Seven pounds

seven pounds by darshali soni.jpg

સેવન પાઉન્ડસ સેવન નેમ્સ સેવન સ્ટ્રેનજર્સ વન સિક્રેટ

વીલ સ્મિથ અભિનીત સેવન પાઉન્ડસ તમને જીવનના અનેક પાસાઓ દેખાડશે કે જેને તમે સામાન્ય રીતે નકારતા આવ્યા છો. બેન નામનો IRS એજન્ટ સાત લોકોના જીવનમાં ખલબલી મચાવે છે કે જીવનને વધુ સુંદર બનાવી દે છે તેની કહાની એટલે સેવન પાઉન્ડસ. આ સાત લોકોમાં વીલ સ્મિથ અભિનીત બેનને એમિલી સાથે પ્રેમ પણ થઇ જ જાય છે.

“ભગવાનએ સાત દિવસમાં વિશ્વની રચના કરી અને મેં સાત સેકંડમાં મારી દુનિયાનો વિનાશ કર્યો.”

“ચાલ ને “વોટ ઇફ”ની રમત રમીએ.”

“એક ઈમરજન્સી છે. – એક આપઘાતની ઘટના ઘટી છે. વિકટીમ કોણ છે? – હું”

આવા તો અનેક ડાયલોગ્સ થકી તમે મુવીમાં વધારેને વધારે ડૂબતા જશો. હા આ મુવી બધા જ લોકોને ગમે તેવું નથી. અમુક લોકો આ મુવીને વખોડશે તો અમુક બીરદાવશે. આમ પણ બધાનો પોતપોતાનો દ્રષ્ટિકોણ હોય છે. તો ચાલો જાણીએ કે શું સમજાવે છે આ સેવન પાઉન્ડસ મુવી:

૧ બકવાસ અને સુંદરતા વચ્ચેનો તફાવત

કોઈ વાત, ઘટના કે વ્યક્તિ તમારા માટે ખરાબ છે તે તો તેનો મતલબ એવો નથી કે તે બધા જ માટે ખરાબ હોય. એ જ રીતે કોઈ વાત, ઘટના કે વ્યક્તિ તમારા માટે સારી અને સુંદર છે તેનો મતલબ એવો નથી કે બધા જ માટે સારી અને સુંદર હોય. બેનના પપ્પા જયારે તેને જેલીફિશ જોવા લઇ જાય છે ત્યારે તે જેલીફિશ સૌથી વધુ ખતરનાક છે તેવું જણાવે છે. જયારે બેનને તે ખુબ જ સુંદર લાગે છે. ટૂંકમાં કોઈપણ પરીસ્થિતિને લઈને તમારો નજરીયો બદલાવો તો દુનિયા આપોઆપ સુંદર લાગશે.

૨ અફસોસની ગાથા

દરેકના જીવનમાં કોઈને કોઈ બાબત અને ઘટનાને લઈને અફસોસ હોય જ છે. આપણને એવો ભ્રમ હોય છે કે સમય જતા તે અફસોસની લાગણી પણ ભુંસાઈ જશે. પણ શું ખરેખર એવું થાય છે? જીવનની કડવી હકીકત એ છે કે તમે ભુતકાલમાં પાછા જઈને કઈ બદલી શકતા નથી. તો ખરેખર કરવું શું જોઈએ? અફસોસ પણ એક લાગણી છે જેને નકારી ન શકાય. તેની સાથે જીવતા શીખી જાવ અથવા તો જો પરીસ્થિતિ તમારા કાબુમાં હોય તો કંઇક ઉકેલ લાવી દો જેથી અફસોસની લાગણી ગાયબ થઇ જાય. બેનને પણ જીવનમાં ઘણા અફસોસ હતા શું તેને કારણે જ તેણે સાત લોકો માટે માયાજાળ રચી?

૩ શું આપણે ખરેખર ન્યાયાધીશ છીએ?

આપણા જીવનમાં કંઈપણ ખરાબ થાય એટલે તરત જ ગુસ્સામાં આવીને આપણે બદલો વાળવાની ભાવના રાખીએ છે. આ ઉપરાંત આપણે જ ન્યાયાધીશ બનીને લોકોના જીવનમાં ધરતીકંપ લાવીએ છીએ. તમને જે સાચું લાગે છે તે જ ખરેખર સત્ય છે? તમને જે ખોટું લાગે છે તે ખરેખર ખોટું છે? દરેક લોકો કર્મને આધીન છે? શું નસીબ જેવું કઈ છે? આવા પ્રશ્નોના વમળમાંથી બહાર નીકળવા બની શકે તમે જ ભગવાન બનીને લોકોને અને દુનિયાને ન્યાય આપવા લાગો. પણ શું ખરેખર તેનો કોઈ મતલબ છે? બની શકે લોકોને ન્યાય અને જવાબ આપવા કરતા તમારા ધ્યેય, તમારી ખુશી અને તમારા જીવન પર ધ્યાન આપશો તો વધુ જીવવું ગમશે. બેન ન્યાયાધીશ બને છે આથી તેનું જીવન સુધરે છે કે બગડે છે?

૪ પ્રેમ અને કેર માટેની લાયકાત

જો તમે એવું માનીને બેઠા હોય કે દુનિયામાં દરેક વ્યક્તિ તમારા પ્રેમ અને કેરને લાયક છે તો જાગી જાવ. જે વ્યક્તિ જેટલી લાગણીને લાયક હોય તેટલી જ લાગણી જતાવવી જોઈએ. માંગે તો જ મા પીરસે એ કહેવત દુનિયાના દરેક તબ્બકામાં લાગુ પડે છે. જ્યાં તમારી જરૂર નથી ત્યાં શા માટે સમય બગાડવો? બેનને મતે આ મુવીમાં એ જ સમજવાનો પ્રયત્ન થયો છે કે જે વ્યક્તિ જેને લાયક છે તે જ તેને આપો. લાયકાત ન હોય તેવા લોકોને કંઈપણ આપો તેને ક્યારેય કિંમત નહિ થાય.

૫ જીવન પરિવર્તન

આપણે જ આપણી જાતને પરિવર્તિત કરીને વધુ સારા બની શકીએ એ વાત ખોટી છે. તમે અત્યારે જે કંઈપણ છો અને જે કંઈપણ બનશો તેમાં અનેક લોકોની મહેનત જવાબદાર છે. અનેક લોકોના ઘડામણ પછી તમે ઉત્તમ બની શકો. બેન તેની માનસિક માન્યતાના કારણે લોકોની મદદ નથી લેતો. પણ એમિલી તેના જીવનને - તેના વિચારોને પરિવર્તિત કરી વધુ સારો વ્યક્તિ બનાવે છે. તમારા જીવનમાં પણ કોઈ એમિલી કે બેન આવે તેવી રાહ ન જુઓ. મદદ તો કોઈપણ સ્વરૂપે મળી જાય. બસ ધ્યાન એ બાબત પર આપો કે તમે બદલાવા તેયાર છો.

સેવન પાઉન્ડસ તમારી આંખો ખોલીને અરીશો દેખાડે તેવું પણ બને. તમારી જાતને મળવા માટે ઓલ ધ બેસ્ટ.

આભાર

દર્શાલી સોની