હાલમાં ટેલેન્ટ મેનેજરની બોલબાલા ખૂબ જ વધવા લાગી છે. તેની પાછળનું કારણ બધા જ લોકોને પ્રખ્યાત બનવું છે, બધા જ લોકોને સમૃદ્ધ બનવું છે. બધા જ લોકોને એવું લાગે છે કે તેનું ટેલેન્ટ બધાથી અલગ છે.
તમને ટેલેન્ટ મેનેજરનું કામ શું હોય તે ના ખબર હોય તો જણાવી દઉં. ટેલેન્ટ મેનેજર એવો વ્યક્તિ છે કે જે તમારા ટેલેન્ટને લોકો સુધી પહોંચાડે છે. માની લો કે તમે ખૂબ જ સારું ગાવ છો પણ લોકો તમને ઓળખતા નથી. તો આ ટેલેન્ટ મેનેજર તમને લોકો સુધી પહોંચાડશે, તમારા આલ્બમ માટેના કોલોબ્રેશન કરાવશે. તમને નવા નવા મ્યુઝિક ડિરેક્ટર સાથે કામ કરવાની તકો ઉભી કરશે. તમારા માટે ઇવેન્ટનું આયોજન કરશે. આવી તો અનેક પ્રવૃતિઓ!
આમ જોવા જઈએ તો આ ટેલેન્ટ મેનેજરની ભૂમિકા કારકિર્દીમાં અનેક રીતે મહત્વની હોય છે. જો તમારી પાસે એક સારો ટેલેન્ટ મેનેજર ના હોય તો બની શકે કે તમને તમારી જીવન પરિવર્તન કરી નાખનારી તક ક્યારેય મળે જ નહીં અથવા તો તમારા હાથમાં આવે તો પણ છૂટી જાય.
આજે એક એવા ટેલેન્ટ મેનેજરની વાત કરવી છે કે જે તેના પૂરા જીવન દરમ્યાન અનેક પ્રકારના લોકોને હોલીવુડમાં રજૂ કરતો રહ્યો, અતરંગી સ્વભાવ, તેની હસવાની છટા, તેની કામ કરવાની પદ્ધતિ અને તેનો કલાયન્ટ પ્રત્યેનો લગાવ આ બધી જ વાતોને વણી લેતો ટેલેન્ટ મેનેજર એટલે સેન્ડી વેક્સ્લર!
“સેન્ડી વેક્સ્લર” 2017 માં આવેલું મુવી છે. જેમાં તે ટેલેન્ટ મેનેજર છે, જેની ભૂમિકા પ્રખ્યાત અભિનેતા એડમ સેન્ડલરે નિભાવેલ છે. એડમનું નામ પડે ત્યારે તમને ખબર પડી જાય કે આ મુવી કોમેડી હશે અને જોવાની ખરેખર મજા આવશે.
સેન્ડીનું પાત્ર અનોખું છે. તે ઘણા વર્ષોથી ટેલેન્ટ મેનેજર છે. તેણે ઘણા કોમેડી કલાકારો અને અભિનેતાઓને પોતાની આવડત થકી ભરપૂર મદદ કરીને સફળતા અપાવી છે.
એક સમય એવો આવે છે કે સેન્ડીને જેમ કાદવમાં કમળ ખીલે છે તેવી જ રીતે કોર્ટની નામની એક સ્ત્રી મળે છે. જે ઉત્તમ ગાયિકા હોય છે પણ તેને હજી સુધી કોઈ સારી તક મળી નથી હોતી. અને સેન્ડી તેનો ટેલેન્ટ મેનેજર બને છે અને તેને સારામાં સારા પ્રોડક્શન હાઉસ સાથે કામ કરવાની તક અપાવે છે.
જેની પાસે ટેલેન્ટ છે તેને છવાઇ જતાં વાર નથી લાગતી. કોર્ટની પણ બહુ ઓછા સમયમાં ટોપ પર પહોંચી જાય છે. તેના ગીતો બિલબોર્ડ પર જગ્યા પામી લે છે. કોર્ટની ખૂબ જ પ્રખ્યાત થઈ જાય છે. તેની આસપાસ ભમરાઓ ભમવા લાગે છે અને સેન્ડીને સમજાઈ જાય છે કે હવે કોર્ટનીના જીવનમાં તેની કોઈ જગ્યા નથી. તેથી સેન્ડી આગળ વધી જાય છે અને તેના બીજા કલાયન્ટ સાથે કામ કરવા લાગે છે.
મુવીની વાર્તામાં એવું છે કે સેન્ડીનું પાત્ર કેવું છે, તે કેવી રીતે એક ભાડાના મકાનમાં રહેતો હોય છે, તે કેવી રીતે તેના ક્લાયન્ટને સંભાળતો હોય છે, કોર્ટની સાથે શું થાય છે, તેના અન્ય ક્લાઈન્ટ સેન્ડીના ચારિત્ર વિષે, તેના સ્વભાવ વિશે શું વિચારે છે, સેન્ડી જીવનની સારી કે ખરાબ પરિસ્થિતિઓનો કેવી રીતે સામનો કરે છે - આવી નાની નાની બાબતોને આવરી લેતું મુવી એટલે સેન્ડી વેક્સ્લર.
આ મુવીમાં મારો ફેવરિટ સીન તો એ છે કે જ્યારે સેન્ડી અને તેની પત્ની સાથે મળીને એક ગીત ગાય છે. જેમાં હોલિવૂડના લોકોનો સંઘર્ષ અને એક ટેલેન્ટ મેનેજરની મહેનત લિરિક્સ રૂપે રજૂ કરે છે.
સેન્ડી જેવા અજીબ પાત્રની પત્ની કોણ બને છે તે જોવા માટે તો તમારા મુવી જોવું જ રહ્યું છે. તેના માટે એટલું જ કહીશ કે જે વ્યક્તિ બીજાને પ્રખ્યાત બનાવવા, બીજાનું જીવન બનાવવામાં મહત્વનો ભાગ ભજવે છે તે પોતે કેટલો એકલો હોય છે, તે પોતે કેવી રીતે જીવન જીવતો હોય છે, કેટલું દરિયાદિલ રાખીને જીવન જીવતો હોય તે જોવા માટે અને ખાસ કરીને એડમ સેન્ડલરની કોમેડી જોવા માટે આ મુવી જોવું જોઈએ.