Silver linings playbook

silver liningS playbook by darshali soni.jpg

સિલ્વર લાઈનીંગ પ્લેબુક ક્રેઝી લવ સ્ટોરી

કલ્પના કરો – બે ગાંડા પ્રેમમાં પડે તો શું થાય?  એક જોબલેસ અને જેની પત્નીએ તેને છોડી દીધો છે તેવો ગાંડો પેટ અને જેનો પતિ મરી ગયો છે તેવી ગાંડી ટીફનીની કહાની એટલે “સિલ્વર લાઈનીંગ પ્લેબુક”. કોઈપણ મુવીમાં બે દુઃખી લોકો ભેગા થાય તો પ્રેમમાં પડે તે બહુ સામાન્ય વાત છે. પેટ જોબલેસ હતો અને તેની પત્ની નીકીએ તેની સાથે દગો કર્યો આથી તેને મેન્ટલ હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યો હતો. અનેક થેરાપીઓ પછી પેટ જયારે તેના માતા પિતા સાથે રહેવા જાય છે ત્યારે જ તેને આ ગાંડી ટીફની મળે છે. પેટ તેની પત્નીના દગાને કારણે મેન્ટલ બની ગયો છે. જયારે ટીફની તેનો પતિ ટોમી મરી ગયો તેને કારણે મેન્ટલ બની ગઈ હોય છે. અહી એક વાત વિચારવા જેવી છે કે જયારે માનવીના જીવનમાં કોઈ મોટી દુઃખદ ઘટના બને ત્યારે તે નોર્મલ બનીને નથી રહી શકતો. તેથી આપણો સો કોલ્ડ સમાજ તેને મેન્ટલ ગણે છે.

ફરી પેટ અને ટીફની પર આવીએ તો બંનેમાં ખામીઓ છે. બંને મેન્ટલી ડીસ્ટર્બ છે. બંને પોતાની જાતને સંભાળવાનો પ્રયત્ન કરી રહ્યા છે. બંનેનું કુટુંબ પણ તેઓને સ્વસ્થ કરવા પ્રયત્ન કરી રહ્યું છે. આમ છતાં શું પેટ અને ટીફની મેન્ટલી ઓકે થઇ શકે છે કે તે પોતાની “ડેમેજડ સેલ્ફ”ને સ્વીકારી લે છે?

મુવીના ટાઈટલ પરથી પ્રશ્ન થાય કે “સિલ્વર લાઈનીંગ” એટલે શું? -  “જીવનમાં ગમે તેવી નકારાત્મક કે ખરાબ પરિસ્થિતિ આવે આમ છતાં તે ખરાબ સંજોગોમાં પણ કંઇક સારું જોવાની આવડત એટલે સિલ્વર લાઈનીંગ. “અંધારા પછી અજવાળું આવે છે – એક ઘેરાયેલા વાદળમાં પણ સ્વચ્છ આકાશ દેખાશે તેવી આશા એટલે સિલ્વર લાઈનીંગ” આ મુવીને ઓસ્કાર મળેલો છે. શાંતિથી મૂવીની સ્ટોરી સમજીએ તો પેટ તેની પત્ની નીકીને ભૂલવાના પ્રયત્નની મથામણમાં હોય છે. ટીફનીએ તેના પતિના મૃત્યુના ગમમાં તેની ઓફીસના દરેક કર્મચારીઓ સાથે સંબંધો બાંધ્યા હોય છે. તેથી તે પણ જોબલેસ હોય છે. બંને પોતાના મનની મથામણમાં લડત આપવાનો સતત પ્રયત્ન કરે રાખે છે. એ જ સમયમાં બંનેને જીવનની કેટલીક સિલ્વર લાઈનીંગ જેવી સુંદર બાબતો સમજાય છે: કદાચ આ લેશનસ માટે જ આ મુવી જોવું જોઈએ:

૧ કુદરતનો નિયમ સમજો

જયારે તમે જીવનના ખુબ જ ખરાબ તબ્બકામાંથી પસાર થઇ રહ્યા હો ત્યારે બની શકે તમારી સામે અનેક પરિસ્થિતિ અને વ્યક્તિઓ મુકવામાં આવે જેના થકી તમે મુશ્કેલીમાંથી બહાર આવી શકો. પણ મહત્વની વાત એ છે કે શું તમે યુનિવર્સની આ સાઈન્સ સમજી શકો છો? પેટ પણ પહેલા ટીફનીને એક પાગલ છોકરી સમજીને તેનાથી ભાગતો જ હતો. ત્યારબાદ બંને એક ડાન્સ કોમ્પિટિશનમાં ભાગ લે છે. ડાન્સની પ્રેક્ટીસ માટે સાથે સમય વિતાવવાનું શરુ કરે છે. ત્યારે જ તેઓ એકબીજાને વધુ સારી રીતે સમજી શકે છે. શું પેટ અને ટીફની તેના જીવનમાં આવતી પ્રેમની સાઈનને સમજી શકે છે?

