શ્રેક - એક ફેરીટેલ મુવી
૨૦૦૧માં થાય છે એક એવી મુવી સીરીઝની શરૂઆત જેમાં કોમેડી છે, સમજણ છે અને સાથોસાથ જાણે પરીકથા જોતા હોય તેવી લાગણી પણ છે. શ્રેક - એક એનિમેટેડ મુવી કે જેના પેલા જ ભાગને ઓસ્કાર મળેલ છે - એક મજેદાર મુવી છે. આ મુવીના બધા જ પાત્રો રસપ્રદ છે. મૂવીનું મુખ્ય પાત્ર શ્રેક - એક ઓગર એટલે કે રાક્ષસ હોય છે - એક કદરૂપુ પાત્ર કે જેને બધા પ્રત્યે ગુસ્સો છે અને બધા લોકો તેનાથી ડરતા હોય. તેનો મિત્ર ડોન્કી - એક મનમોજીલું પાત્ર કે જે હંમેશા પોતાની દુનિયામાં જ મસ્ત રહેતું હોય.
ક્યારેય એવું જોયું કે કોઈ મુવીમાં રાજા અને રાણી મુખ્ય - અભિનેતા અને અભિનેત્રીને બદલે ઓગર અને રાણી મુખ્ય પાત્રો હોય? હા, આ મુવીમાં એ જ તો વિશેષતા છે. રાણી ફિયોના - એક ટાવરમાં કેદ પુરાઈને રાહ જોતી હોય છે રાજકુમારની. પણ રાજકુમાર ફેરકવાડ - પોતે ફિયોનાને બચાવવા નથી જતો. કારણ કે રાણી એક એવા ટાવરમાં કેદ હોય છે કે જ્યાં ડ્રેગન તેની રખેવાળી કરતો હોય છે. તે મોકલે છે ઓગરને.
અહીંથી મૂવીની ખરી મજા શરુ થાય છે. કઈ રીતે ઓગર અને રાણી ફિયોના પ્રેમમાં પડે છે - કઈ રીતે એક ડોન્કી અને ડ્રેગનની પ્રેમકહાની શરુ થાય છે તે જોવાની મજા આવશે. અહી રાણી ફિયોનાને પણ એવો શ્રાપ હોય છે કે તે અમુક સમય માટે ઓગર બની જતી હોય છે. મુવીના દરેક પાત્રો હોલીવુડના પ્રખ્યાત અભિનેતાઓ અને અભિનેત્રીઓ દ્વારા અભિનીત છે તેથી મુવી જોવામાં રસ તો પડશે જ. તમે ઘણીવાર એચબીઓ અને અન્ય અંગ્રેજી ચેનલ પર શ્રેકના અનેક ભાગ આવતા જોયા જ હશે. અત્યાર સુધીમાં આ સીરીઝમાં મુવીના ચાર ભાગ આવી ગયા છે. તેમજ પાંચમો ભાગ ૨૦૧૯માં આવવાનો છે. આપણા બોલીવુડના મુવીઝમાં જેમ બધી જ સીરીઝ સફળ નથી થતી તેવું શ્રેકમાં નથી. તેના દરેક પાત્રો તમને દરેક વખતે હસાવશે અને હળવા કરી દેશે. તો ચાલો જાણીએ એક કોમેડી મુવી શું શીખવે છે:
૧ સ્વ સ્વીકારણા
શ્રેક પોતે ઓગર હતો તેથી તે ક્યારેય પોતાની જાતને સ્વીકારતો નહી. પોતાની જાતને પ્રેમ પણ ન કરતો. તે હંમેશા ગુસ્સામાં જ રહેતો. પણ જયારે ફિયોના અને ડોન્કી તેના જીવનમાં આવે છે ત્યારે તે બને શ્રેકને પોતાની જાતને સ્વીકારતા શીખવે છે. ધીમે ધીમે શ્રેક પોતાને જેવો છે તેવો સ્વીકારવા લાગે છે. ઘણીવાર બીજા લોકો થકી જ તમે પોતાની ખરી જાતને ઓળખો અને સ્વીકારો તેવું બનતું હોય છે.
૨ આયોજન અને જીવન
માનવસહજ આપણી આદત હોય છે કે જીવનમાં બધું આયોજન કરીને જ ચાલવું. પણ હકીકતમાં જીવનમાં શું આપણે જેવું આયોજન કરીએ છીએ તેવું જ થતું હોય છે? ફિયોનાને પણ એમ હતું કે કોઈ રાજકુમાર આવીને તેને બચાવી જશે પણ તેની બદલે ઓગર તેને બચાવવા આવે છે. તેણીએ જેવું જીવનનું આયોજન કર્યું હતું કે કોઈ રાજકુમારને પરણશે અને સારું જીવન જીવશે તેની બદલે તે તો ઓગરને પરણે છે અને એક અલગ જ જીવન જીવે છે. - આયોજન કરી શકાય પણ તેના પર જ આધારીત ન રહેવાય.
૩ સુંદરતા
સુંદરતાની ખરી વ્યાખ્યા વિશે તમે અનેક પુસ્તકોમાં વાંચ્યું હશે અને અનેક મુવીમાં પણ તેના વિશે સમજ્યા હશો. ઓગરની અંદરની સ્વઘૃણા કાઢવા માટે ફિયોના પણ તેને તે જ સમજાવે છે કે બાહ્ય સુંદરતા અને વ્યક્તિત્વ કરતા આંતરિક સુંદરતા વધુ મહત્વની છે. તમારું ખરું વ્યક્તિત્વ કેવું છે, તમારા જીવનના મૂલ્યો કેવા છે તે વધુ મહત્વનું છે.
૪ મિત્રતા
આ મુવીમાં શ્રેક અને ડોન્કીની મિત્રતા એક મિશાલ છે. શરૂઆતમાં બે વિરુદ્ધ દિશાના વ્યક્તિત્વ કઈ રીતે ગાઢ મિત્રો બની જાય છે તે આ મુવીમાં તમને જોવા મળશે. ડોન્કી શ્રેકનો જીવનના દરેક તબ્બકામાં સાથ આપે છે. ખરી મિત્રતા પણ તેને જ તો કહી શકાય કે જેમાં દરેક સમયે મિત્ર સાથ પણ આપે અને પ્રેમ પણ તેટલો જ આપે.
આ મુવીને અત્યાર સુધીમાં ૩૬થી વધારે એવોર્ડ્સ મળી ચુક્યા છે. તેમજ તેના દરેક ભાગમાં કંઈક નવું નવું તો હોય જ છે. તેથી બાળકોની સાથે તમે પણ એકવાર આ મુવીના બધા જ ભાગ જોઈ લો તો એકવાર ફરી વાર્તાઓની દુનિયામાં ખોવાઈ જવાની તક જરૂરથી મળશે.
આભાર
દર્શાલી સોની