શેરલોક હુમ્સ
જો તમે પુસ્તકપ્રેમી હો તો સર આર્થર કોનાન ડોયલનું નામ સાંભળતા જ સૌથી પહેલાં તમને એક જ નામ યાદ આવશે - શેરલોક હુમ્સ. એક્શન થ્રીલર વાર્તાઓ વાંચવાના શોખીન લોકોએ આર્થર કોનાન ડોયલના પુસ્તકો વાંચ્યા જ હશે. મુવી જોવાના શોખીન લોકોને રોબર્ટ ડ્રાઉની જુનિયરનું નામ સાંભળતા જ આયર્ન મેં અને શેરલોક હુમ્સ યાદ આવે. ૨૦૦૯માં રીલીઝ થયેલ શેરલોક હુમ્સ બે વાર ઓસ્કાર માટે નોમીનેટ થયું હતું.
આ મુવીના પાત્રો વિશે જાણીએ તો શેરલોક હુમ્સ એક જાસૂસ અને તેનો દરેક કેસમાં સાથે રહેનાર સાથીદાર એટલે ડોક્ટર જોહન વોટસન. શેરલોક હુમ્સનું પાત્ર અત્યંત સાતીર દિમાગ અને બધાથી અતડો રહેનાર વ્યક્તિ પણ ખૂબ જ બુદ્ધિમાન વ્યક્તિ છે. જયારે ડોક્ટર જોહન વોટસન શેરલોકથી તદ્દન વિપરીત આર્મીમાંથી છુટા પડ્યા બાદ એક સાધારણ જીવન જીવતો વ્યક્તિ અને મેડીકલ સાયન્સમાં પાવરધો વ્યક્તિ છે. શેરલોકની ગર્લફ્રેન્ડ આઈરીન એડલર હોય છે. જે આ મુવીમાં મુવીના વિલન જેમ્સ મોરીયાર્ટી સાથે કામ કરતી હોય છે. જોહનની ગર્લફ્રેન્ડ મેરી કે જેની સાથે જોહનના લગ્ન થશે તે આખી વાર્તા મુવીના બીજા ભાગમાં દર્શાવેલ છે. હા, શેરલોક હુમ્સ જે ઘરમાં ભાડે રહે છે તેની માલીકણ હડસનનું પાત્ર પણ રસપ્રદ છે. રસપ્રદ તો હોવાનું જ કારણ કે તે શેરલોક જેવા અઘરા વ્યક્તિને સાચવે છે.
શેરલોકની બુદ્ધી અને વોટસનના મેડીકલ સાયન્સના જ્ઞાન થકી બંનેના સમન્વય થકી અનેક અઘરામાં અઘરા કેસના ઉકેલ શેરલોક અને વોટસનની જોડી લાવી દે છે. આ મુવીમાં બ્લેકવુડ નામના વિલનની વાર્તા છે જે આખા ઈંગ્લેંડની સતા પોતાના હાથમાં લઇ લેવા માંગે છે. આ મુવીમાં તમને મુવીના ડાયલોગ્સ થકી કઈ શીખવા નહિ મળે પણ પાત્રોને સમજવાથી અને તેના સ્વભાવને સમજવાથી તમને ઘણું શીખવા મળશે.
૧ નિરીક્ષણ શક્તિ
આપણે જેને ઓબ્ઝર્વેશન સ્કીલ કહીએ છીએ તે નિરીક્ષણ શક્તિ શેરલોક હુમ્સના પાત્રમાં દેખાડવામાં આવી છે. તે આખા મુવીમાં કોઈપણ બાબતનું ઝીણવટપૂર્વક નિરીક્ષણ કરીને વિશ્લેષણ કરે છે. તેથી જ તો તે પોલીસને અનેક કેસ ઉકેલવામાં મદદરૂપ થઇ શકે છે. કોઈપણ બાબતને મૂળથી સમજવા માટે જો તમારી નિરીક્ષણ શક્તિ સારી હશે તો તમે તે બાબત વધુ ઝડપથી સમજી શકશો. તમે કંઈપણ શીખતા હો ત્યારે જ બધી બાબતોનું નિરીક્ષણ કરો એવું જરૂરી નથી. તમારી રોજબરોજની દિનચર્યામાં પણ જો તમે આ આવડત કેળવશો તમને તમારા જીવનની, તમારી આસપાસના વાતાવરણની અનેક બાબતો સમજાશે. નિરીક્ષણ દ્વારા તમે જીવનમાં એક પેટર્ન મુજબ બધું ચાલતું હોય છે તે તમે સમજીને તેમાં બદલાવ પણ લાવી શકશો. નાનામાં નાની બાબત પર ધ્યાન આપતા શીખો.
