આત્મા, મૃત્યુ પછીની દુનિયા, જીવનનો હેતુ – આવું જ કંઇક
માનવી વર્ષોથી એવી કલ્પના કરતો આવ્યો છે કે મૃત્યુ પછી એક અલગ દુનિયા છે જેને તે સ્વર્ગ કે નર્ક કે આફ્ટર લાઈફ કે યુનિવર્સ કે ભગવાનનું ધામ જેવા અનેક નામો આપે છે. આ મૃત્યુ પછીની દુનિયા કેવી હશે તેની કલ્પના કરીને અનેક મુવીઝ બનાવવામાં આવ્યા છે. કોઈ મુવીમાં મૃત્યુ પછીની દુનિયાને સફેદ બેકગ્રાઉન્ડની દુનિયા અને સફેદ રંગના કપડા પહેરેલા ભગવાન દેખાડવામાં આવે છે તો વળી ભારતીય સંસ્કૃતિની તો વાત જ શું કરવી – ભગવાનના મહેલો, તેના પાત્રો – તેના પર પણ અનેક મુવીઝ બનેલા છે. પણ અત્યાર સુધીમાં જો કોઈ મુવી આફ્ટર લાઈફની દુનિયાને અત્યંત રસપ્રદ, સુંદર, જિજ્ઞાસાથી ભરપૂર, અનોખી રીતે રજૂ કરી શક્યું હોય તો તે એનીમેટેડ મુવી છે – “સોલ”
૨૦૨૦માં પિક્સર દ્વારા નિર્મિત આ મુવી ત્રણ વખત ઓસ્કાર માટે નોમીનેટ થઇ ચૂક્યું છે. જો તમે અનેક પ્રકારનું વાંચન કરેલું હશે, અનેક લોકોની ફિલોસોફી સાંભળેલી હશે તો તમને આ મુવીમાં અનેક ધર્મો, અનેક ફિલોસોફી, ઓશોના વિચારો, અને કેટલાક સત્યોની ઝલક જોવા મળશે. એક એવું મુવી જેમાં બધાનો નિચોડ સુંદર રીતે વાર્તામાં વણીને રજૂ કરેલો છે.
જો નામનો એક જેઝ પીયાનીસ્ટ મુવીનું મૂખ્ય પાત્ર છે. તેને મહાન બનવું હતું પણ અંતે તે જેઝનો એક શાળામાં શિક્ષક બનીને રહી જાય છે. સ્વાભાવિક છે કે તે તેના આવા જીવનથી ખુશ નથી. તે કોઈ એવી તક, એક ગીગની તલાશમાં હોય છે જે તેની કિસ્મત ચમકાવી દે. તક મળે પણ છે અને ત્યાં જ આવે છે વાર્તાનું ટવીસ્ટ – તે ગીગમાં પહોંચી શકે તે પહેલા જ “મૃત્યુ” પામે છે અને આફટર લાઈફમાં પહોંચી જાય છે.
આ આફ્ટર લાઈફમાં અનેક કન્સેપ્ટને વણી લેવામાં આવ્યા છે – જેમ કે જીવનનો હેતુ શોધવા માટેની લેબ, જીવનનો રસ્તો ભટકી ગયેલી આત્માઓ, પોતાનું વ્યક્તિત્વ પામવાની સફર, આત્મા પર નજર રાખતું યમરાજ જેવું પાત્ર, વાસ્તવિક જીવનની પેલે પાર લઇ જતો દરવાજો, બ્લેક હોલની દુનિયા, આત્મા પરિપક્વ થાય પછી તેને પૃથ્વી પર જવાનો રસ્તો, પૃથ્વી પર રહેતા અધમરેલા લોકોના મનમાં જીવનનો હેતુ નાખવાનો કીમિયો – આ બધું જ અનોખી રીતે જોવાની મજા આવશે.
જો પૃથ્વી પર પાછો ફરી શકે છે કે નહીં તે જાણવા માટે તમારે મુવી જોવું રહ્યું. મુવીમાં જોનું પાત્ર પ્રખ્યાત અભિનેતા જેમી ફોકસ દ્વારા અભિનીત છે, મૂવીનું અન્ય રસપ્રદ પાત્ર છે – ૨૨. હા, આ પાત્ર પૃથ્વી પર જવા નથી ઈચ્છતું, કોઈ અનુભવો કરવા નથી ઇચ્છતું, તેને પોતાના જીવનનો હેતુ પણ નથી શોધવો, તેને પોતાની આત્માને પણ નથી ઓળખવી, એક એવું પાત્ર કે જેને કોઈ બાબતમાં રસ નથી – જો તેને કેવી રીતે મદદરૂપ થાય છે, જો અને ૨૨ની જોડી પૃથ્વી પર જઈને કેવા તોફાન કરે છે, ૨૨ને પોતાના જીવનનો હેતુ મળે છે કે જીવનનો કોઈ સત્ય સમજાઈ જાય છે – આ બધા જ પ્રશ્નો તમને મુવીમાંથી મળશે. ૨૨નું પાત્ર અભિનેત્રી ટીના ફે દ્વારા અભિનીત છે.
આખું મુવી તમે ધ્યાનથી જુઓ તો દરેક સીન કંઇક શીખવાડે છે, તમને જીવન પ્રત્યે, વિચારો અને ફિલોસોફી પ્રત્યે સજાગ કરે છે, જીવનમાં સપનાઓ હાંસિલ થઇ ગયા બાદ માનવી કેવું અનુભવે છે, માનવી જીવનને કેટલું અવગણી નાખે છે, શું જીવનનો ખરેખર હેતુ હોય છે પણ ખરો? આપણે શા માટે જીવનની નાની પળોમાં મળતા આનંદને માણવાનું ચૂકી જઈએ છે – આવા અનેક વિચારો તમારી સામે આવશે. દરેક ઉંમરના વ્યક્તિ માટે આ મુવી ઉત્તમ છે. નેટફ્લીક્સમાં અનેક પ્રકારની સિરીઝ જોવામાં સમય નાખીએ જ છીએ તો ક્યારેક આવા મુવી પણ જોઈ લેવા જોઈએ જે તમારા જીવનમાં કંઇક પ્લસ કરી જશે – માત્ર મનોરંજન નહીં આપે.