડવામાં આવ્યું છે.
તેણી લગ્ન તો કરે જ છે. પણ તેના લગ્નજીવનમાં તેણી એક બદલાવ લાવે છે. તેણી પોતાની બહેનપણી વાનડાને લગ્નજીવનમાં સાથ આપવાનું કહે છે. તેના પતિ થકી મિખાલીના અને વાનડા બંને એક એક બાળકને જન્મ આપે છે. જો કે સમય જતા વાનડા આવા આઈડિયાના વિરોધમાં જઈને પોતાના બાળકને લઈને મિખાલીનાનું ઘર છોડી દે છે. મિખાલીના પણ ડિવોર્સ થઇ જાય છે.
પોતાની પુસ્તક પબ્લીશ કરવાની મુસાફરી દરમિયાન મિખાલીના જુરેકને મળે છે. તેણી તેના પ્રેમમાં પડી જાય છે. જો કે આ પ્રેમ પ્રકરણ પણ વધુ સમય ટકતું નથી. કારણ કે જુરેક તેની પત્ની અને તેની દીકરીની જવાબદારી છોડી શકે તેમ નહોતા.
મિખાલીનાનું વ્યક્તિગત જીવન તમને આ મુવી જોયા બાદ આંટીઘુટીઓવાળું લાગશે. પણ તેણીએ કારકિર્દીમાં પોતાનો ધ્યેય હાંસિલ કર્યો જ. તેણી માત્ર ગાયનેકોલોજિસ્ટ જ ન બની રહી, તેણીએ પોતાના પુસ્તક થકી પોલીશ લોકોની સેક્સ લાઈફ જ બદલી નાખી. વર્ષો સુધી આ પુસ્તકોને ઘણી પ્રખ્યાતી મળી. હાલમાં આ પુસ્તક અંગ્રેજીમાં પણ ઉપલબ્ધ છે. મિખાલીનાનો વિચાર સરળ હતો – તેણી ઇચ્છતી હતી લોકો પ્રેમમાં સેક્સનું મહત્વ સમજે અને સેક્સને ખરા અર્થમાં માણે. તેથી જ તો તેણીએ આ પુસ્તક લખ્યું હતું.
આજનો સમાજ અને તેના વિચારો બદલાઈ ગયા છે. જો તમે પણ આ નવા સમાજમાંના જ એક હો તો આ મુવી એકવાર જરૂરથી જોવું જોઈએ.