૨ આયોજન
શેરલોક હુમ્સ બોક્સિંગ કરતી વખતે સામેવાળો ખેલાડી હવે કઈ રીતે વાર કરશે અને તે કઈ રીતે વળતો પ્રહાર કરશે તે અગાઉથી વિચારી લે છે. તે મનમાં જ આખી ફાઈટનું આયોજન કરી લે છે અને ત્યારબાદ તે પ્રમાણે એક્શન લે છે. શેરલોક કોઈપણ પરિસ્થિતિમાં પોતે કઈ રીતે રીએક્શન આપશે તે જ નથી વિચારતો પણ સામેવાળું વ્યક્તિ પણ શું રીએક્શન આપી શકે તે પણ વિચારે છે. તમે પણ ધંધાના કોઈ નિર્ણય લેતા હો ત્યારે આ પ્રમાણે અગાઉથી આયોજન કરી શકો છો. જેથી અચાનક આવતા પડકારોનો સહેલાઈથી સામનો કરી શકાય.
૩ જુગલબંધી
કોઈપણ ધંધામાં એક કરતા બે લોકો સાથે મળીને કામ કરતા હોય તો તે ધંધો સફળ જાય તેવું તમે ઘણીવાર નિરીક્ષણ કર્યું હશે. કોઈ એક વ્યક્તિમાં જે આવડત ખૂટતી હોય તે આવડત બીજા વ્યક્તિમાં હોય અને આમ બન્ને એકબીજાની ખામીઓ પૂરી કરીને સફળ ધંધો કરી શકતા હોય છે. આવી જ કંઇક જુગલબંધી તમને શેરલોક હુમ્સની અને ડોક્ટર જોહન વોટસનની જોવા મળશે. બંને એકબીજાની ખામીઓ દૂર કરીને અનેક કેસ ઉકેલે છે અને મુવીના વિલન બ્લેકવુડને માત આપે છે.
૪ અંધશ્રદ્ધા
મુવીનો વિલન બ્લેકવુડ લોકોમાં અંધશ્રદ્ધા ફેલાવવાનું શરુ કરે છે. તેને ફાંસી આપવામાં આવી હોય છે તે પાછો જીવતો થાય છે અને લોકોને પોતાની તરફ કરવા માટે જાદુનો ઉપયોગ કરે છે તેવો ભ્રમ લોકોમાં પેદા કરે છે. જયારે શેરલોક હુમ્સ તો વિજ્ઞાનનો માણસ છે. તે બ્લેકવુડના ઉભા કરેલ અંધશ્રદ્ધાના સત્યો વિજ્ઞાનની થીયરીથી સાબિત કરી આપે છે. આ મુવીમાં શહેરના લોકો જે જુએ છે તે જ સાચું માની લે છે. આપણે પણ કોઈપણ માન્યતા પાછળનું ખરું વિજ્ઞાન જાણ્યા પહેલાં જ જે - તે માન્યતાને માની લેતા હોઈએ છે અને અંધશ્રદ્ધાનો ભોગ બનતા હોઈએ છીએ. તેની બદલે દરેક માન્યતા પાછળનું સત્ય અને વિજ્ઞાન જાણો ત્યારબાદ જ તે વાતનો અમલ કરો.
આ મુવીમાંથી કોઈ ફિલોસોફીકલ જ્ઞાન મળશે તેવી આશા ન રાખતા. આ મુવી એવા લોકો માટે છે જે વ્યોમકેશ બક્ક્ષીથી માંડીને શેરલોક હુમ્સ જેવા જાસૂસના ફેન હોય. શેરલોક હુમ્સ મુવીનો બીજો ભાગ પણ રસપ્રદ છે. સાથોસાથ જો તમને આ પ્રકારના મુવી જોવા ગમતા હોય તો તમે બીબીસી ચેનલ પર આવતી શેરલોક હુમ્સની સીરીઝ પણ જોઈ શકો. તેમાં અનેક એપિસોડ રૂપે અલગ અલગ વાર્તાઓ આપેલ છે.
આભાર
દર્શાલી સોની