૨ તકના તેડા ન હોય

જયારે પેટ તેની એક્સ વાઈફ – નીકીને ભૂલી નથી શકતો અને હતાશ થઇ જાય છે ત્યારે રોબર્ટ દ નીરો અભિનીત પેટના પિતા પેટને સમજાવે છે : જયારે જીવનમાં પ્રેમરૂપી તક આવે ત્યારે તેને નજરઅંદાજ ન કરવી જોઈએ. માત્ર પ્રેમ જ નહિ કોઈપણ તકને જતી ન કરવી જોઈએ. જો તે ચોક્કસ સમય અને તક એકવાર જીવનમાંથી ચાલ્યો ગયો તો તે બાબતનો જીવનભર અફસોસ રહે છે. ટૂંકમાં “Keep your eyes and heart open”

લોકો શું કહેશેની જાળમાંથી મુક્ત થાવ

સમાજ તમારા વિશે શું વિચારે છે તેના પર બહુ ધ્યાન આપશો તો દુઃખી થશો જ. ટીફની અને પેટના જીવનમાં જે કોઈપણ સંજોગો સર્જાયા તેના કારણે તે મેન્ટલ બન્યા હતા. કોઈપણ વ્યક્તિ પાસે તેના વર્તનના કારણો હોય જ છે. પરંતુ સમાજમાં એક ઘરેડ મુજબ જીવવાનું હોય છે જો તમે એ ઘરેડ મુજબના વ્યક્તિ ના હો તો મેન્ટલ કહેવાશો. પેટ અને ટીફનીને લોકો મેન્ટલ સમજતા અને હા, કોઈવાર તે બંનેની લાગણી પણ દુભાતી. પરંતુ તમે જેવા છો એવા શા માટે છો તે શું સમાજને ખબર છે? તમે સમાજને નથી રોકી શકવાના. તમારા મનને સમજાવી શકશો. પેટ અને ટીફનીને ખ્યાલ જ હોય છે કે તેનું જીવન ગોટાળે ચડ્યું છે અને તે બંનેએ અનેક ભૂલો કરી છે આમ છતાં તે પોતાની જાતને સ્વીકારતા શીખે છે.

૪ તમારી જાતને માફ કરો

માનવી જયારે કોઈ ભૂલ કરે છે ત્યારે તે બીજાને દોષ આપે છે અને બીજાને માફ નથી કરતો. સાથોસાથ તે પોતાની જાતને પણ માફ નથી કરતો. ટીફની આ બાબતે બહુ જ સરસ વાત કરે છે, “આપણી જાતનો અમુક પાર્ટ એવો હશે જ, અમુક મેમરી એવી હશે જ કે જેને કારણે આપણે આપણી જાતને નફરત કરતા હઈશું. પરંતુ તે ખરાબ પાર્ટ સાથે પણ પોતાની જાતને સ્વીકારવી અને પોતાની જાતને માફ કરવી તે ખુબ જ મહત્વનું છે. તમારી જાત પર તો થોડો રહેમ કરો.”

૫ પ્રયત્ન કરતા રહો કદાચ સિલ્વર લાઈનીંગ મળી જાય

જયારે જીવનમાં બધી પરિસ્થિતિમાં અંધકાર દેખાતો હોય ત્યારે પણ તેમાંથી બહાર નીકળવાનો પ્રયત્ન કરે રાખો. ગીવ અપ ન કરો. એવી અનેક ક્ષણો આવે છે જયારે ટીફની અને પેટ પોતાના જીવનની ઘટનાઓથી કંટાળી જાય છે. પરંતુ બંને એકબીજાને મોટીવેટ કરે છે અને એકબીજાના ક્યાંક સિલ્વર લાઈનીંગ છે તેવી આશા આપે રાખે છે. તમને પણ જીવનમાં ક્યારે સિલ્વર લાઈનીંગ મળી જાય તેની કોઈ ખાતરી નથી. તેથી પ્રયત્ન કરતા રહો.

આ લવસ્ટોરી ક્રેઝી છે. પેટ અને ટીફની પણ ક્રેઝી છે. સૌથી મહત્વની વાત તેઓના મતે જીવન જ ક્રેઝી છે. બંને એકબીજાનો સાથ દઈને કઈ રીતે પોતાના જીવનની “સિલ્વર લાઈનીંગ પ્લેબુક” બનાવે છે તેની કહાની એટલે “સિલ્વર લાઈનીંગ પ્લેબુક”. કોઈવાર અજીબ અને ક્રેઝી લવસ્ટોરી પણ તમને ડાહ્યા પાઠો સમજાવી જાય તેવું બને...

આભાર

દર્શાલી સોની