Shutter Island

shutter island by darshali soni.jpg

શટર આઈલેન્ડ - અંધાધૂંધમાં સત્યની શોધ

જો તમને હોલીવુડના મુવીઝ જોવા ગમતા હોય તો લીઓનાર્ડો કેપ્રીઓ અને માર્ક રફેલોને તમે ઓળખતા જ હશો. માર્ક રફેલોને તમે કદાચ એવેન્જરના હલ્ક તરીકે જાણતા હશો. તેમજ લીઓનાર્ડોને ટાઈટેનીક મુવીનો અભિનેતા તરીકે ઓળખતા હશો. આજે એક અલગ મૂવીની વાત કરવી છે. ડાર્ક મિસ્ટ્રી મુવી બધા લોકોને જોવું ગમે તેવું જરૂરી નથી. આમ છતાં ૨૦૧૦માં આવેલા શટર આઈલેન્ડ મૂવી વિશે લખવાનું નક્કી કર્યું. શા માટે? ચાલો જાણીએ:

૧૯૫૪ની વાત છે. એક યુએસ માર્શલ ટેડી પોતાના જીવનમાં એક એવો કેસ હાથમાં લે છે જેનો ઉકેલ શોધવામાં તેનું જીવન જ બદલાઈ જાય છે. એક હોસ્પિટલમાંથી પેશન્ટ ગુમ થઇ જાય છે. તેના માટેનું ઈન્વેસ્ટીગેશન કરવા માટે ટેડી અને તેનો પાર્ટનર ચક દુનિયાની સૌથી અઘરી જેલમાં જાય છે. તે જેલ એક આઈલેન્ડ પર આવેલી હોય છે. એક કેસ ઉકેલવામાં ટેડીને તે જેલમાં ચાલતી અનેક ગંદી અને ખતરનાક પ્રવૃત્તિઓ વિશે ખબર પડે છે.

ટેડી સત્યની શોધમાં તો આવે છે પણ એક સમય એવો આવે છે કે તે પોતે જ એવા દલદલમાં ફસાઈ જાય છે જેમાંથી બહાર નીકળવું અઘરું બની જાય છે. શું ટેડીને પેશન્ટના ગુમ થવા પાછળનું રહસ્ય ખબર પડે છે? શું ટેડી અને તેનો પાર્ટનર ચક જેલનું અને હોસ્પિટલનું ગંદુ સત્ય જાણી શકે છે? શું ટેડી આ બધા જ અનુભવોને કારણે પોતાનું જીવન ગુમાવી બેસે છે? તે ક્યારેય આ અઘરા શટર આઈલેન્ડમાંથી બહાર નીકળી શકે છે? - આ બધા જ પ્રશ્નોના જવાબ તમને આ મુવીમાંથી મળશે.

મૂવીની આખી વાર્તા ન કહેવાનું કારણ તેનું જેનર છે. આ એક એવું મિસ્ટ્રી થ્રીલર મુવી છે જે દરેક વ્યક્તિને ન પણ ગમે. આમ છતાં આવા મુવીમાંથી પણ ઘણું શીખી જ શકાય:

૧ માનવીનું મન અને દર્દ

મુવીમાં એવા અનેક કેદીઓ દેખાડેલા છે - જે માનસિક રીતે પાગલ છે, ગાંડા છે, જનુની છે, ખતરનાક છે, ડરપોક છે. દરેક કેદીની પોતાની એક અલગ વાર્તા છે. દરેક વ્યક્તિ ટેડીને અલગ અલગ સત્ય સમજાવે છે. જેમાંનું એક રેચલ નામનું પાત્ર કહે છે - "આપણું મન જ દર્દને કાબૂ કરી શકે છે."

દર્દ કોઇપણ પ્રકારનું હોય માનસિક કે શારીરિક. આપણા મનમાં આપણે ધારીએ તે કરી શકીએ તેવી તાકત રહેલી છે. ઘણીવાર તમારી સામે જીવનમાં એવી પરિસ્થિતિ આવશે કે દર્દમાંથી નીકળવાનો રસ્તો નહી દેખાય. આવા સમયે તમારા મન પર ધ્યાન આપો અને તમારી જાતને બચાવી લો. શું ટેડી પોતાની જાતને બચાવી શકે છે?

૨ તમે કેવી રીતે જીવશો?

ટેડીનો એક મસ્ત ડાયલોગ છે - "આપણે ધારીએ તો આખું જીવન રાક્ષસ (મોન્સ્ટર) બનીને જીવી શકીએ અને ધારીએ તો એક સારા વ્યક્તિ બનીને મરી પણ જઈએ." હવે નક્કી આપણે કરવાનું છે કે આપણે કેવું જીવન જીવવા માંગીએ છીએ. તમે માનો કે ના માનો - તમારી પાસે જીવનમાં હંમેશા બે વિકલ્પો હોય જ છે. બસ ફર્ક માત્ર - તમે કયો વિકલ્પ પસંદ કરવા માંગો છો તે તમારે નક્કી કરવાનું છે.

૩ વિવેક

ટેડી એક માનસિક રીતે અસ્થિર લોકોની જેલમાં હોય છે. એક યુએસ માર્શલ એજન્ટ કેટલો મક્કમ મનનો હોય તે તો તમે સમજી જ શકો. આમ છતાં મુવીમાં એક એવો સમય આવે છે કે જયારે ટેડી પોતાના જીવન પર, પોતાના વિચારો પર, પોતાની માનસિકતાઓ પર અને પોતાની જાત પર શંકા કરવા લાગે છે. તે પોતાની જાત માટેનો વિવેક ભૂલી જાય છે. ત્યારે એક ડાયલોગ આવે છે - "સેનીટી ઈઝ નોટ અ ચોઈસ." કોઈવાર તમારી સામે એવી પરસ્થિતિ કે લોકો જ મૂકી દેવામાં આવે કે તમારો વિવેક તો શું તમારું મગજ કામ કરતું બંધ થઇ જાય. આવા સમયે તમારું મન કેટલું મજબુત છે તેના પર જ બધો આધાર રહેલો છે.

મુવીમાં ઉત્તમ અભિનેતાઓ છે. વણકહ્યા ઘણા શીખવા જેવા પાઠો પણ છે. તેથી જો તમને આ રજામાં થોડું અલગ જેનરનું મુવી જોવાની ઈચ્છા હોય તો આ મુવી જરૂરથી જોવું જોઈએ.

આભાર

દર્શાલી સોની