Stan & Ollie

stan and ollie by darshali soni.jpg

સ્ટેન એન્ડ ઓલી – લોરેલ અને હાર્ડીની કોમેડીના ધુરંધરોની કહાની!

ઘણા વર્ષોથી સિનેમા બદલાઈ રહ્યું છે. વાત ખાલી બોલીવુડ કે હોલીવુડ કે અન્ય સિનેમાની નથી. આખી દુનિયામાં જેટલા પ્રકારના સિનેમા છે તે બધામાં સમય સાથે બદલાવ આવતો ગયો છે. પણ એક વાત જરૂરથી કહી શકાય કે ચાર્લી ચેમ્પ્લીનથી લઈને લોરેલ અને હાર્ડીનો એક જમાનો હતો. જો તમને કોમેડીમાં રસ હોય અને તેમાં પણ તમે લોરેલ અને હાર્ડી નામના બે કોમેડી પાત્રોથી પરિચિત હો તો તમને આ મુવી જરૂરથી ગમશે.

અમેરિકન સિનેમામાં ૧૯૨૭ થી લઈને ૧૯૫૫ સુધી સ્ટેન અને ઓલીની જુગલબંધી અત્યંત પ્રખ્યાત હતી. તેઓએ સાથે મળીને બે પાત્રોને જન્મ આપ્યો – લોરેલ અને હાર્ડી. તેઓએ અનેક કોમેડી એક્ટ કર્યા અને લાઈવ ટુરસ પણ કરી. આ બંને કોમેડી પાત્રોના સાચા નામ સ્ટેન અને ઓલી હતા. દુબળો પતલો અને થોડા વિદ્રોહી વિચારોવાળા સ્ટેન અને ઉત્તમ ગીતો ગાઈ શકે અને સ્ટેનનો સૌંથી ઉત્તમ કોમેડી જોડીદાર એટલે ઓલી.

બંનેએ પોતાના જીવનકાળ દરમિયાન અનેક કોમેડી એક્ટ સાથે કર્યા. બધાને તેની લોરેલ અને હાર્ડીની પ્રખ્યાતી ખબર છે. પણ આ મુવી તેઓના સત્ય જીવન પર નજર નાખે છે. તેઓના વ્યક્તિગત જીવનમાં એક સેલીબ્રીટી તરીકે શું ચડાવ-ઉતારો આવ્યા, તેઓની મિત્રતામાં શું થયું અને કઈ રીતે તેઓએ પોતાના જીવનના અંત સુધી કામ કર્યું તેની વાત રજુ કરતું મુવી એટલે – “સ્ટેન એન્ડ ઓલી.”

આ મુવી ૨૦૧૮માં આવ્યું. મૂવીની શરૂઆત સ્ટેન અને ઓલીની ભવિષ્યની વાતો પરથી થાય છે. તેઓ ઘણા સમયથી એક્ટ કરી રહ્યા છે. તેઓને હવે પોતાનું મુવી બનાવવું છે અથવા તો પોતાના કામમાં નાણા વધુ મેળવવા છે. એક સમય એવો આવે છે કે ઓલી સ્ટેનની બદલે બીજા અભિનેતા સામે લોરેલ અને હાર્ડીનું પાત્ર નિભાવે છે. આ મૂવીનું નામ ઝેનોબીયા છે. આ વાતને કારણે સ્ટેન અને ઓલીની મિત્રતા તૂટી જાય છે. તેઓની જુગલબંધી તૂટી જાય છે.

ઘરડા થયા બાદ ઓલી અને સ્ટેન ફરીથી સાથે મળીને ટુર કરવાનું નક્કી કરે છે. તેઓ અનેક દેશમાં જઈને શો કરે છે. આ સમયે ઓલીની તબિયત બગડે છે. આમ છતાં તે અમુક શો સ્ટેન સાથે પૂરા કરે છે. મિત્રતા તૂટી ગઈ હોવા છતાં તેઓ શા માટે ફરીથી ભેગા થયા? તેઓનું કયું અધૂરું સપનું તેઓ પૂરું કરવા માંગતા હતા?  શું તેઓનું સપનું પૂરું થયું? શું ઓલીની નિવૃત્તિ બાદ સ્ટેન ક્યારેય પરફોર્મ કરે છે? આ ટુર દરમિયાન તેઓની મિત્રતાનું મહત્વ બંનેને કઈ રીતે સમજાય છે? – આ બધા જ પ્રશ્નોના જવાબ મેળવવા માટે મુવી જોવું રહ્યું.

ચાલો જાણીએ શું શીખવે છે અમેરિકન સિનેમાની મહાન કોમેડી જોડી:

૧ મિત્રતા

આ વાત મેં ઘણા મુવી ટોક્સમાં કરી છે. તમે બોલીવુડમાં કે હવે પછીના હોલીવુડના કલાકારોનો અભ્યાસ કરશો તો ખ્યાલ આવશે કે જેવી મિત્રતા સ્ટેન અને ઓલીની હતી, જેવી જુગલબંધી કરીને તે ઈતિહાસ રચી શક્યા તેવા લોકો હવે નથી જોવા મળતા. શા માટે હવે મિત્રતા સ્વાર્થથી ભરેલી થવા લાગી છે? શા માટે હવે આવી જુગલબંધીઓ ધંધામાં કે અન્ય કોઈ ક્ષેત્રોમાં નથી જોવા મળતી? શું આપણને ઓલી અને સ્ટેન મિત્રતાની એક નવી પરિભાષા શીખવાડી જશે?

૨ કામનું સમર્પણ

ઓલી અને સ્ટેન તેની વૃદ્ધાવસ્થા દરમિયાન પણ સતત કામ કરતા રહે છે. ઓલીની તબિયત બગડી ગઈ હોવા છતાં તે છેલ્લું પણ ઉત્તમ પરફોર્મન્સ આપે છે. ઓલી નિવૃત્તિ લઈ લે છે આમ છતાં સ્ટેન તેના માટે સ્ક્રીપ્ટ્સ લખતા રહે છે. તેઓ સાથે જ નિવૃત્તિ લઇ લે છે. પણ તેઓનું કામ મૂકતા નથી. અભિનેતાઓ અને આર્ટના લોકો માટે પોતાનું કામ તેનો ધર્મ હોય છે. તેઓ માટે કામ પ્રત્યેનું સમર્પણ સૌથી વધુ મહત્વનું હોય છે. ઓલી અને સ્ટેન માટે પણ કામનું એટલું જ મહત્વનું હતું.

આ મુવીને ઘણા એવોર્ડ્સ મળ્યા છે. કોઈવાર સત્ય કથા આધારિત મુવી જોવાથી એ સમજાય છે કે – દુનિયામાં લોકો પોતાના કામને કેટલું મહત્વ આપતા હતા. અને આ બધા જ લોકો ઈતિહાસ શા માટે બની ગયા? હવે શા માટે આવા લોકો નથી હોતા? અથવા તો હોય તો તેઓ ઈતિહાસ શા માટે નથી બનાવી શકતા. સ્ટેન અને ઓલીના ઉત્તમ પરફોર્મન્સની ઝલક અને જીવનની ઝલક માણવા માટે આ મુવી જરૂરથી જોવું જોઈએ.

 

આભાર

દર્શાલી સોની