Suicide Squad

suicide squad by darshali soni.jpg

સુસાઈડ સ્કાવડ - પાગલોની વીરતા!

અત્યાર સુધી તમે એવા મુવીઝ જ જોયા હશે જેમાં હીરોને સૌથી વધુ મહત્વ આપવામાં આવતું હોય. પણ કલ્પના કરો કે એવું મુવી જોવાનું આવે જેમાં ૮ વિલનને મહત્વ આપવામાં આવે તો? ઘણીવાર ડેવિલ પણ સારપ દેખાડી શકે છે. તેના માટે જ આ મુવી લેવાનું મન થયું - સુસાઇડ સ્કાવડ. ૮ ખતરનાક લોકોની એવી ગેંગ કે જે એક યુનિવર્સની સૌથી ખરાબ શક્તિ - વિચને હરાવીને દુનિયાને બચાવી લે.

દરેક વિલનની અલગ અલગ ખૂબી છે. વિલ સ્મિથ - કે જે હીટમેનના નામે ઓળખાય છે - તે નિશાનચૂક ગોળીબાર કરી શકે છે. ત્યારબાદ એક અગ્નિ છોડી શકે તેવો વ્યક્તિ. જેને હલ્કની જેમ ક્યારેક જ ગુસ્સો લેવડાવાય. પછી એક પાગલ છોકરી કે જે જોકર જેવા વિલનના પ્રેમમાં હોય. ત્યારબાદ એક વિચિત્ર લાગતો પણ અત્યંત શક્તિશાળી વિલન કે જે ગમે તેને માત આપી શકે. એક કોન મેન કે જેનું એક જ ધ્યેય - ચોરી કરવી. એક જાપાનીઝ છોકરી કે જે ચાકુના ઉપયોગથી ગમે તેવા વ્યક્તિને મારી નાખે. આ બધાની સાથે એક પોલીસ કે જે બધાનો ઉપયોગ કરીને દેશને બચાવવા માંગે. અંતમાં આ બધાને જેલની બહાર કાઢનાર એક શક્તિશાળી સ્ત્રી. કે જેને બચાવવા યુનિવર્સની ખરાબ શક્તિ સામે યુદ્ધ કરવામાં આવે.

બસ આવા અજીબ અને ખતરનાક લોકોથી બનેલું મુવી એટલે સુસાઈડ સ્કાવડ. તમને એમ થશે કે આવા વિલનના મુવીમાંથી શું શીખવાનું? ૨૦૧૬માં આવેલું આ મુવી પણ તમને કંઇક તો શીખવે જ છે ચાલો જાણીએ:

૧ નબળાઈ

દરેક વ્યક્તિની કોઈને કોઈ નબળાઈ તો હોય જ છે. જેમ વિલ સ્મિથની નબળાઈ તેની દીકરી હતી. અને પાગલ છોકરી હાર્લીની નબળાઈ તેનો પ્રેમ જોકર હતો. તમારી કારકિર્દીમાં પણ અનેક એવા તબક્કા આવશે જેમાં તમને સામેવાળાની નબળાઈ કે જરૂરિયાત ખબર પડી જાય તો તમે ધારો તે કામ કરાવી શકો. જો કે આ ટેકનીકનો ઉપયોગ ત્યારે જ કરવો જયારે બીજો કોઈ રસ્તો કામમાં આવે તેમ ના હોય.

૨ પ્રેમ

પ્રેમની કોઈ વ્યાખ્યા હોતી નથી. તેની કોઈ મર્યાદા હોતી નથી. તેમાં કોઈ પરિણામોની ચિંતા હોતી નથી. જયારે તમે બે વિલન - હાર્લી અને જોકરની પ્રેમકથા જોશો અને તે બંનેનો ભૂતકાળ જોશો ત્યારે તમને આ વાત વધારે સાચી લાગશે. એટલું જ નહી એ ૮ વિલન વચ્ચેની મિત્રતા અને તે લોકો વચ્ચેનો પ્રેમ અને તેના માટે તે બધાએ લીધેલા એક્શન - પણ તમને જરૂરથી પ્રેમનું મહત્વ સમજાવશે.

૩ પાગલપન

જીવનનો કોઈ તબક્કો એવો આવતો હોય છે કે જયારે તમને એવું લાગે કે ગંભીરતાથી જીવી લેવામાં પણ કોઈ મજા નથી. ક્યારેક પરિણામો, પરિસ્થિતિની પરવા કર્યા વગર પાગલ જીવન જીવવામાં પણ મજા રહેલી છે. ક્યારેક પાગલ બની જવાથી જીવન થોડું સરળ બની જાય તેવું પણ લાગશે. તમને એમ થશે કે વિલન પાસેથી પાગલપન થોડું શીખાય? - હા, શીખાય કારણ કે તમે સારા હો કે ખરાબ દુનિયાને તેનાથી કોઈ ફર્ક પડતો નથી. તેને માત્ર ફેર પડે છે - તેનો સ્વાર્થ સધાય છે કે નહી. આ આઠ વિલન ગમે તેવા ખરાબ હતા પણ તેઓનું પાગલપન જ તેમને જીવનમાં સારું કામ પણ કરાવડાવે છે અને લોકોને મદદ પણ કરાવે છે. આમ પણ કહેવાય છે ને કે દુનિયામાં સારા અને ખરાબ બન્નેનું અસ્તિત્વ હોવું જરૂરી છે.

આ મુવીને એક ઓસ્કાર મળી ગયો છે. મુવીમાં બધા જ સારા અભિનેતાઓ છે. દરેક પાત્ર પાછળની વાર્તા તમને મુવીના બીજા ભાગોમાં અને ડીસીની અન્ય સીરીઝમાં પણ જોવા મળશે. જોકરનો રોલ જેરેડ લેટો એક પ્રખ્યાત સિંગરે કરેલ છે. જો કે જોકરને ન્યાય તો અનેક અભિનેતાઓ આપી શક્યા છે અને અનેક નહી. તેની વાત પછી ક્યારેક. જો તમારે કોઈવાર ખરાબમાંથી સારું શીખવાનું મન થાય તો આ મુવી જરૂરથી જોવું જોઈએ.

આભાર

દર્શાલી સોની