Rose Island

rose island by darshali soni.jpg

દુનિયામાં અનેક પ્રકારના લોકો હોય છે. અમુક લોકોને દુનિયા જેમ ચાલે છે તે જ રીતે જીવવામાં રસ છે - સવારની ૧૦ થી ૭ની નોકરી અને પછી મોબાઈલની દુનિયા અને બહુ થાય તો કુટુંબ સાથે થોડીવાર બહાર જઈ આવવું, તો ઘણા લોકો માટે ધંધો કરવો, પોતાનું નામ કરવું અને સપનાઓ પૂરા કરવા - તે જીવન કહેવાય છે. પણ બધા લોકો આ ઢાંચામાં જીવી શકતા નથી. અમુક લોકો આ દુનિયામાં એવા જન્મે છે જેને કંઇક અલગ કરવું હોય છે. જેને સમાજના કે સરકારના નિયમો સાથે કોઈ લેવાદેવા નથી. તેના માટે કોઈ જ મર્યાદાઓ નથી હોતી. 

આજે એક એવા જ વ્યક્તિની વાત કરવી છે. ૧૯૬૮માં ઇટલીનો એન્જીનિયર જ્યોર્જીઓ રોઝા પોતાનો સ્વતંત્ર આઈલેન્ડ બનાવવાનું નક્કી કરે છે. ઇટલીના દરિયામાં રિમીનીમાં કે જ્યાં જે પાણી પર ઇટલી કે અન્ય કોઈ દેશની કોઈ જ સત્તા નથી. જ્યાં તેના પર સરકારના કે સમાજના કોઈ જ નિયમ નહિ લાગુ પડતા હોય. તે તેના મિત્રને વાત કરે છે. અને બંને ભેગા થઈને એક આઈલેન્ડ બનાવે છે.

ત્યાં ધીમે ધીમે રહેવા લાયક ચણતર કરે છે, અને જ્યોર્જીયો તો ત્યાં જ રહેવા લાગે છે. તેની ટીમમાં અન્ય એક વ્યક્તિ જોડાય છે જેનું નામ છે ન્યુમેન. તેનો જર્મનીમાંથી દેશ નિકાલ થઇ ગયો છે. તેને દરિયાથી પ્રેમ હોય છે. તેથી તે આઈલેન્ડ પર આવેલ કાફેમાં નોકરી કરતો હોય છે. તેને આ જ્યોર્જીયાએ બનાવેલા આઈલેન્ડ વિશે ખબર પડે છે. તે તેની સાથે જોડાઈ જાય છે. અને જોતજોતામાં જ્યોર્જીયાનો આઈલેન્ડ પ્રખ્યાત થઇ જાય છે. તે હવે એક ક્લબ જેવી જગ્યા બની જાય છે. જ્યાં લોકો બીઅર પીવે છે, ડાન્સ કરે છે અને મસ્ત મજાનો દિવસ માણે છે. આ આઈલેન્ડનું એક નામ પણ રાખી દેવામાં આવે છે. તેનું નામ રોઝ આઈલેન્ડ પર રાખવામાં આવે છે.

આ આઈલેન્ડ પર કોઈ સરકારની સત્તા નથી એટલે જ્યોર્જીયો મહેનત કરીને પોતાના આઈલેન્ડમાં એક સરકાર ઉભી કરે છે અને અનેક લોકો તેના આઈલેન્ડના નાગરિક બનવા માટે અરજી પણ કરે છે, આ આઈલેન્ડની એક રાષ્ટ્રીય ભાષા પણ જાહેર કરવામાં આવે છે. આ બધી જ વાત અતિશયોક્તિ ભરેલી લાગે પણ સત્ય ઘટના છે. આવી જ ઘટનાઓને કારણે જ્યોર્જીયોનો આઈલેન્ડ જગપ્રખ્યાત થઇ જાય છે અને તે ઇટલીની સરકાર અને યુએનની સરકારના ધ્યાનમાં આવે છે. 

આપણને ખબર છે તે મુજબ કોઈ સરકાર આવા સ્વતંત્ર લોકો, સ્વતંત્ર વિચારો અને જગ્યાઓને આ દુનિયા પર ન ટકી શકે તેવા પ્રયત્નો કરે છે અને આખી દુનિયા નિયમો અને કાયદાઓથી ઘડી દેવામાં આવી છે. એમાં આવા આઝાદ પરિંદાઓને ક્યાં જગ્યા મળે? તેથી જ સરકાર અનેક પ્રકારના પ્રયત્નો કરીને તે આઈલેન્ડને નાબુદ કરી નાખે છે. તેમજ પછી બીજું આવું આઝાદ પંછી ન આવે તે માટે દરિયામાં પોતાની સત્તાની મર્યાદા પણ વધારી દે છે.

પણ જ્યોર્જીયોની આ પહેલ અને તેનું આ એન્જીનિયર તરીકેનું ઇનોવેશન જીવનભર લોકોને યાદ રહી જાય છે. જો વ્યક્તિમાં આવડત હોય અને કંઇક નવું કરવાની તમન્ના હોય તો માનવી શું નથી કરી શકતો? આવું જ કંઇક જ્યોર્જીયોનું હતું.

આ મુવી સત્ય ઘટના આધારિત છે. અને ૨૦૨૦માં આવેલું આ મુવી તમને એકવાર તો એવી પ્રેરણા આપી જ દેશે કે તમે પણ જીવનમાં કંઇક નવું કરી છૂટો. કોઈવાર આ પ્રકારના મુવી જોવાથી તમારો દુનિયા જીવવાનો અને તમારા પોતાના જીવનને જીવવાનો નજરીયો બદલાઈ જતો હોય છે. જયારે મોટાભાગના લોકો નાણા કમાવવાની રેસમાં રચ્યાપચ્યા હોય છે ત્યારે જ્યોર્જીયો જેવા લોકો જાતે જ પોતાની દુનિયા બનાવી નાખતા હોય છે - જે નિયમોથી પરે છે, જે કાયદાઓથી પરે છે અને જે આઝાદી તરફની એક પહેલ છે.

પોતાની જાતને મોટીવેશન આપવા માટે થઈને પણ એકવાર આ મુવી જોઈ લેવું જોઈએ.