૧૯૯૭માં આવેલ બ્રાડ પીટનું મુવી - “સેવન યર્સ ઇન તિબેટ” રસપ્રદ છે. તમને કદાચ એવો પ્રશ્ન થાય કે હાલમાં નેટફ્લીક્સ અને અન્ય પ્લેટફોર્મ પર દરરોજ અનેક પ્રકારના નવા મુવીઝ અને સિરીઝ આવતી રહે છે તો પછી શા માટે આટલું જૂનું મૂવી જોવું જોઈએ? - જવાબ સરળ છે - ઓલ્ડ ઈઝ ગોલ્ડ - હા હોલીવુડના ઘણા મૂવીઝ એટલે ઉત્તમ છે કે જે તમે હાલની તકે જોવાનું નક્કી કરશો તો પણ તમને ગમશે.
આ મૂવીની વાર્તાનું મુખ્ય પાત્ર આમ તો હેનરિક હરાર - એક માઉન્ટેન કલાઈમ્બર છે, પણ સાથોસાથ સૌથી મહત્વનું પાત્ર દલાઈ લામા પણ છે. હેનરિક પોતાના દેશ ઓસ્ટ્રેલિયાને ગર્વ થાય તે માટે ભારત દેશના નંગા પર્વત પર જવાનો નિર્ણય લે છે. એક પર્વતારોહકનું જીવન ક્યારેય સરળ નથી હોતું. તે આ મુસાફરી પર નીકળે છે ત્યારે તેની પત્ની પ્રેગ્નન્ટ હોય છે. આમ છતાં હેનરિકની તેની કારકિર્દી માટેની ઇચ્છાઓ વધુ પ્રબળ હોય છે.
તે મુસાફરી પૂરી શકે છે કે નહી તેના માટે તો તમારે મૂવી જોવું રહ્યું.
પણ હા, કોઇપણ મુસાફરીમાં અનેક વાર્તાઓ છુપાયેલી હોય છે. તે જ રીતે હેનરિક પણ તેની મુસાફરી દરમિયાન અનેક પ્રકારના લોકોને મળે છે, અનેક પ્રકારની ભૂલો કરે છે, અનેક પ્રકારના કલ્ચરને માણે છે, સાથોસાથ અણધારી કુદરત અને માનવીય મુશ્કેલી તો ખરી જ. અંતે હેનરિક દલાઈ લામા - જયારે બાળક હતા ત્યારે લહાસામાં રહેતા હતા - ત્યાં હેનરિક અને તેનો એક મિત્ર પીટર પહોંચી જાય છે. આ સમયમાં જ વિશ્વ યુદ્ધ પણ ચાલતું હોય છે તેથી હેનરિક ઈચ્છે કે ના ઈચ્છે પોતાના દેશ ઓસ્ટ્રેલિયા જઈ શકે તેમ નથી. આ સમયમાં જ ચાઈના તિબેટ પર આવીને હુમલો કરે છે અને તેને જપ્ત પણ કરી લે છે.
જ્યાં સુધી હેનરિક લહાસા નથી પહોંચતા ત્યાં સુધી તેની મુસાફરીમાં ગરીબી, ભૂખમરો, લૂંટફાટ, શારીરિક હાલત ખરાબ, કુદરતનો કહેર, પોતાની જાત અને પોતાની ભૂલો પ્રત્યેની સજાગતા - આવા અનેક તબક્કામાંથી પસાર થાય છે.
લહાસા પહોંચ્યા બાદ - તેમાં પણ ખાસ કરીને નાના એવા દલાઈ લામા કે જે હજુ બાળક છે તો પણ બધા તેને ભગવાનની જેમ પૂજે છે તેને મળ્યા બાદ હેનરિકનું પાત્ર અને જીવન વણાંક લે છે. હેનરીકે તેનું આવનારું બાળક ક્યારેય જોયું નહોતું - તેને તેના બાળક વિશે કઈ ખબર પણ નહોતી. તેથી તેની આ લાગણી દલાઈ લામા માટે જન્મે છે. બીજી તરફ દલાઈ લામાને દુનિયા વિશે જાણવું છે, લોકો વિશે જાણવું છે - શીખવું છે અને તેની જીજ્ઞાસા સંતોષવી છે. જેમાં હેનરિક તેને મદદરૂપ થાય છે.
આ રીતે જ હેનરિક અને દલાઈ લામાની મિત્રતા થાય છે - સાથોસાથ પીટરનો મિત્ર લહાસામાં રહેતી એક સ્ત્રી સાથે લગ્ન કરીને પોતાની ગૃહસ્થી વસાવી લે છે - કોઈવાર હેનરિક એક સામાન્ય જીવનની ઝંખના કરે પણ છે - પણ સમય અને પરિસ્થિતિ તેને પાછળ ધકેલી દે છે.
એક પર્વતારોહકનું જીવન કેવું હોય, તમે જયારે જીવનમાં એક રસ્તો પસંદ કરો છો ત્યારે બાકીના રસ્તા શા માટે છોડી દેવા પડે છે? અથવા તો શા માટે છોડી દેવા જરૂરી બની જાય છે? માનવી પોતાની લાગણીઓને કઈ રીતે કોઈને કોઈ સ્વરૂપે વ્યક્ત કરી દે છે - આવી અનેક બાબતો તમે હેનરિક અને તેના જીવનમાંથી શીખી શકશો.
બ્રાડ પીટની ઉત્તમ એક્ટિંગ, એક પર્વતારોહ્કનું જીવન, દલાઈ લામાનું બાળપણ, થોડી ફિલોસોફી, થોડા અનુભવો અને પર્વતો માણવા માટે થઈને પણ એકવાર આ મુવી જોઈ લેવું જોઈએ. ઘણીવાર આવા મુવીઝ આપણને એ યાદ કરાવે છે કે આપણે કેટલા નસીબદાર છીએ - જેમાં આપણને સરળ અને ખુશહાલ જીવન મળ્યું છે.